લંડનઃ બ્રિટનના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આશરે ૧૦ મિલિયન લોકો જીપી પ્રેક્ટિસીસ, સ્થાનિક કોમ્યુનિટી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ જેવી પાયાની આરોગ્ય સંભાળ સેવાના અભાવથી પીડાય છે. આ સેવાઓ ધીમે ધીમે બંધ થતી જાય છે. કેટલાક વિસ્તારોમાં તો એમ્બ્યુલન્સને પેશન્ટ્સ સુધી પહોંચવામાં લગભગ એક કલાક લાગી જાય છે.
ગ્રામીણ ‘હેલ્થકેર ડેઝર્ટ’ વિસ્તારોમાં લાખો લોકો જીપી એપોઈન્ટમેન્ટ્સ અને હોસ્પિટલોમાં સારવારની સુવિધા માટે વલખાં મારે છે. લિવરપૂલમાં ધ રોયલ કોલેજ ઓફ નર્સિંગના વાર્ષિક અધિવેશનમાં જણાવાયું હતું કે ઈંગ્લેન્ડના ગામોમાં ૧૦ મિલિયન જેટલાં લોકો તદ્દન અપૂરતી આરોગ્યસંભાળની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે તેમજ જીપી પ્રેક્ટિસીસ, કોમ્યુનિટી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બંધ થતાં જાય છે તેનાથી આ સમસ્યા વધુ વકરી રહી છે.
એક તરફ શહેરી વિસ્તારોમાં NHS ક્રાંતિકારી ઓનલાઈન સિસ્ટમ્સ અને એપ્સ આધારિત હેલ્થકેર તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ, ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં તો લોકો આવું સ્વપ્ન પણ જોઈ શક્તાં નથી. ઈંગ્લેન્ડના ઘણાં કન્ટ્રીસાઈડ વિસ્તારોમાં બેઝિક 3G મોબાઈલ ફોન કવરેજ પણ મેળવી શકાતું નથી ત્યાં NHSને ડિજિટલ હેલ્થ સર્વિસ બનાવવાનું હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકનું સ્વપ્ન કેવી રીતે સાકાર થશે તે પ્રશ્ન છે.
લિવરપૂલ અધિવેશનમાં જણાવાયું હતું કે જીવલેણ પરિસ્થિતિઓ સાથેના પેશન્ટ્સ સુધી પહોંચવામાં એમ્બ્યુલન્સીસને પણ લગભગ કલાક લાગી જાય છે. નબળી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાનાં લીધે વૃદ્ધ દર્દીઓને જીપીની એપોઈન્ટમેન્ટ્સ મેળવી ન શકવાથી ઘરમાં જ રઝળતાં રહેવું પડે છે. કેટલાંક લોકોને સામાન્ય હોસ્પિટલ એપોઈન્ટમેન્ટ સાચવવા ૬૦ માઈલની મુસાફરી કરવામાં ટેક્સીભાડાંના ૧૦૦ પાઉન્ડ ખર્ચવાની ફરજ પડે છે. શહેરમાં રહેનારાં લોકો ગામડાંમાં રહેવાના વિચારથી રોમાંચિત થઈ ઉઠે છે પરંતુ, હેલ્થકેરની વાત કરીએ તો કઠોર વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે.


