અનુષ્કા જેવી પાતળી કમર કઇ રીતે મેળવશો?

Wednesday 25th November 2015 06:25 EST
 
 

કોઇને અનુષ્કા શર્માની કમરના લટકાઝટકા ગમે છે તો કોઇને પ્રિયંકા ચોપડાની કમર ગમે છે. કેટલાકને વળી કેટરિના કૈફની અને કેટલાકને દીપિકા પાદુકોણની કમરનું ઘેલું છે. જોકે આ બધામાં નવાઈની વાત એ છે કે કમરને ધારી-ધારીને જોનારા લોકોનો અભ્યાસ કરવામાં જાણવા મળશે કે આવી નાજુક-નમણી કમરને નિહાળનારાઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હોય છે. આનું કારણ એટલું જ છે કે આજની મહિલાઓ પણ આ ફિલ્મ અભિનેત્રીઓ જેવું જ ફિગર બનાવવાની ચાહના રાખે છે અને એ મેળવવા માટે કમર કસીને મહેનત પણ કરે છે.

શરીર પર ક્યાંય ચરબીનો થર ન દેખાય અને કમર એકદમ પાતળી હોય તો કોને ન ગમે? મોટા ભાગના લોકો વિચારતા હોય છે કે હિરો-હિરોઇનોનું તો કામ જ છે કે તેમના શરીરની જાળવણી કરે, પણ આપણી પાસે થોડો એટલોબધો સમય છે કે જિમમાં જઈને કસરત કરીએ અને અંગત ટ્રેઇનર બોલાવીએ?! વાત તો સાચી જ છે કે સામાન્ય મહિલાઓને તો તેમનો આખો દિવસ ક્યાં પસાર થઈ જતો હોય છે તેની ખબર જ પડતી નથી. પૂરતું ધ્યાન ન રહે તો વજન વધી જતાં પણ વાર લાગે નહીં. જોકે આ જ બહેનોને જ્યારે આકર્ષક કપડાં પહેરવાનાં હોય - અને એમાં પણ ખાસ તો એવાં કપડાં કે જેમાં તેમની કમર અને શરીર દેખાવાનું હોય ત્યારે તેમને સુડોળ કાયાની ખોટ સૌથી વધારે ત્યારે વર્તાય છે. જેમ કે, જીન્સ અને ટોપ અથવા સાડીમાં કમર સૌથી વધારે દેખાતી હોય છે અને ત્યારે જો પેટનો ભાગ દેખાય તો તમારી સુંદરતામાં ડાઘ લાગી જાય છે. તો કેવી રીતે મેળવશો પાતળી કમર?

પાતળી કાયા અને કમર મેળવવા એરોબિક્સ, ડાન્સ ક્લાસ, ક્રેશ ડાયટ જેવા રસ્તાઓ અપનાવો છો; પરંતુ શું તમે જાણો છો કે વજન ઉતારવાનો કે પાતળા થવાનો મોટો આધાર ખોરાક પર રહેલો છે. કમરને ડ્રીમ શેપ આપવા માટે ૮૦ ટકા ખોરાક અને માત્ર ૨૦ ટકા કસરત પર આધાર રહેલો છે. તમે પાતળી કમર અને સુડોળ શરીર રસોડામાં જ મેળવી શકો છો. જોકે આ માટે રસોડામાં કસરત નથી કરવાની. બસ, તમારે રસોડામાં રહેતી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. છરી, ચમચી અને નાની પ્લેટ લો. એમાં અમુક ફળોને સ્થાન આપો જેનાથી તમારી કમર પાતળી થવામાં મદદ મળશે. કમરને પાતળી કરવામાં ફળો બહુ મદદરૂપ સાબિત થાય છે. કયાંક ફળો? તો અહીં પ્રસ્તુત છે તમારા સવાલનો જવાબ.

પાઇનેપલ. પાઇનેપલનો સ્વાદ એકદમ અલગ હોય છે. એને બરાબર સમારવામાં ન આવે અને વધુ ખાવામાં આવે તો તમારી જીભને તકલીફ પડી જાય છે. ગરમીના દિવસોમાં આ ફળ તમારી કમરને પાતળી કરવામાં બહુ યોગ્ય રહેશે. બળબળતા બપોરમાં ઠંડી-ઠંડી પાઇનેપલની સ્લાઇસ તમને બહુ આરામ પહોંચાડશે. તમે પાઇનેપલ જૂસ સાથે મોકટેલ પણ લઈ શકો છો.

પેરુમાં ઊંચી માત્રામાં વિટામિન સી હોય છે. એ વજનને ઘટાડવામાં મદદરૂપ બને છે અને તમારી કમરને પહેલાં કરતાં પાતળી બનાવે છે. વિદેશમાં રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં બધી જ ઋતુમાં દેશી-વિદેશી ફળો ઉપલબ્ધ હોય છે.

સફરજન તો દરેક ઋતુમાં ખાવું જોઈએ. દરરોજ સવારે એક સફરજન તમારા સ્વાસ્થ્યને કેટલું ફાયદાકારક નીવડે છે એ તો અખતરો કરીને પારખો. નિયમિત સફરજન ખાવાથી તમારી કેલરી ઘણી ઓછી થાય છે અને વજન પણ. એ સિવાય સફરજન ફાઇબરનો બહુ જ સારો સ્રોત છે એથી કબજિયાત જેવી સમસ્યા નિવારવામાં પણ એ મદદરૂપ બને છે.

કમરના સંકોચનમાં કેળું પણ ખૂબ જ અસરકારક રહેશે. કેળું ફાઇબર અને પોટેશ્યમનો સારો સ્રોત છે એથી વજન ઘટાડવામાં ફાયદાકારક છે. વધુમાં કેળામાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી હોય છે, જે રોગપ્રતિકારક તંત્રને સુધારે છે અને હૃદયરોગનું જોખમ ઘટાડે છે. કમરને પાતળી કરવા માટે કેળું ખાઈએ તો એની સાથે અન્ય ઘણા લાભ થઈ શકે છે.

બ્લુ બેરીઝ અથવા રેડ બેરીઝને જોતાં જ આંખોને ઠંડક વળી જાય છે. આ ફળનો રંગ આંખોને અને સ્વાદ જીભને આનંદ આપે છે. એ એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. બ્લુબેરીઝ મેટાબોલિઝમની તકલીફ સામે લડત આપે છે. વધુમાં આ ફળ માત્ર સ્થૂળતા સામે જ નહીં; હાઇપરટેન્શન, કોલેસ્ટરોલ અને ડાયાબીટીસ જેવી સમસ્યાઓ સામે લડવામાં પણ મદદરૂપ છે.

ચેરીઝ અને બેરીઝ - બન્ને સ્વાસ્થ્ય માટે બહુ જ સારાં છે. બેરીઝના ફાયદા તો તમે જાણી ચૂક્યા છો, હવે ચેરીઝના ફાયદા જાણો. લાલ રંગની ચેરી તમારી સેક્સી કમરલાઇનને જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. એક બાઉલ ફ્રૂટ-સેલડ જરૂરથી ખાવું જેથી તમારા રોજિંદા આહારમાં પોષક તત્વોનું પ્રમાણ વધે.

સૌથી વધુ પાણીદાર ફળ એટલે તરબૂચ. ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે ઘેરા રંગનાં ફળો બહુ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. ચટાકેદાર લાલ રંગના તરબૂચથી વધારે ઘેરું કયું ફળ હોઈ શકે? તરબૂચમાં રહેલું પાણી શરીરમાં અન્ય ખોરાકને લીધે પ્રવેશેલા બધાં જ ઝેરી તત્વોને નિચોવી લે છે. વધુમાં એ વળી ફેટ-ફ્રી હોય છે અને પાતળી કમર કરવામાં અકસીર બની રહે છે.

લાલ તરબૂચ પછી એના જેવા જ ઘેરા રંગનું છે સ્ટ્રોબેરી. કમરને કામણગારી બનાવવામાં સ્ટ્રોબેરી સૌથી વધુ મદદરૂપ થઈ શકે છે કારણ કે સ્ટ્રોબેરી એડિપોનેક્ટિન અને લેપ્ટિનનો સ્રાવ વધારે છે. આ હોર્મોન ચરબીને ઓછી કરવામાં મદદરૂપ બને છે.

ડાયટ-ચાર્ટને વળગી રહેવાનું બહુ મુશ્કેલ હોય છે, પરંતુ નાળિયેર પાણી તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે. તમે નાળિયેર પાણી પી શકો છો. એમાં ટ્રાયગ્લિસરાઇડ હોય છે જે મેટાબોલિઝમને વેગ આપે છે અને સેક્સી કમર બનાવવામાં મદદ કરે છે.

એક કહેવત છે કે રોજ ખાઓ અનાર, કભી ન પડો બીમાર, પરંતુ મહિલાઓ દાડમ પર બહુ જ ઓછું ધ્યાન આપે છે. જ્યારે દાડમ ખરાબ કોલેસ્ટરોલના પ્રમાણને ઘટાડવામાં બહુ જ ફાયદાકારક હોય છે. એ શરીરમાંથી ઝેરી તત્વોનો નિકાલ કરી મેટાબોલિઝમની ક્રિયાને સુધારે છે. ધમનીમાં લિપિડનું સ્તર બનાવે છે જેથી તમને ખાવાની ક્રેવિંગ ઓછી થઈ જાય છે એટલા માટે વજન ઓછું કરવું બહુ જ આસાન બની જાય છે.

જ્યારે ડાયટ પર હો ત્યારે તળેલા અને ચરબીયુક્ત આહારને તમે અવગણો છો એ બધું બરાબર છે, પરંતુ એ સમયે ફળો અને શાકભાજી તમારી શારીરિક ઘડિયાળને સારી રીતે ટકાવી રાખે છે. આ ફળોને લીધે જ્યારે આકર્ષક અને સુડોળ કાયા મળે ત્યારે એને ધન્યવાદ કહેજો અને બીજાને પણ ખાવાની સલાહ આપજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter