આ નાનકડી છોકરી હું જ છુંઃ શિલ્પા પંચમતિયા

Wednesday 27th October 2021 03:21 EDT
 
 

એક્ઝિક્યુટિવ અને બિઝનેસ કોચ શિલ્પા પંચમતિયાએ તાજેતરમાં લિન્ક્ડઈન પર આફ્રિકામાં ઉછરેલી, અસ્ખલિત અંગ્રેજી નહિ જાણતી છતાં, આગળ વધેલી, લગ્નમાં શોષણનો શિકાર પરંતુ, વિજેતા તરીકે ઉભરેલી એક છોકરીની સુંદર, ભાવવાહી કથા ‘This little girl is me’ વર્ણવી હતી. આ કથાના કેટલાંક અંશો અહીં સામેલ કર્યા છેઃ
‘તેનો ઉછેર આફ્રિકાના કાંઠા નજીકના ટાઉનમાં થયો હતો. આદર્શ બાળપણમાં અંગત આયા હતી, બગીચામાં ખેલતાં ઘેટાં હતાં અને નાની બાળાને જોઈએ તેટલું વહાલ હતું. અચાનક તેનો પરિવાર ખિસ્સામાં માત્ર ૫૦ પાઉન્ડ સાથે ઈંગ્લેન્ડના લંડનમાં આવી પહોંચ્યો. તે ભયની રાત તેને આજે પણ થોડી ઘણી યાદ છે. માતાપિતા દિવસરાત કામ કરી કરકસરથી નાણા બચાવતાં. બાળાને પોતાની પાંખ પર ઉડવાનું હતું અને સમસ્યાઓ ખુદ જ હલ કરવાની હતી. તેણે અસુરક્ષા અને આત્મવિશ્વાસના અભાવ સાથે શાળામાં સંઘર્ષ કર્યો હતો.’
કોમ્યુનિકેશન સફળતાની ચાવી છે પરંતુ, તમે અસ્ખલિત ઈંગ્લિશ જાણતાં ન હોતો મુશ્કેલી પડી શકે છે. ઈમિગ્રન્ટના વર્ક કલ્ચરે તે જે કરતી તેમાં હંમેશાં ૧૧૦ ટકા આપતી હતી. તે શાળામાં સખત મહેનત કરતી અને દરરોજ સાંજે અને વીકેન્ડમાં ફેમિલી બિઝનેસમાં પણ મદદ કરતી. પોકેટ મનીનો ખર્ચ જાણકારી હાંસલ કરવા FT ખરીદવા માટે કરતી. તેને લાગ્યું કે તેની કારકિર્દીઓની પસંદગીથી પરિવારને નિરાશા થતી, તેની માર્કેટિંગ કેરિયર સફળ હતી પરંતુ, તે ડોક્ટર અથવા ડેન્ટિસ્ટ કે એકાઉન્ટન્ટ ન હતી. લોકો માટે તે કશું જ ન હતી જેનાથી તેને દુઃખ થતું. તેણે ટેકનોલોજી અને કન્ઝ્યુમર માર્કેટિંગ જેવાં ઉભરતાં સેક્ટર્સમાં પણ સખત મહેનત કરી હતી. સેક્સિઝમ અને રેસિઝમના અવરોધોમાં તેની કદર થતી ન હતી.
ખુશી અને સફળતાની ખોજમાં લગ્નજીવનમાં શોષણનો અવરોધ પણ સામે આવ્યો. બિઝનેસમાં ઘણી વખત નિષ્ફળતા મળી, લોકો જૂઠું બોલતા અને છેતરતા હતા. પુરુષોના વિશ્વમાં તે એક સ્ત્રી હતી. તેણે પોતાની પ્રથમ ટેક કંપની શરૂ કરી અને આ ચાર સેક્ટર અને ત્રણ ખંડોમાં ફેલાયેલી ૨૧ વર્ષની એન્ટ્રેપ્રેન્યોરલ - ઉદ્યોગસાહસિકતાની યાત્રાનો શુભારંભ હતો.
‘તેણે બાળકો જણવા જોઈએ તેવી વૈશ્વિક માન્યતા વચ્ચે તે બિઝનેસીસ બનાવી રહી હતી. આજે તે બિઝનેસીસને સફળતા બક્ષતી બિઝનેસ કોચ છે અને ઘણી યુવાન છોકરીઓ માટે ઈન્વેસ્ટર મેન્ટોર હોવાં સાથે સક્રિયપણે મહિલાઓના સશક્તિકરણમાં જોડાયેલી છે. તે આજે આ સ્થળે એટલા માટે છે કે તે દૃઢનિશ્ચયી સ્ત્રી છે જેની માતાએ કરોળિયા અને તેના વારંવારના પ્રયાસોની વાર્તા કહી હતી. તેણે સતત પ્રયાસ, શીખવાનું અને તે જે કરે છે તેમાં માનવાનું છોડ્યું નહિ.’
‘મેન્ટોર અને કોચ બનેલી આ નાનકડી બહાદુર બાળા ચોક્કસપણે શિલ્પા છે. સાઉથ એશિયન સ્ત્રીઓ પોતાના પગ પર ઉભી રહે અને સફળતા હાંસલ કરે તે નિહાળવું ઘણું આશાસ્પદ છે.’
આ નાનકડી બાળા શિલ્પા પંચમતિયા છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીત કરતાં શિલ્પાએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર વિશ્વની છોકરીઓ સમક્ષ તેઓ શું બનવા માગે છે અને કેવી રીતે બની શકાય તેના અનેક પડકારો રહે છે. દરેક સ્ત્રીએ તે જીવનમાં શું કરવા ઈચ્છે છે તેની મુક્તપણે પસંદગી કરવા અને સ્વપ્ના સાકાર કરવા માટે પૂરતાં પ્રયાસોમાં આઝાદ હોવી જોઈએ. સંશોધનો જણાવે છે કે છોકરીઓ છઠ્ઠા વર્ષની વયથી તેમની લૈંગિકતાને સુસંગત કારકિર્દીનું વર્ગીકરણ કરવાં લાગે છે જેની તેમના ભવિષ્ય પર લાંબી અસર રહે છે. છોકરીઓએ અભૂતપૂર્વ કાર્ય કરતી આદર્શ મહિલાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આ આદર્શ મહિલાઓ તેમના જીવનમાં કઈ રીતે શક્ય બને તે માર્ગ દર્શાવી શકે છે. છોકરીઓ પોતાનમાં જીવનમાં શું કરવું તેનો નિર્ણય કરવા આઝાદ છે તે દર્શાવવાની મારી પેઢીની સ્ત્રીઓની ફરજ છે.’ આપણી યાત્રાઓ, આપણા પડકારો અને સંઘર્ષમાં મળેલાં ઘા યુવાન છોકરીઓને બતાવવા આવશ્યક છે. આ જીવન ગુલાબની જ પથારી નથી. આપણું જીવન ધ્યેય અને જુસ્સાસભર હોવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter