બ્રિટિશ પારિવારિક દેવું ૯.૯ ટકા વધી કુલ £૧૮૪.૩ બિલિયન

Monday 18th July 2016 08:22 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના આંકડા અનુસાર મે મહિનામાં બ્રિટિશ પારિવારિક દેવાંના પ્રમાણમાં ૯.૯ ટકા અથવા તો ૧૬.૬ બિલિયન પાઉન્ડના વધારા સાથે કુલ દેવું ૧૮૪.૩ બિલિયન પાઉન્ડ થયું હતું. આ વધારો ૧૧ વર્ષમાં સૌથી મોટો છે. પરિવારદીઠ સરેરાશ વાર્ષિક ૭,૦૦૦ પાઉન્ડના વધારા સાથે લાખો બ્રિટિશરોએ ક્રેડિટ કાર્ડ્સ, લોન્સ અને ઓવરડ્રાફ્ટ્સ સાથે દેવું વધારી દીધું છે. માત્ર ક્રેડિટ કાર્ડ થકી દેવાંમાં ૪૦૦ મિલિયન પાઉન્ડ વધી કુલ ૬૪.૭ બિલિયન પાઉન્ડ થયું હતું, જે આંખમાં પાણી લાવી દેનારું છે.

સામાન્યપણે દેવાંનું વધતું પ્રમાણ વપરાશકારો પોતાના પરિવારની નાણાકીય સ્થિતિ, નોકરીઓ અને દેવાંની ચૂકવણી કરવાની ક્ષમતા બાબતે આત્મવિશ્વાસી હોવાનું દર્શાવે છે. જોકે, આ આંકડો લેબર શાસનમાં ૨૦૦૭-૦૮ના વર્ષની નાણાકીય કટોકટીમાં આડેધડ દેવાંની યાદ કરાવે છે, જ્યારે બેન્કોએ રીપેમેન્ટ ક્ષમતાની વધુ ચકાસણી વિના લોકોને લોન્સ, મોર્ગેજીસ અને ક્રેડિટ કાર્ડ્સ મારફત મોટી રકમોનું ધીરાણ કર્યું હતું. આના પરિણામે, નાદારી, મકાનો પર બેન્કોનો કબજો, પરિવારોમાં ભંગાણ તેમજ આપઘાતના કિસ્સાઓ પણ વધ્યા હતા. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરાયા નથી એટલે દેવાંની પુનઃ ચુકવણી પોસાય તેવી જણાય છે.

StepChange Debt Charity અનુસાર તેના ક્લાયન્ટ્સનું સરેરાશ ક્રેડિટ કાર્ડ દેવું ૮,૪૦૦ પાઉન્ડ છે, જે તેમના વાર્ષિક ટેક-હોમ વેતન કરતા અડધાં જેટલું છે. કરજ લેવાં માટે ક્રેડિટ કાર્ડ સરળ માર્ગ હોવાં છતાં ઘણાં લોકો માટે તે લાંબા ગાળાના કરજમાં અતિ ખર્ચાળ સાબિત થાય છે.

અસુરક્ષિત ક્રેડિટના અન્ય પ્રકાર પર્સનલ લોન્સ અને ઓવરડ્રાફ્ટ્સમાં ૧.૧ બિલિયન પાઉન્ડ વધારા સાથે કુલ ૧૧૯.૬ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચ્યાં હતાં. દેવામાં ભારે વૃદ્ધિ માટે કાર ફાયનાન્સ પણ જવાબદાર છે. ગયા વર્ષમાં હપ્તાથી દસ લાખથી વધુ નવી કાર ખરીદવા ૨૮ બિલિયન પાઉન્ડનું કરજ લેવાયું હતું, જે અગાઉના ચાર વર્ષની સરખામણીએ બમણાથી વધુ છે. આ ઉપરાંત, ધીરાણકારોએ ૬૭,૦૪૨ મોર્ગેજીસ મંજૂર કર્યા હતા, જે એપ્રિલ મહિનામાં ૬૬,૨૦૫ હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter