લંડનઃ લેન્કેશાયરના બ્લેકપુલમાં વર્ષ ૨૦૧૫-૧૬માં બાળકના જન્મના ગાળા દરમિયાન ૨૬ ટકા જેટલી પ્રસુતાને ધૂમ્રપાનની ટેવ હોવાનું NHSદ્વારા જાહેર આંકડામાં જણાયું છે. આનાથી ઉલટું સેન્ટ્રલ લંડનના વેસ્ટમિન્સ્ટરમાં આ ટકાવારી માત્ર ૧.૫ હતી. નિષ્ણાતો ચેતવણી આપી હતી કે ધૂમ્રપાનથી ગર્ભના વિકાસને અસર પહોંચે છે જેને લીધે ગર્ભપાત, વહેલી ડિલિવરી અને મૃત બાળકના જન્મ સહિત આરોગ્યલક્ષી સમસ્યાનું જોખમ વધી જાય છે.
હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફર્મેશન સેન્ટરની આ માહિતીમાં માર્ચ ૨૦૧૬ સુધીના સમગ્ર ઈંગ્લેન્ડના આંકડાનો સમાવેશ કરાયો છે. વર્ષ ૨૦૦૬-૦૭માં આ રેકર્ડની નોંધની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં સૌથી નીચી ગયા વર્ષની ૧૦.૬ની ટકાવારી છે. ગયા વર્ષે કુલ ૬,૩૧,૨૩૦ પ્રસુતિમાં ૬૭,૨૦૦ સગર્ભાને ધૂમ્રપાનની ટેવ હતી. અગાઉના વર્ષમાં આ ટકાવારી ૧૧.૪ હતી. ૨૦૦૬-૦૭માં તે ખૂબ ઉંચી ૧૫.૧ ટકા હતી. જોકે, તે પછી તેમાં ઘટાડો થઈ રહ્યો છે.
ગર્ભાવસ્થામાં ધૂમ્રપાનની ટેવ ધરાવતી મહિલાઓનો સરકારી રાષ્ટ્રીય લક્ષ્યાંક ૧૧ ટકા રખાયો હતો. આ વર્ષે પ્રથમ વખત તેના કરતાં પણ નીચી ટકાવારી નોંધાઈ હતી. જોકે, ઈંગ્લેન્ડમાં એવા પણ વિસ્તારો છે કે જ્યાં ૨૫ ટકા જેટલી પ્રસુતા ધૂમ્રપાન કરતી હતી.


