લંડનઃ બ્રિટનવાસીઓ હવે દર સપ્તાહે વધુ ૨૪ કલાકનો સમય ઓનલાઈન રહેવામાં ગાળે છે. તેમાં પણ યુવાનો રોજિંદી ઉંઘ કરતાં પણ વધુ એટલે કે આઠ કલાક અને ૪૫ મિનિટનો સમય દરરોજ ઈન્ટરનેટ પર ગાળે છે. કોમ્યુનિકેશન વોચડોગ Ofcomના કોમ્યુનિકેશન્સ માર્કેટ રિપોર્ટ અનુસાર ૫૫-૬૪ વયજૂથના વડીલો પૈકી ૫૧ ટકા સોશિયલ મીડિયાનો અને ૪૨ ટકા દર સપ્તાહે ઓછામાં ઓછું એક વખત ઓન-ડિમાન્ડ સર્વિસનો ઉપયોગ કરે છે.
દેશના ૫૦ મિલિયન ઈન્ટરનેટ વપરાશકારો પૈકી અડધાથી વધુ લોકોએ વેબસર્ફિંગનું ભારે વળગણ હોવાનું કબુલ્યું હતું. તેને લીધે તેઓ ઘરકામની અવગણના કરે છે, કામ પર મોડા પહોંચે છે તથા ડિજિટલ ડિવાઈસમાં જોવામાં તલ્લીન રહેવાથી સ્ટ્રીટમાં ચાલતા લોકો સાથે ટકરાઈ જાય છે.
ઈન્ટરનેટનું વળગણ એવી સમસ્યા બની છે કે દર ત્રીજી વ્યક્તિ દાવો કરે છે કે તેણે ‘ડિજિટલ ડિટોક્સ’ હાથ ધર્યું છે એટલે કે તેઓ એક દિવસ ઓફલાઈન રહે છે. માત્ર પાંચ ટકા લોકો એક મહિના સુધી ઈન્ટરનેટથી દૂર રહી શક્યા હતા. જ્યારે દર છમાંથી એક વ્યક્તિ ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ ન હોય તેવું સ્થળ ઈરાદાપૂર્વક હોલિડે માણવા માટે પસંદ કરે છે.
ઈન્ટરનેટ વપરાશકારો પૈકી ૭૫ ટકાએ વેબને તેમના રોજીંદા જીવનમાં મહત્ત્વનું,૫૧ ટકાએ ક્યારેય કંટાળો ન આવવાનું અને ૮૨ ટકાએ વેબ દ્વારા કોમ્યુનિકેશનથી જીવન સરળ બન્યું હોવાનું જણાવ્યું હતું. સર્વેમાં ઈન્ટરનેટની લોકોના દૈનિક જીવન પર અસર જાણવા ૨,૦૦૦ પુખ્તો અને ૫૦૦ ટીનેજરનો સમાવેશ કરાયો હતો. ૨૦૧૪માં ૨૮ ટકા લોકો સપ્તાહમાં સરેરાશ એક વખત ફેસબુક મેસેન્જર અને વોટ્સએપનો ઉપયોગ કરતા હતા, જે સંખ્યા ૨૦૧૬માં વધીને ૪૩ ટકા થઈ છે.


