મહિલાઓના પોશાકમાં દુપટ્ટાનું સ્થાન અનેરું છે કેમ કે દુપટ્ટો સમગ્ર પોશાકને એક નવો ઓપ આપે છે, સ્ટાઈલ આપે છે. એટલું જ નહીં, દુપટ્ટો તો તેને ધારણ કરનારી મહિલાના સૌંદર્યને પણ અનેરી ભાત આપે છે, વધુ દિલચસ્પ બનાવે છે. સાદા શબ્દોમાં કહીએ તો, દુપટ્ટા વડે તમારા વ્યક્તિત્વને - તમારા ડ્રેસને એક સરસ લુક આપી શકાય. આ માટે જરૂરી છે દુપટ્ટા ડ્રેપિંગની બહેતરીન સ્ટાઈલ અપનાવવાની.
દુપટ્ટા ખાસ કરીને લુક ફિક્સરનું કામ કરે છે. ડ્રેસ ભલે બહુ મામુલી હોય, પણ આ દુપટ્ટા તમારા લુકને પરફેક્ટ બનાવી જ દે છે. પછી મહેફિલમાં બધાની નજર તમારા પર જ હોય છે. જ્યારે આ દુપટ્ટાને બિલકુલ અનોખી રીતે પહેરવામાં આવે છે ત્યારે ખાસ આવું બને છે. કોઈકવાર તેને માત્ર ખભા પર નાખવાને બદલે અનોખી સ્ટાઈલમાં ડ્રેપ કરીને જુઓ. તમે આ એક કપડાંનું મહત્ત્વ સમજી જશો તો અમારી વાતને પણ સાચી માની જ લેશો. તો ચાલો, જોઇએ દુપટ્ટા ડ્રેપિંગની કેટલીક અનોખી અને નવી સ્ટાઈલ.
દુપટ્ટા સાથે બેલ્ટ
બેલ્ટનો ઉપયોગ ટ્રેડિશનલ વસ્ત્રો સાથે ખૂબ સારા એવા પ્રમાણમાં થઈ રહ્યો છે. વાસ્તવમાં પહેલા આવું સાડી સાથે જ થતું હતું, પણ હવે દુપટ્ટા પણ આમાં સામેલ થઈ ગયા છે. દુપટ્ટા પહેરવાની સ્ટાઈલ તમારા લુકને કલાકો સુધી મેઈન્ટેન રાખે છે. આ સ્ટાઈલ માટે દુપટ્ટાની પ્લીટ્સ બનાવીને એક ખભા પર રાખો. એક છેડો પાછળ અને એક છેડો આગળ હશે. હવે આગળ તરફના દુપટ્ટાને કવર કરતો બેલ્ટ લગાવી દો.
ટ્રાઇંગલર પ્લીટ્સ વાળો દુપટ્ટો
આ સ્ટાઈલ તમને સરળ અને બેલેન્સ લાગશે. આમાં દુપટ્ટો ખભાથી થઈને સ્કર્ટમાં પાછળ બાજુ પીન કરવામાં આવે છે. આ સાથે પાછળ જતી દુપટ્ટાના હિસ્સામાં ટ્રાઇંગલર પ્લીટ્સ આપવામાં આવે છે, જેની સાથે દુપટ્ટામાં એક અનોખી ડિઝાઈન બની જાય છે. આમાં બેલ્ટનો ઉપયોગ કરવો પણ લુકમાં ચાર ચાંદ લગાવી દે છે.
શાલ સ્ટાઈલ દુપટ્ટો
દુપટ્ટા પહેરવાની આ સ્ટાઈલમાં તેને ખભા પર શાલની જેમ નાંખવામાં આવે છે. તેને પહેરવાની સ્ટાઈલ સાવ સરળ છે. તેમાં દુપટ્ટાને એક ખભા પર રાખીને પછી બીજા છેડેને સામેથી લાવીને તે જ ખભા પર રાખવામાં આવે છે. આમાં મેસી લુક આવે છે, પણ આ લુક સ્ટાઈલ પણ સાથે લાવે છે અને તમે પારંપારિક અંદાજથી તદ્ન સાવ ભિન્ન ભાસે છે.
