લંડનઃ યુરોપ અને અમેરિકાના દેશોમાં માંસાહારના સ્થાને શાકાહારનો પ્રચાર વધી રહયો છે ત્યારે બ્રિટનમાં શાકાહારી ભોજન માટે એક નવો જ ટ્રેન્ડ શરુ થયો છે. આ નવતર શાકાહારી ટ્રેન્ડને ‘5:2 diet’ નામ અપાયું છે જેમાં સપ્તાહના પાંચ દિવસ શાકાહારી અને માત્ર બે દિવસ માંસાહારી ભોજન લેવામાં આવે છે. આ ઉપરાંત,કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પેકેજ્ડ ફૂડના બદલે ઘેર તૈયાર કરેલા ખોરાકનું મહત્ત્વ પણ વધ્યું છે.
Waitrose Food & Drinkના રિપોર્ટ મુજબ મધ્યમવર્ગીય બ્રિટિશરો માંસનો લગભગ ત્યાગ કરી રહ્યા છે અને શાકાહારી બનવા તરફ નવા ‘ક્લાઈમેટેરિયન ડાયેટ- ૫:૨’ને અનુસરી રહ્યા છે જે, વજન ઘટાડવા માટે લોકપ્રિય બની રહ્યું છે. કોરોના મહામારીમાં લોકડાઉન્સ સમયે ઘરમાંથી કામ કરવાનું હોવાથી રેડીમેડ સોસીસ અને સેન્ડવિચીઝનો ઉપયોગ પણ ઘટ્યો હતો તેમજ ઘરમાં જ રાંધવાને પ્રાથમિકતા અપાઈ હતી જે હવે લોકોને ફાવી ગયું છે. જેઓ બહારનું ફૂડ ખાવાના રસિયા હતા તેઓ પણ ઘરમાં ગુણવત્તાવાળો ખોરાક બનાવવાનું શીખી ગયા છે. પરિવારજનો, મિત્રો અને પરિચિતોની મિલન પાર્ટીઓ પણ ઘરે બેઠા જ ખોરાક રાંધીને પાર્ટી ઉજવાય છે. લોકો ફૂડ ડિલિવરી એપ્સ પરથી ઘરે રાંધી શકાય તેવી ચીજવસ્તુઓ ઓર્ડર કરી રહ્યા છે.
વેઈટરોઝ રિપોર્ટમાં મહત્ત્વપૂર્ણ તારણ એ પણ જણાયું છે કે ઈકો-ફ્રેન્ડલી આહારની સાથોસાથ ખોરાકનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન રખાય છે અને વધારાના ભોજનનું દાન કરી દેવાય છે તેમજ વધુપડતા પેકેજિંગ સાથેની ગ્રોસરીની ખરીદી પણ ઘટી છે. મોટા ભાગના ખરીદારો પર્યાવરણનું રક્ષણ કરવા તેઓ શું કરી શકે તેના પર ધ્યાન આપતા થયા છે.


