અફઘાનિસ્તાનમાં કટ્ટરવાદી તાલિબાન સરકારે મહિલાઓનાં પૂતળાંઓના પણ મોં ઢાંક્યા

Friday 03rd February 2023 04:46 EST
 
 

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓ પર અનેક પ્રતિબંધ ફરમાવ્યા છે. મહિલાઓને એકલાં બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો છે તો યુવતીઓ કોલેજોમાં પણ જઈ શકતી નથી. મહિલાઓને બહાર નીકળવું હોય તો પગથી માથા સુધી શરીર ઢાંકીને જ નીકળવાનું ફરમાન થયું છે. તાલિબાનની સરકાર આટલેથી અટકી નથી, હવે તેણે મહિલાઓના પૂતળાઓનાં મોં ઢાંકવાનું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં કપડાંના શો-રૂમ બહાર રાખેલા મહિલાઓના પૂતળાંના મોં ઢાંકી દેવાયા છે, એની તસવીરો વાયરલ થઈ છે.
અહેવાલોમાં દાવો થયો છે કે તાલિબાનની સરકાર તો ઈચ્છતી હતી કે કપડાં - જ્વેલરીના શોરૂમ કે શોપની બહાર રાખેલા મહિલાઓના પૂતળાઓનાં માથા જ ધડથી અલગ કરી દેવામાં આવે. પોશાકનો જે દેખાવ બતાવવો હોય એ માત્ર ધડ પર દેખાડવામાં આવે. આખરે હાલ પૂરતા બધા જ પૂતળાઓના ચહેરા ઢાંકી દેવાનો આદેશ શો-રૂમના માલિકોને કરાયો છે. કાબુલના શો-રૂમ બહાર રાખેલા મહિલાઓની પૂતળાની તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલાક પૂતળાંના મોં એલ્યુમિનિયમ પેપરથી ઢાંકી દેવાયા છે. ઘણાં પૂતળાના ફેસના ભાગે પોલિથિન લગાવી દેવાયું છે, તો કેટલાક પૂતળાંના મોં પર કપડાં પહેરાવ્યા હોય એને મેચિંગ કલરનું કપડું ઢાંકી દેવાયું છે.
એટલું જ નહીં, પૂતળાંના ચહેરા ઢાંકેલા છે કે નહીં તેની તપાસ પણ નિયમિત થાય છે. કાબુલની પોલીસ અચાનક શો રૂમમાં આવીને પૂતળાના મોં ઢાંક્યા છે કે નહીં તે તપાસે છે. અગાઉ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારે એવી જાહેરાત કરી હતી કે ઈસ્લામમાં ઈન્સાનના પૂતળાં બનાવવા એ ધાર્મિક કાયદાનું ઉલ્લંઘન છે. પરિણામે આવા બધા જ પૂતળાં હટાવી દેવા જોઈએ. થોડાંક સમય પહેલાં પૂતળાંના માથા ધડથી અલગ કરાતા હોય એવો એક વીડિયો પણ વાયરલ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter