ITLOSના સભ્ય પદે નીરુ ચઢ્ઢા

Tuesday 27th June 2017 10:25 EDT
 

ન્યૂ યોર્કઃ યુનાઇટેડ નેશન્સ (યુએન) હસ્તકની ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)ના સભ્યપદે કાયદાવિદ્ નીરુ ચઢ્ઢાની વરણી થઇ છે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે તો ભારત માટે પણ આ એક મહત્ત્વની સિદ્ધિ છે. યુએનની આ જ્યુડિશિયલ બોડી માટે યોજાયેલી રસપ્રદ ચૂંટણીમાં નીરુ ચઢ્ઢાએ જ્વલંત વિજય મેળવ્યો હતો. ITLOS એ સમુદ્રમાં અને તેને લગતા વિવાદનો ઉકેલ લાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. નીરુ ચઢ્ઢા હવે તેમાં જજ તરીકે કાર્યભાર સંભાળશે.
ઉલ્લેખનીય છે કે નીરુ ચઢ્ઢા ભારતીય વિદેશ મંત્રાલયમાં પણ ચીફ લીગલ એડવાઈઝર બનનારા સૌપ્રથમ મહિલા હતા. તેમણે ગયા સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. તેઓ ૨૦૧૭થી ૨૦૨૬ સુધી એટલે કે નવ વર્ષની ટર્મ માટે ચૂંટાયા છે. તેમને કુલ ૧૨૦ મત મળ્યા હતા, જે એશિયા પેસિફિક ગ્રૂપમાં સૌથી વધારે છે. મતદાનના પ્રથમ રાઉન્ડમાં જ તેઓ વિજયી બન્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી ઈન્ડોનેશિયાના ઉમેદવારને ૫૮ મત મળ્યા હતા, જ્યારે લેબેનોનના ઉમેદવારને ૬૦ તથા થાઈલેન્ડના ઉમેદવારને ૮૬ મત મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter