બ્રિટિશરો £૧૦ બિલિયનના વસ્ત્રો સંઘરે છે

Wednesday 10th January 2018 07:02 EST
 
 

લંડનઃ સંગ્રહખોરી માનવીની માનસિકતા છે. શરીર વધી ગયું હોય તો પણ માનીતું જીન્સ ફેંકી દેવાતું નથી કારણકે શરીર ઉતારીને પણ તેનો ઉપયોગ કરવાની ઈચ્છા હોય છે. એક સર્વે અનુસાર બ્રિટિશ મહિલાઓનાં વોર્ડરોબ્સમાં ૩૬૫ મિલિયન અને પુરુષોના વોર્ડરોબ્સમાં ૨૨૩ મિલિયન વણવપરાયેલાં વસ્ત્રોનો સંગ્રહ થયેલો હોય છે. બધું થઈને કુલ ૧૦ બિલિયન પાઉન્ડની કિંમતના વસ્ત્રો કબાટોમાં ભરેલા હોય છે, જેને તેઓ કદી પહેરવાના નથી. જો ૧૦ બિલિયન પાઉન્ડની ગણતરી કરીએ તો યુકેમાં પુખ્ત વ્યક્તિદીઠ નહિ પહેરાયેલાં વસ્ત્રોની કિંમત ૨૦૦ પાઉન્ડ થવા જાય છે. જે લોકોનો સર્વે કરાયો હતો તેમણે જણાવ્યું હતું કે એક વખત તેમનું વજન ઘટે તે પછી આ વસ્ત્રો પહેરવાનું તેમનું આયોજન છે.

વેઈટ વોચર્સ સંસ્થા દ્વારા ૧૦૦૦ સ્ત્રી અને ૧૦૦૦ પુરુષને અભ્યાસમાં આવરી લેવાયાં હતાં, જેમાંથી ૨૫ ટકાએ આઈટમ્સ લીધાં પછી વધી ગયેલું વજન ઘટે ત્યારે આ વસ્ત્રો પહેરવાની યોજના કહી હતી. ૧૦માંથી એક વ્યક્તિનો જવાબ એ હતો કે નહિ પહેરાયેલાં વસ્ત્રો ફરીથી ફેશનમાં આવશે તેવી આશા સાથે તેઓ તેમને ફેંકી દેતાં નથી. જો નહિ પહેરાયેલાં વસ્ત્રોને એકબીજા સાથે બાંધવામાં આવે તો તેમની કુલ લંબાઈ ૧૮,૦૦૦ માઈલથી પણ વધુ થવા જાય છે, જે લંડન અને ન્યૂ યોર્ક વચ્ચે પાંચ વખત આંટા મારવા જેટલી થાય છે.

સર્વેમાં જણાયું હતું કે મહિલાઓ તેમના ૫૫ ટકા ડ્રેસ જ પહેરે છે. સામાન્યપણે નહિ પહેરાતાં વસ્ત્રોમાં ઈવનિંગ ડ્રેસીસ, એકદમ ટાઈટ જીન્સ અને ટોપ્સનો સમાવેશ થયો હતો. વોર્ડરોબ્સ અને ડ્રોઅર્સમાં દબાવી રાખેલાં ૪૫ ટકા વસ્ત્રોની કુલ કિંમત ૫.૪ બિલિયન પાઉન્ડ થવા જાય છે.

પુરુષોની વાત કરીએ તો તેઓ ૫૩ ટકા ડ્રેસ જ પહેરે છે. સામાન્યપણે નહિ પહેરાતાં વસ્ત્રોમાં ટી-શર્ટ્સ, ટાઈટ જીન્સ અને જેકેટ્સનો સમાવેશ થયો હતો. વોર્ડરોબ્સ અને ડ્રોઅર્સમાં દબાવી રાખેલાં ૪૭ ટકા વસ્ત્રોની કુલ કિંમત ૫.૧ બિલિયન પાઉન્ડ થવા જાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter