લંડનઃ લઘુમતી સમુદાય અને ખાસ કરીને બાંગલાદેશી અને પાકિસ્તાની કોમ્યુનિટીમાં વિદેશથી જીવનસાથી લાવવામાં આવે ત્યારે લઘુમતી સમુદાયમાં તેઓ એકાકાર થઈ શકતા ન હોવાનું ડેમ લુઈ કેસીનો રિપોર્ટ કહે છે. તેનાથી ‘દરેક પેઢીમાં પ્રથમ પેઢી’નો સિદ્ધાંત ઉદ્ભવે છે, જેમાં દરેક પેઢી વિદેશમાં જન્મેલા પેરન્ટ્સ સાથે ઉછરે છે. સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં તો આ બાબત સાચી પડતી જણાય છે. જોકે, નવાઈની વાત એ છે કે યુકેના નહિ પરંતુ, સાઉથ એશિયન પુરુષો સાથે અને ઘણી તો ગોઠવાયેલા લગ્ન કરવાનું પસંદ કરતી બ્રિટિશ એશિયન મહિલાઓની સંખ્યા વધી રહી છે.
તેઓ કેટલીક કોમ્યુનિટીઓમાં બળજબરીથી કરાવાતા લગ્નોની શિકાર નથી પરંતુ વિદેશના જીવનસાથીને પસંદ કરવામાં તેઓ ટ્રેન્ડ સેટર્સ છે. આવી ઘણી મહિલાઓ દાવો કરે છે કે સાઉથ એશિયન પુરુષોના ઉછેર અને ખુલ્લાપણાના અનુભવોના લીધે તેમનામાં જવાબદારીની વિશેષ ભાવના જોવાં મળે છે. અનિશા ઠક્કર*નું દિલ તૂટી જવાથી તે વિદેશી સાથે લગ્ન કરવા દોરાઈ હતી. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે,‘પારિવારિક મિત્રો દ્વારા ગોઠવણના પગલે મારાં લગ્ન થયાં હતાં. મારી વાર્તા ફિલ્મ પરદેશની હિરોઈન મહિમાને મળતી આવે છે. મારા બ્રિટિશ ભારતીય પતિ કામ કરતા ન હતા અને આખો દિવસ ટેલિવિઝન જોયા કરતા, ઘરનું કોઈ કામ પણ કરતા નહિ. તેમનો અડધો સમય મિત્રો સાથે પબમાં રખડવામાં અને મારી સાથે બૂમબરાડા કરવામાં અને ઘણી વખત મને મારવામાં જ જતો હતો. મેં નોકરી શરૂ કરી પરંતુ તેમણે મારા પૈસે દારુ પીવા માંડ્યો. આથી, મે તેને છોડી દીધો. મને ડાઈવોર્સ મળવામાં મુશ્કેલી પડી છતાં આખરે સફળ થઈ. થોડાં વર્ષ પછી મેં બીજા લગ્ન કર્યા ત્યારે ભારતના પુરુષની પસંદગી કરી હતી કારણકે મારા અનુભવથી અહીંના પુરુષમાં મારો વિશ્વાસ ડગી ગયો હતો.’
બ્રિટિશ પાકિસ્તાની મહિલા ઈમરાનાની કથા પણ અનિશા જેવી જ છે, જેણે પ્રથમ લગ્નની નિષ્ફળતા પછી બીજો પતિ પાકિસ્તાનમાંથી શોધ્યો હતો. ઈમરાના કહે છે,‘ મારો પહેલો પતિ યુકેનો હતો પરંતુ તે માથે પડેલો જ હતો. તે પોતાની સાંજ બહાર મિત્રો સાથે જ વીતાવતો અને નિયમિત મારામારી કરી ઘેર આવતો. ‘તેના પેરન્ટ્સે એટલા માટે જ લગ્ન કરાવ્યા હતા કે લગ્ન પછી તે સ્થિર થશે અને નશો છોડી દેશે. તેમણે પોતાની સમસ્યા મારાં પર નાખી દીધી હતી. તેના માટે લગ્નનો અર્થ શારીરિક સંબંધ અને રસોઈયણ પૂરતો જ હતો. મે તેને ડાઈવોર્સ આપી દીધાં. સતત તમાકુના સ્મોકિંગથી શંકાશીલ બનવા સાથે તેણે મારાં ચારિત્ર્ય પર આક્ષેપો કરવા શરૂ કર્યા હતા. બીજા લગ્ન માટે તૈયાર થતાં મને બે વર્ષ લાગી ગયાં. આ વખતે મેં પતિની પસંદગી પાકિસ્તાનથી કરી હતી કારણકે મારે એક સરખા અનુભવમાંથી પસાર થવું ન હતું.’
હરપ્રીત કૌરે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘અમે બહેનો અહીં કે ભારત લગ્ન કરીએ તેની દરકાર અમારાં પેરન્ટ્સને ન કદી હતી. હું ૧૯ વર્ષની હતી ત્યારે ભારત (પંજાબ)ની પહેલી મુલાકાત લીધી હતી અને મને તે ગમી ગયું હતું. મારાં મૂળિયાં નજીક રહેવું હોલાથી ઉચ્ચ શિક્ષણ માટે ભારત રહી હતી. મારાં કાકાએ ભાવિ પતિની મુલાકાત દિલ્હીમાં કરાવી હતી. મને ગમવાથી ફોન પર વાતચીત ણને મુલાકાતો વધી હતી. બે વર્ષના સંવનન પછી મેં લગ્ન કર્યાં હતાં. તેને મારા ડિપેન્ડન્ટ તરીકે ગણાવી અમે યુકે પાછાં ફર્યાં હતાં. સામાન્યપણે ભારતીય પુરુષો જવાબદાર હોય છે. પુરુષ તરીકે ઘરની જવાબદારી તેણે જ ઉઠાવવાની રહે તે રીતે જ તેમનો ઉછેર થાય છે. તેનાથી ઘણી વખત અસમાનતા પણ ઉભી થાય છે. મને ભાવિ સાથીમાં આવા ગુણ જોઈતાં હતાં, જે મને અજયમાં મળ્યાં છે. તેના શિક્ષણ અને ઉછેરના કારણે તે જવાબદારીમાં ભાગીદારીમાં માને છે અને મને તેમાં કોઈ વાંધો નથી.’
મેરેજ કાઉન્સેલર કાર્તિક જગન્નાથન કહે છે,‘વર્ચ્યુઅલ લવ, ઈન્ટરનેટ અને ડેટિંગ સાઈટ્સના આ યુગમાં લોકો દરિયાપાર ગોઠલાયેલાં લગ્નોમાં પ્રેમ અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે તે રસપ્રદ છે. આવા લગ્નો થવાની સ્થિતિ, પદ્ધતિઓ બદલાઈ છે. શિક્ષિત મહિલા પુરુષને મળે અને બીજી જ મુલાકાતમાં તેની સાથે લગ્ન ગોઠવે તે ભાગ્યે જ બનતું હોય છે. સંવનનનો ગાળો એકબીજાને સારી રીતે સમજવામાં મદદ કરે છે.
(*વિનંતી અનુસાર નામ બદલ્યું છે.)