24 વર્ષની અન્નાનું અદમ્ય સાહસઃ 53 દિવસમાં 100 શિખર સર

Sunday 02nd October 2022 04:56 EDT
 
 

લંડનઃ લેક ડિસ્ટ્રિક્ટના વિન્ડરમીઅરની 24 વર્ષીય સાહસિક યુવતી અન્ના ટેઈલર 100 બ્રિટિશ પર્વતશિખરોને સાંકળી લેતા રૂટ્સને પૂર્ણ કરી યુકેની પ્રથમ પર્વતારોહક બની છે. તેણે 53 દિવસના સાહસમાં 1250 માઈલ્સનું સાયકલિંગ, 210 માઈલ્સ દોડવા કે ચાલવા સાથે 39,000 ફૂટ (12,402 મીટર)થી વધુની ઊંચાઈ સર કરી માનવશક્તિનું પ્રદર્શન કર્યું છે. તેણે મોટા ભાગના શિખરોનું ચઢાણ દોરડાની સહાય વિના જ કર્યું હતું. બ્રિટિશ પર્વતારોહક અને બ્રિટિશ આઉટડોર કંપની બેરઘાઉસની એમ્બેસેડર અન્નાએ 24 જુલાઈએ હાઈલેન્ડ્સના બેઈન હિઘથી માઉન્ટેન ટુર શરૂ કરી હતી અને 14 સપ્ટેમ્બરે સ્નોડોનિઆમાં કેડર ઈદરિસ શિખર સર કરીને સાહસ પૂર્ણ કર્યું હતું. અન્ના કહે છે, ‘અમારી સૌથી મુશ્કેલ ઘડી બેન નેવિસ ખાતે ખરાબ હવામાનની હતી જ્યારે કશું જોઈ શકાતું ન હતું અને અમે દોરડા વિના પર્વત ચડી રહ્યા હતાં. અમે માર્ગ ભૂલી ગયાં હતાં અને અમારી પાસે સલામતીના કોઈ સાધન પણ ન હતાં. અમે પરિસ્થિતિમાંથી બહાર તો આવી ગયાં પરંતુ, હવે શું કરવું તેનો વિચાર કરવા પર્વતની સાંકડી છાજલી પર 30થી 40 મિનિટ બેસી રહ્યાં હતાં.’
તે કહે છે, ‘આ લાંબી, ભયજનક ને ડરામણી યાત્રા હતી પરંતુ, તેનાથી મને યુકેના કદી નિહાળ્યા ન હોય તેવા વિસ્તારોનો પ્રવાસ કરવા મળ્યો. આ પ્રકારના પડકારો યાદ અપાવે છે કે આપણા નાનકડા ટાપુ પર જ કેટલા બધા સાહસિક પડકારો છે કે તમારે દરિયાપાર જવું જ ન પડે.’ પર્વતારોહકો માટે રેફરન્સ ગાઈડબૂક ‘માઉન્ટેન રોક’માં દર્શાવેલા તમામ 100 રૂટ્સ માનવીએ એકસાથે સાંકળી લીધાનું આ પ્રથમ સાહસ છે. જોકે અન્ના માટે આવું સાહસ નવું નથી. તેણે કેન વિલ્સનની બૂક ‘ક્લાસિક રોક’માં દર્શાવાયેલા તમામ 83 રૂટ્સ ગયા વર્ષે જ સર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter