આ તે કેવી હરખઘેલી! મેરેજ પ્રપોઝલથી ઉત્સાહિત યુવતી ૬૫૦ ફૂટ ઊંચેથી ખીણમાં ખાબકી

Thursday 07th January 2021 04:52 EST
 

વિયેનાઃ ઓસ્ટ્રીયાની ફાલકર્ટ પહાડીઓમાં નવા વર્ષના સપરમા દિવસોમાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી. ફાલકર્ટની પહાડીઓમાં ટ્રેકિંગ એક મિત્ર-યુગલ ટ્રેકિંગ માટે ગયું હતું. કુદરતનો સુંદર નજારો નિહાળીને રોમાંચિત થઇ ગયેલા બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને મેરેજ માટે પ્રપોઝ કર્યું. મનના માણિગરની આ દરખાસ્તથી યુવતી એટલી ઉત્સાહિત થઈ ગઈ કે તેનો પગ લપસ્યો અને તે ખીણમાં ઊંડે જઇ ખાબકી. આવી દુર્ઘટનામાં જવલ્લે જ કોઇ સાજુસારું બચે, પણ પ્રેમની તાકાત કહો કે ચમત્કાર યુવતી બચી ગઇ છે.
ફાલકર્ટની ૬૫૦ ફૂટ ઊંચી પહાડીઓ પર સુંદર માહોલમાં ૨૭ વર્ષના બોયફ્રેન્ડે ૩૨ વર્ષની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. જવાબમાં તુરંત જ ગર્લફ્રેન્ડે ‘હા’ કહ્યું અને તે ખુશીથી ઉછળી પડી હતી. જોકે યુવતી એ ભૂલી ગઇ કે તે પહાડીની બરાબર ટોચ પર ઊભી હતી અને નીચે ઊંડી ખીણ હતી. ઉત્સાહના અતિરેકમાં ઉછળેલી ગર્લફ્રેન્ડનો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં ખાબકી.
ખીણમાં ખાબકતી વખતે ખૂબ જ લાગણીસભર અને ફિલ્મી દૃશ્ય સર્જાયું. બોયફ્રેન્ડે તેને ખીણની ધારે જ પકડી લીધી હતી, પણ લાંબો સમય એ સ્થિતિમાં રહી શકાય તેવું ન હતું. પળ - બે પળમાં ઘટના બની ગઈ, નીચે પડતાં પડતાંય ગર્લફ્રેન્ડે આંખમાં આંસુ સાથે, પણ લાગણીસભર અવાજમાં બોયફ્રેન્ડને કહ્યુંઃ હા, હું તારી સાથે જ લગ્ન કરીશ. આટલું બોલતાં બોલતાં જ એ ઊંડી ખીણમાં જઇ પડી.
જોકે પ્રેમની શક્તિએ એને જીવતી રાખી. તાજેતાજી બરફવર્ષા થઈ હોવાથી ચારેબાજુ બરફ જામ્યો હતો. એ બરફ પર પડવાથી યુવતીનો જીવ બચી ગયો. એને હાથ-પગ-કમરમાં ઈજા થઈ, પરંતુ એ જીવી ગઈ.
તેની પાછળ પાછળ ખીણમાં પહોંચેલો તેનો બોયફ્રેન્ડ પણ ઈજાગ્રસ્ત થયો હતો. એ યુવતીને બચાવવા માટે હાંફળો-ફાંફળો થઈને દોડયો તો તે પણ ૫૦ ફૂટની ઊંચાઈએથી પડયો હતો. જોકે તેનો પણ ચમત્કારિક બચાવ થયો.
થોડીક પળોમાં બની ગયેલી આ ઘટના દૂરથી બીજા પ્રવાસીઓએ જોઇ હશે તે એમાંથી કોઈએ ઈમરજન્સી સર્વિસમાં મદદ માટે કોલ કર્યો. અંતે હેલિકોપ્ટરની મદદથી બંનેને ઊંડી ખીણમાંથી સલામત રીત ઉપર લાવવામાં આવ્યાં. રેસ્ક્યુ ટીમના અધિકારીએ કહ્યું કે યુવક-યુવતી ખરેખર ખૂબ જ નસીબદાર કહેવાય.
આટલી ઊંચાઇએથી પડયા પછી પણ બચાવ થયો એ જ મોટો ચમત્કાર છે. બંનેને સત્વરે સારવાર મળી ગઇ હોવાથી હવે તેમનું જીવન બહાર હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter