અનારકલી વિથ સિલ્ક જેકેટ

Wednesday 15th April 2026 05:58 EDT
 
 

ભારતીય મહિલાઓના ફેશન વોર્ડરોબમાં અનારકલી સૂટ દાયકાઓથી આગવું સ્થાન ધરાવે છે. તેની ઘેરદાર ડિઝાઈન અને વ્યક્તિત્વને નિખારવાની ક્ષમતાને કારણે અનારકલી સૂટ દરેક ઉંમરની મહિલાઓની પહેલી પસંદ બની છે. જોકે આ જ ક્લાસિક અનારકલી સાથે સિલ્ક જેકેટ ઉમેરવામાં આવે છે, ત્યારે તે એક પાવર ડ્રેસિંગ અને રોયલ સ્ટેટમેન્ટ બની જાય છે.

ફેબ્રિક અને ટેક્સચરનું કોમ્બિનેશન
સિલ્ક એક એવું કાપડ છે, જે કુદરતી ચમક ધરાવે છે. જ્યારે તમે કોટન, જ્યોર્જટ કે સિફોનના અનારકલી સૂટ પર ચંદેરી, બનારસી અથવા રો સિલ્કનું જેકેટ પહેરો છો, ત્યારે તે આખા આઉટફિટનું વજન વધારી દે છે. યુનિક દેખાવા માટે બ્રોકેડ સિલ્કનાં જેકેટ ઉત્તમ છે, જેમાં વણાયેલી ડિઝાઈન પહેરનારને રજવાડી લુક આપે છે.
• ફ્રન્ટ કટ લોન્ગ જેકેટઃ આ જેકેટ અનારકલીની લંબાઈ જેટલું જ હોય છે, પણ આગળથી ખુલ્લું હોય છે. તે ચાલતી વખતે અનારકલીનો ઘેર બતાવે છે. જેમની હાઇટ ઓછી છે તેમને લાંબા દેખાડવામાં મદદ કરે છે.
• વેસ્ટકોટ સ્ટાઈલઃ વેસ્ટકોટ સ્ટાઈલ એટલે ટૂંકી કોટી. જો તમે ફંક્શનમાં જઈ રહ્યા હોવ, તો કમર સુધીની એમ્બ્રોઈડરીવાળું સિલ્ક જેકેટ બેસ્ટ રહેશે.
• ક્રોપ સ્ટાઇલ જેકેટ: આધુનિક દેખાવા માટે ખભાથી લટકતું ક્રોપ જેકેટ સિલ્ક મટીરિયલમાં તૈયાર કરાવી શકાય, જે ગ્લેમરસ લુક આપે છે.

કલર કોમ્બિનેશનની કળા
દરેક સ્ત્રી તેની ફેશન સ્ટાઇલમાં મોર્ડન લૂક ઉમેરવા માટે તત્પર હોય છે. જોકે આવો આધુનિક લૂક મેળવવા માટે રંગોની સમજ હોવી જરૂરી છે. સૂટ કે ડ્રેસ કે તેનું મટિરિયલ કોઇ પણ પ્રકારનું હોય, તમે કલર કોમ્બિનેશનની આ પાયાની બાબતો ધ્યાનમાં રાખશો તો તમારું વ્યક્તિત્વ નિખરી ઉઠશે.
• મોનોક્રોમેટિક લુક: એક જ રંગના અલગ-અલગ શેડ્સ વાપરો. જેમ કે, ઘેરા લાલ અનારકલી પર મરૂન સિલ્ક જેકેટ. આ લુક તમને ક્લાસી બતાવશે.
• રોયલ કોન્ટ્રાસ્ટ: પ્લેન બ્લેક અનારકલી સાથે ગોલ્ડન સિલ્ક જેકેટ અથવા બોટલ ગ્રીન સાથે મસ્ટર્ડ યલો જેકેટ ક્યારેય ફેશન બહાર જતા નથી.

લેયરિંગ અને ફિટિંગ
અનારકલી જેકેટમાં સૌથી મહત્ત્વની બાબત તેનું ફિટિંગ છે. જેકેટ ખભા અને છાતીના ભાગેથી બરાબર ફિટ હોવું જોઈએ જેથી અનારકલીનો ઘેર નીચેથી સરસ રીતે ફેલાઈ શકે. જો જેકેટમાં દોરી અથવા સુંદર લટકણ હોય, તો તે લુકમાં વધુ નિખાર લાવશે.
અને છેલ્લે... એક્સેસરીઝ સાથે તમારા લુકને કમ્પલીટ કરો. કોઇ પણ સ્ત્રીના નિખારમાં જવેલરી બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે તે સાચું પરંતુ, અનારકલી સૂટ સાથે સિલ્ક જેકેટ પહેરતી વખતે ભારે નેકલેસ પહેરવાનું ટાળવું જોઈએ. આ કરવાનું કારણમાત્ર એટલું છે કે જેકેટનું ગળું પહેલેથી જ હાઈલાઈટ થતું હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter