લંડનઃ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોએ બ્રિટનનાં લોકોની ટેવ બાબતે સંશોધન કરી તારણ કાઢ્યું છે કે, બ્રિટનનાં લોકો ટેવ પ્રમાણે જ રોજિંદા કાર્યો કરે છે. તેઓ દુકાનમાં ખરીદી માટે ૬ મિનિટથી વધુ સમય લાઈનમાં ઊભાં રહેતાં નથી અને તેઓ ૬ કરતાં ઓછાં લોકોની લાઈનમાં જ ઊભા રહેવાનું પસંદ કરે છે.
સંશોધકો અનુસાર બ્રિટિશરો માટે ૬નો ક્રમાંક કે સંખ્યા મેજિક નંબર જેવી છે. તેઓ ફક્ત ૬ લોકો ઊભાં હોય તેવી નાની સંખ્યાવાળી લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરે છે. તેઓ ૫ મિનિટ અને ૫૪ સેકન્ડથી વધુ સમય માટે લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરતાં નથી.
બેકગ્રાઉન્ડમાં જાણીતી સંગીતની ધૂન વાગતી હોય અને લોકો શાંતિથી લાઈનમાં નંબર આવવાની રાહ જોતાં હોય છે. તેઓ લાઈન છોડવાનો, અધવચ્ચે તોડવાનો અને વાર્તાલાપમાં મગ્ન થવાનો પ્રયાસ કરતા નથી. વળી લાઈનમાં આગળ ઊભેલી વ્યક્તિથી આગળ જવાનો નિષેધ છે, જે બ્રિટિશરોના મતે ઉદ્ધતાઈપૂર્ણ વર્તન છે. બ્રિટનનાં લોકો પાસે લાઈનમાં ઊભા રહેવા બાબતે પણ ચોક્કસ પ્રકારની શિસ્ત છે. આ સંશોધનના ગાઈડ પ્રોફેસર એડ્રિયન ફર્નહામના મતે બ્રિટનનાં લોકો પાસે લાઈનમાં ઊભા રહેવાની બાબતે શિષ્ટ અને સ્થાપિત સંસ્કૃતિ છે. બ્રિટનમાં સુધારણાની હવા ફૂંકાઈ ત્યારથી લોકોએ ચોક્કસ ધોરણો જીવનમાં અપનાવ્યાં, જેમાથી લાઈનમાં ઊભા રહેવાની શિસ્ત માનસિકતા સાથે વણાઈ બ્રિટિશ સંસ્કૃતિના ભાગરૂપ બની છે.