કેપ જેવો દુપટ્ટો
આ સ્ટાઈલમાં દુપટ્ટાને કેપની જેમ ઓઢવામાં આવે છે જેમાં તમારે પાછળ બાજુથી દુપટ્ટાને તમારે બંને ખભા પર નાંખવાનો હોય છે. તમે તેને પીનઅપ કરી લેશો તો સ્ટાઈલ બીજી વાર બગડશે નહીં. આ સ્ટાઈલ તદ્ન અલગ લાગે છે અને તેની સાથે બ્લાઉઝનો પૂરો લુક સામે આવી જાય છે. જો તમારા બ્લાઉઝ પર કોઈક ડિઝાઈન, પેઈન્ટિંગ કે પેટર્ન હોય તો તમારે એ સ્ટાઈલથી જ દુપટ્ટો ઓઢવો જોઈએ.
હાથ-ખભાને સજાવતો દુપટ્ટો
આ સ્ટાઈલમાં દુપટ્ટો ડાબા ખભે અને જમણા હાથની વચ્ચે હોય છે દુપટ્ટો અને ખૂબ જ સ્ટાઈલિસ્ટ લાગે છે. તેને ગોઠવવો પણ મુશ્કેલ નથી અને સંભાળવો પણ સરળ છે. આ એવી સેફ સાઈડ પેટર્ન છે. જે ખાસ કરીને બધા પર સારી લાગે છે.
બે દુપટ્ટાવાળી આસાન સ્ટાઈલ
દુપટ્ટા ઓઢવાની આ સ્ટાઈલ સરળ પણ છે અને દેખાવમાં પણ તે ખૂબ સુંદર લાગે છે. જો તમારી પાસે લગ્નના સમયનો બે દુપટ્ટાવાળા લહેંઘા હોય તો પછી સ્ટાઈલ કરીને તમે આજ લહેંગા બીજા કોઈ પ્રસંગે જરૂર પહેરી શકો છો. આ માટે એક દુપટ્ટાને પ્લીટ બનાવીને એક ખભા પર નાખી દો. જો તેને જમણાં ખભા પર નાંખશો તો એ ખૂબ જ સરસ લાગશે.
માથેથી શરૂ થતી સ્ટાઈલ
હા, આ દુપટ્ટા સ્ટાઈલ માથેથી શરૂ થાય છે અને પછી તેને બન્ને ખભા પર સજાવવામાં આવે છે. આ પછી તેને હાથોમાં વિંટાળીને બહારની તરફ લેવામાં આવે છે. આમાં દુપટ્ટા પર કરાયેલું સંપૂર્ણ કામ નજરે પડે છે. તેના કલર, સ્ટાઈલ અને પેચવર્ક વગેરે બધું ખૂબ જ સારી રીતે નજરે પડે છે અને પરિણીત યુવતીઓ માટે આ સ્ટાઈલ બેસ્ટ ગણાય છે.
જૂની પેટર્ન, નવી સ્ટાઈલ
દુપટ્ટાની આ સ્ટાઈલમાં જૂની અને નવી સ્ટાઈલનું કોમ્બિનેશન છે એમ કહી શકો છો. વાસ્તવમાં પહેલા દુપટ્ટાના એક છેડાને હાથ પર તો બાંધવાનો છે પણ પૂરેપૂરો નહીં. બીજા છેડાને બીજા ખભા પર પ્લીટ બનાવીને નાખવાનો છે અને એ પહેલાં છેડાને હાથની કલાઈ સાથે બાંધવાનો છે. આ દુપટ્ટા સ્ટાઈલ પોતાની જગ્યાથી ખસતી જ નથી. આથી તમે પાર્ટીમાં ડાન્સ પણ આસાનીથી કરી શકો છો.