લંડનઃ બ્રિટનવાસીઓ દર વર્ષે સહેજ દબાઈ ગયેલા અથવા કાળા ડાઘવાળા ૧૬૦ મિલિયનથી વધુ કેળાં કચરાના ડબ્બામાં ફેંકી દે છે. દેશમાં દર પાંચમાંથી એક વ્યક્તિ દરરોજ કેળાં ખાય છે. દર અઠવાડિયે સરેરાશ ત્રણ કેળાનો વપરાશ થાય છે જે વર્ષે ૧૨ કિલો જેટલો થાય છે. કુલ ૮૦ ટકા લોકોને આ ફ્રૂટ ગમે છે અથવા ભાવે છે. જ્યારે ૧૩ ટકા લોકો છાલ થોડી પણ લીલાશવાળી હોય તેવું કેળું ખાવાનું પસંદ કરતાં નથી.
પરંતુ, Sainsbury'sસુપરમાર્કેટના જણાવ્યા મુજબ તેમાંથી લગભગ ત્રીજા ભાગના લોકો સહેજ પણ દબાઈ ગયેલું અથવા એકાદ નાનો કાળો ડાઘ હોય તો પણ તે કેળું ફેંકી દે છે. ઘરેલુ ફૂડ વેસ્ટ ઘટાડવા માટે લોકોને આવા કેળાનો ઉપયોગ બ્રેડ, કેક અને અન્ય વસ્તુ બનાવવામાં કરવા ચેઈન દ્વારા અનુરોધ કરાયો છે.
દરેક પરિવાર વર્ષે સરેરાશ ૭૦૦ પાઉન્ડથી વધુની કિંમતનું ફૂડ કચરામાં ફેંકી દે છે. યુકેના ઘરોમાંથી ૭ મિલિયન ટન જેટલો ફૂડ વેસ્ટ નીકળે છે. કુલ ૧ બિલિયન પાઉન્ડ કરતાં વધુ કિંમતનું ફ્રૂટ કચરાપેટીમાં જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ પેકેજિંગ વેસ્ટ કરતાં ફૂડ વેસ્ટ વધુ ખરાબ હોય છે કારણ કે તે જ્યારે સડી જાય છે ત્યારે તેમાંથી ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર મનાતો મિથેન ગેસ નીકળે છે.
Sainsbury'sના હેડ ઓફ સસ્ટેઈનેબિલિટી પોલ ક્રૂવે જણાવ્યું હતું કે કંપની દબાઈ ગયેલા કેળાનો ઉપયોગ કરીને બનાના બ્રેડ બનાવશે, જેનું વેચાણ સાત શોપ્સ પર થશે. તેમનો અંદાજ છે કે તેના માત્ર ટ્રાયલ દ્વારા જ ૧,૦૦૦ કેળાનો બચાવ થશે.


