બ્રિટિશરોને મોબાઈલનું વળગણઃ દર ૧૨ મિનિટે ફોન ચેક કરે છે

Wednesday 08th August 2018 02:37 EDT
 
 

લંડનઃ ટેકનોલોજી કામને સહેલું બનાવે છે તેની સાથે તેનું વળગણ પણ આપે છે. યુકે ડિજિટલ વળગણની હાલતમાં છે. ટેલિવિઝનનું વળગણ ઘટ્યું છે તો સ્માર્ટફોન અને ઈન્ટરનેટનું વળગણ વધી ગયું છે. સમગ્ર વિશ્વ સામાજિક ક્રાન્તિમાંથી પસાર થઈ રહ્યું છે. ઓફકોમના નવા અભ્યાસ રિપોર્ટ અનુસાર પાંચ પુખ્ત વ્યક્તિમાંથી બે વ્યક્તિ જાગવાની પાંચ જ મિનિટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગે છે અને ૩૫થી વધુ વયના ૬૦ ટકા લોકો નિદ્રાના શરણે જવા પહેલા પાંચ મિનિટ માટે પણ મોબાઈલ ફોન તપાસી લે છે. ૧૦માંથી છ વ્યક્તિ એમ કહે છે તે તેઓ સ્માર્ટફોન વિના જીવી શકે તેમ નથી. સરેરાશ પુખ્ત વ્યક્તિ દર ૧૨ મિનિટે એક વખત પોતાનો મોબાઈલ ફોન તપાસી લે છે. સરેરાશ પુખ્ત વ્યક્તિ દિવસમાં ૨ કલાક અને ૨૮ મિનિટ, જ્યારે ૧૮થી ૨૪ વયજૂથના લોકો સરેરાશ ૩ કલાક અને ૧૪ મિનિટ મોબાઈલનો ઉપયોગ કરવામાં ગાળે છે.

વિચિત્ર બાબત તો એ છે કે ૫૦ ટકા લોકો ટેલિવિઝન નિહાળતી વખતે પણ સ્માર્ટફોનમાં ચોંટેલા રહે છે. અન્ય મહત્ત્વની બાબત એ છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ સમય ઓનલાઈન રહે છે અને ૧૮થી ૨૪ વયજૂથની મહિલાઓને ઈન્ટરનેટનું ભારે વળગણ છે. સ્ત્રીઓ સોશિયલ મીડિયા કન્ટેન્ટમાં વધુ રસ દર્શાવે છે. ૫૦ ટકાથી વધુ લોકો વધુ અને વધુ સમય ઓનલાઈન રહેતા થયા છે અને તેનાથી પરિવાર અને મિત્રો સાથેના સંબંધને અસર પહોંચતી હોવાનું સ્વીકારે છે છતાં, વળગણથી દૂર જઈ શકતા નથી. લોકો હવે દુકાનોમાં ઓછા જાય છે અને ઓનલાઈન શોપિંગ કરવાનું જ વધુ પસંદ કરે છે.

ગૂગલ સૌથી વધુ વપરાતી વેબસાઈટ

યુએસ સર્ચ જાયન્ટ ગૂગલ હજુ પણ સૌથી વધુ વપરાતી વેબસાઈટ છે. સરેરાશ પુખ્ત વ્યક્તિ મહિનામાં ૩૦૦ મિનિટથી વધુ સમય ગૂગલ સાથે સંકળાયેલી કન્ટેન્ટ જોવામાં વીતાવે છે. બીજા ક્રમે ફેસબૂક આવે છે, જેની પહોંચ હવે ૯૫ ટકા પુખ્ત લોકો સુધી છે.

જૂનાપુરાણા ફોન કોલ્સની પડતી

આપણે દિવસે અને દિવસે વેબ તરફ આગળ વધતા જઈએ છીએ તેમ પરંપરાગત ફોન કોલ્સનું પ્રમાણ સૌપ્રથમ વખત તળિયે પહોંચ્યું છે. અગાઉ કરતા પણ પેકેજીસ સસ્તાં હોવાં છતાં ગત વર્ષે કરાયેલાં કોલ્સનું પ્રમાણ ૧.૭ ટકા ઘટ્યું હતું. આનું કારણ એ છે કે ઘણા બ્રિટિશર હવે વોટ્સએપ અથવા ફેસટાઈમ જેવી એપ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. પ્રતિ વપરાશકાર દ્વારા પ્રતિ માસ સરેરાશ ૧૬૨ ટેક્સ્ટ અને પિક્ચર મેસેજીસનું પ્રમાણ ગત વર્ષે ઘટીને ૮૨ થયું હતું.

તમે ભોજન સમયે મોબાઈલનો ઉપયોગ કરો છો?

૩૪ વર્ષથી ઓછી વયના ૫૦ ટકાથી વધુ લોકો એમ માને છે કે ડિનર ટેબલ પર ફોન તપાસી લેવામાં કશું ખોટું નથી. ફોન પર વાત કરવી યોગ્ય નહિ હોવાનું ૩૪થી ઓછી વયના ૭૨ ટકાએ સ્વીકાર્યું હતું. જોકે, આ વયજૂથના ૪૬ ટકાએ અને ૫૫થી વધુ વયના ૮૩ ટકા લોકોએ જમતી વેળાએ નોટિફિકેશન્સ તપાસવાને અવિવેક ગણાવ્યો હતો. ૫૫થી વધુ વયના ૯૦ ટકા લોકોએ જમતી વેળાએ ફોન આવે અને વાત કરવી પડે તે પ્રત્યે ચીડ દર્શાવી હતી.

 

૬૬ ટકા લોકો માટે ઈન્ટરનેટ જીવનનો અગત્યનો હિસ્સો 

• અડધોઅડધ પુખ્તો સ્વીકારે છે કે ઈન્ટરનેટની સુવિધા વિના તેમનું જીવન કંટાળાજનક બની જાય • બે તૃતીઆંશ અથવા ૬૬ ટકા લોકોએ ઈન્ટરનેટને તેમના જીવનનો આવશ્યક હિસ્સો ગણાવ્યો હતો. • વર્ષ ૨૦૧૭માં પુખ્ત લોકોએ દર સપ્તાહે સરેરાશ ૨૪ કલાક ઓનલાઈન રહેવામાં ગાળ્યા હતા, જે પ્રમાણ ૨૦૧૧ની સરખામણીએ બમણું છે • દસમાંથી સાત લોકો તેમના પ્રવાસ દરમિયાન મોબાઈલ સાથે ચોંટેલા રહે છે • પાંચમાંથી એક પુખ્ત વ્યક્તિ સપ્તાહમાં ૪૦ ટકાથી વધુ સમય ઓનલાઈન રહેવામાં ગાળે છે • વર્ષ ૨૦૧૨માં ૫૧ ટકા પુખ્તોએ કહ્યું હતું કે તેઓએ કદી ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. હવે માત્ર ૧૨ ટકા લોકો ઓનલાઈન રહેતા નથી • તમામ વયજૂથના ૭૮ ટકા લોકો સ્માર્ટફોન ધરાવે છે, જે એક દસકા અગાઉ માત્ર ૧૨ ટકા લોકો પાસે સ્માર્ટફોન હતા. • ૧૬થી ૨૪ વયજૂથના ૯૫ ટકા લોકો પાસે સ્માર્ટફોન હોય છે • સરેરાશ જોઈએ તો પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ સ્માર્ટફોન પર દિવસમાં ૩૩ મિનિટ વધુ ગાળે છે • ૧૮થી ૨૪ વયજૂથમાં આ ખાઈ વધુ મોટી છે. પુરુષો તેમના સ્માર્ટફોન પર દિવસમાં સરેરાશ ૨ કલાક અને ૫૦ મિનિટ ગાળે છે, જ્યારે સ્ત્રીઓ સરેરાશ ૩ કલાક અને ૪૦ મિનિટ ગાળે છે. તેઓ સાપ્તાહિક ખરીદારી અથવા બાળકોનાં વસ્ત્રો ખરીદવા વેબસાઈટ્સનો વધુ ઉપયોગ કરે છે • ટેલિવિઝન હવે મનોરંજનનું એકમાત્ર અને લોકપ્રિય સાધન રહ્યું નથી. વર્ષ ૨૦૦૭માં ૫૨ ટકા પુખ્ત લોકોએ તેને પ્રથમ ક્રમે મૂક્યું હતું પરંતુ, ગત વર્ષે તેની લોકપ્રિયતા ઘટીને ૨૭ ટકા થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter