બાળકોમાં જુગારનું ચલણ ડ્રગ્સ, શરાબ કે ધૂમ્રપાનથી પણ બમણું

Wednesday 07th December 2016 06:20 EST
 
 

લંડનઃ યુકેના બાળકોમાં પણ જુગારનું વલણ અને ચલણ વધી રહ્યું છે. જુગારનું સૌથી સામાન્ય સ્વરુપ ફ્રૂટ મશીન્સ, નાણા માટે પત્તા રમવા અને સ્ક્રેચ કાર્ડનો સમાવેશ થાય છે. યુવાવર્ગના ૧૧-૧૫ વયજૂથના આશરે ૪૫૦,૦૦૦ યંગસ્ટર્સ સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વખત તો જુગાર રમે છે. ડ્રગ્સ લેનારા, ધૂમ્રપાન કે શરાબપાન કરતા યંગસ્ટર્સ કરતા આ આંકડો મોટો છે. આમાંથી, ૯,૦૦૦ તો જુગારના બંધાણી બની ગયાની આશંકા છે.

ગેમ્બલિંગ કમિશન દ્વારા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૦૩ સરકારી સેકન્ડરી સ્કૂલ્સના ૨,૪૧૧ વિદ્યાર્થીનો સર્વે કરાયો હતો, જેના રિપોર્ટ અનુસાર તાજેતરના વર્ષોમાં ધૂમ્રપાન કે શરાબપાન કરતા બાળકોની સંખ્યા ઘટી છે પરંતુ, જુગારની સમસ્યામાં વધારો થયો છે. સામાન્યપણે બાળકો જુગાર રમવા ફ્રૂટ મશીન્સ, પ્લેઈંગ કાર્ડ્સ અને સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, પેરન્ટ્સ દ્વારા અપાતી લોટરી ટિકિટ્સ, બેટિંગ શોપ્સ, બિન્ગો હોલ્સ અને આર્કેડ્સનો પણ ઉપયોગ કરાય છે. ત્રણ ટકા બાળ જુગારી કહે છે કે તેઓ પોતાના જ પૈસે ઓનલાઈન જુગાર રમે છે.

છોકરીઓ કરતા છોકરા બમણો જુગાર રમે છે. ગત સપ્તાહે ૨૦ ટકા છોકરા અને ૧૧ ટકા છોકરીએ જુગાર ખેલ્યાનું સ્વીકાર્યું હતું. સર્વે હેઠળના ૬૦ ટકા બાળજુગારીએ સ્વીકાર્યું હતું કે જુગાર જોખમી છે. આમ છતાં, ચારમાંથી એક એટલે કે ૨૫ ટકાએ કહ્યું હતું કે તેઓ નાણા મેળવવા જુગાર રમે છે, ૨૩ ટકાએ જુગારને મનોરંજક અને ૨૧ ટકાએ રોમાંચક ગણાવ્યો હતો.

રિપોર્ટમાં જુગારના વિજ્ઞાપનો બાળકોના જોવામાં આવે છે તેને ચિંતાજનક બાબત કહેવાઈ છે. જુગારની જાહેરાતો ટેલીવિઝન પર નિહાળનારાં બાળકોનું પ્રમાણ ૭૫ ટકા છે, જ્યારે ૬૩ ટકાએ સોશિયલ મીડિયા સાઈટ્સ પર વિજ્ઞાપનો જોયાં હતાં. દસમાંથી એક વિદ્યાર્થીએ જુગારના પર્યાય જેવી રમતો ઓનલાઈન રમ્યાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter