લંડનઃ બ્રિટનમાં માયોપિયા અથવા તો ટુંકી દૃષ્ટિ ધરાવનારાની સંખ્યા વધી રહી છે. વયસ્કોના ૨૭ ટકા અને ૧૬ વર્ષથી ઓછી વયના ૨૦ ટકા તરુણો ટુંકી દૃષ્ટિથી પીડાય છે અને સંખ્યા વધશે તેવી ચેતવણી વિજ્ઞાનીઓ આપી રહ્યા છે. નિષ્ણાતોએ ઘરની બહાર ગાળવામાં આવતા ઓછા સમયને આ માટે જવાબદાર ગણાવ્યો છે. યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં ૪૦ વર્ષથી વધુ વયના ૫૪ ટકા લોકોને દૃષ્ટિની રીફ્રેક્ટિવ સમસ્યા હોવાનું જણાયું હતું. ૨૦ લાખ બ્રિટિશર કોઈ પ્રકારની દૃષ્ટિહીનતાથી પીડાય છે.
આ બધાની સરખામણીએ ૧૯૬૦ના દાયકામાં માયોપિયાની સમસ્યા માત્ર ૧૦ ટકા હતી, જે હવે સળગતી સમસ્યા બની છે. બાળપણમાં જ માયોપિયા સામાન્ય બાબત બની છે. કિંગ્સ કોલેજ લંડન દ્વારા સમગ્ર યુરોપમાં ૬૦,૦૦૦ લોકોના અભ્યાસમાં જણાયું છે કે ૨૫-૨૯ વયજૂથના ૪૭ ટકા લોકો ટુંકી દૃષ્ટિથી પીડાય છે.
વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે ઘરમાં વધુ સમય પસાર કરવો, સતત પુસ્તકોનું વાચન, ટીવી, લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનના સ્ક્રીન સામે બેસી રહેવું અને આનુવાંશિકતા જેવાં કારણો માયોપિક દૃષ્ટિ માટે કારણભૂત ગણી શકાય છે. યુકેના વયસ્કોમાં ૪૭ ટકા ચાઈનીઝ મૂળના લોકો માયોપિક છે, જે અન્ય કોઈ જૂથ કરતા વધુ છે. સાક્ષરતાની વાત કરીએ તો ડીગ્રી ધરાવતા ૩૪ ટકા લોકો માયોપિક છે તેની સામે શૈક્ષણિક લાયકાત ન ધરાવતા ૧૩ ટકા લોકોને જ ટુંકી દૃષ્ટિની સમસ્યા છે.


