અમેરિકાઃ ૭૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને મૃત્યુદંડ

Monday 25th January 2021 06:45 EST
 
 

અમેરિકાના કેસાસમાં રહેતી એક ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને હત્યા કરવાના અને તેના ગર્ભને કાપી ભ્રૂણ કાઢવાના કેસમાં ગુનેગાર ઠરેલી મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં હતી અને તાજેતરમાં તેને ઝેરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. અમેરિકામાં છેલ્લા સાત દાયકામાં એટલે કે આશરે ૭૦ વર્ષના લાંબા ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે જેમાં કોઈ મહિલાને મૃત્યુદંડ થયો હોય.

ઈન્ડિયાના પ્રાંતના ટેરેહોટેની એક જેલમાં ઝેરનું ઈન્જેક્શન આપ્યા બાદ મધ્યરાત્રીએ લગભગ દોઢ વાગ્યે ગુનેગાર મહિલા કેદી લીસા મોંટગોમરી (ઉં. ૫૨)ને મૃત જાહેર કરાઈ હતી. આ કેસ ચાલ્યો ત્યારે એક ન્યાયિક ખંડપીઠે સર્વાનુમતે મોંટગોમરીને મૃત્યુદંડ આપવા ભલામણ કરી હતી. જેને મિસૌરીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે લાગુ કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ મૃત્યુદંડને મંજૂરી આપી હતી.

આ અગાઉ અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે ૧૨મી જાન્યુઆરીએ સાંજે આશરે છ વાગે ઈન્ડિયાનાના ટેરે હાઉતેમાં મોંટગોમરીના મૃત્યુદંડને અમલી બનાવવાનો હતો, પણ અમેરિકાની ૮મી સર્કલ કોર્ટે તેની ઉપર સ્ટે ઓર્ડર આપ્યો હતો. જોકે બાદમાં બીજા દિવસે મૃત્યુદંડની સજા પર અમલ કરાયો હતો. આ અગાઉ મોંટગોમરીની સજાને અટકાવવા માટે તેના વકીલોએ અને સંઘીય કોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી.

૨૦૦૪ની ઘટના

૧૬મી ડિસેમ્બર, ૨૦૦૪ના દિવસે એક પાલતુ કૂતરો ખરીદવાના બહાને મોંટોગોમરી ૨૩ વર્ષીય બોબી સ્ટીનેટના મિસૌરી સ્થિત ઘરે પહોંચી હતી. લીસાએ ગર્ભવતી મહિલાની હત્યા કરી હતી તથા તેનું પેટ ચાકુથી કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. તેણે ૮ મહિનાનો ગર્ભ ધરાવતી સ્ટીનેટનું એક દોરડાથી ગળું દબાવી દીધું હતું. બાદમાં બાળકને લઈ ભાગી છૂટી હતી. મોંટગોમરી આ બાળક પોતાનું હોવાનો સતત દાવો કરતી રહી હતી. આ ઘટનામાં તેને કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવી હતી.

૧૫ વર્ષે ન્યાય

આ ઘટના બાદ મોંટોગોમરીની ધરપકડ કરી લેવાઈ હતી. કોર્ટમાં તેણે પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી અને બાદમાં વર્ષ ૨૦૦૮માં તેને અપહરણ તથા હત્યાના કેસમાં દોષિત ઠરાવવામાં આવી હતી. મૃત્યુદંડની સજા બાદ તેને અનેક સંઘીય અદાલતોમાં પડકારવામાં આવી હતી, પણ તમામ અદાલતોએ મૃત્યુદંડની સજાને યથાવત રાખી હતી.

અમેરિકાના કેસાસમાં રહેતી એક ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને હત્યા કરવાના અને તેના ગર્ભને કાપી ભ્રૂણ કાઢવાના કેસમાં ગુનેગાર ઠરેલી મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં હતી અને તાજેતરમાં તેને ઝેરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. અમેરિકામાં છેલ્લા સાત દાયકામાં એટલે કે આશરે ૭૦ વર્ષના લાંબા ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે કે જેમાં કોઈ મહિલાને મૃત્યુદંડ થયો હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter