આઇસીસી ફ્યુચચર લિડર્સ પ્રોગ્રામમાં એકમાત્ર ગુજરાતીઃ હરિની રાણા

Wednesday 09th June 2021 08:18 EDT
 
 

અમદાવાદઃ ક્રિકેટનો વ્યાપ વધારવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વિશ્વતખ્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. આની સાથે સાથે જ હવે આઇસીસીએ મહિલાઓનું યોગદાન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આઇસીસીએ વિશ્વ કક્ષાએ ક્રિકેટ અને અન્ય રમતમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે હેતુથી મહિલા ટેલેન્ટ કાર્યક્રમથી જાહેરાત કરી છે. આઇસીસી ફ્યુચર લિડર્સ પ્રોગ્રામ નામના આ આયોજન અંતર્ગત આઇસીસીએ ૪૫ દેશમાંથી કુલ ૪૦ મહિલાની પસંદગી કરી છે. સૌથી મહત્વનું એ છે કે આ ૪૦ મહિલાઓમાં ગુજરાતી સ્પોર્ટ્સ પત્રકાર હરિની રાણાનો પણ સમાવેશ થાય છે.

સ્કૂલ અભ્યાસ દરમિયાન હરિની રાણાને ક્રિકેટ પ્રત્યે ઘણો ક્રેઝ હતો. ક્રિકેટ પ્રત્યેનો તેનો આ લગાવ નિહાળીને પ્રખ્યાત રામાયણી પૂ. મોરારિબાપુએ તેને ૧૯૯૯માં ઇંગ્લેન્ડમાં યોજાયેલો ક્રિકેટ વર્લ્ડ કપ નિહાળવા માટે મોકલી હતી. તે સમયે હરિનીને સ્પોર્ટ્સ ખાસ કરીને ક્રિકેટજગતના સમાચારો-અહેવાલો તૈયાર કરવાની પ્રબળ ઇચ્છા હતી.

વિશ્વ સ્તરે ગુજરાતનું ગૌરવ વધારનારી હરિની રાણા કોણ છે?
ગુજરાતી એવી હરિની રાણા હાલ મુંબઇ ખાતે સ્થાયી થયેલ છે. ટીવી ન્યુઝ ચેનલમાં હરિની ભારતની બીજી અને ગુજરાતની પહેલી સ્પોર્ટ્સ એડિટર રહી ચૂકી છે. એક સમયે પ્રોફેશનલ પાઇલટ બનવાની ઇચ્છા ધરાવતી હરિની રાણા માસ કોમ્યુનિકેશનની ડિગ્રી લીધા પછી છેલ્લા ૧૩ વર્ષથી સ્પોર્ટ્સ પત્રકારત્વ અને મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે. સ્પોર્ટ્સ પત્રકાર તરીકે હરિની ચાર ક્રિકેટ વર્લ્ડ કપ, ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલન ઓપન તો લંડન અને રિયો ઓલિમ્પિક જેવી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટનું પણ રિપોર્ટિંગ કરી ચૂકી છે. હરિની રાણા મહિલા અને સ્પોર્ટ્સ માટે યુએસ કોન્સ્યુલેટ જનરલ-મુંબઇની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. સ્પોર્ટ્સમાં વધુને વધુ મહિલાઓ આગળ આવે તેવા માટે હરિની સતત સક્રિય છે.
વર્ષ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડા પ્રધાન જુલિયા ગિલાર્ડે હરિની રાણાનું સન્માન કર્યું હતું. તો માર્ચ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા સરકારે મહિલા અને સ્પોર્ટ્સ માટે ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કર્યું હતું. જેમાં સરકારે હરિની રાણા સહિત દેશની ૨૫ મહિલાઓને ખાસ આમંત્રિત કરાઇ હતી.

શું છે આઇસીસીનો મહિલાઓ માટેનો આ કાર્યક્રમ?
આઇસીસી ફ્યુચર લિડર્સ પ્રોગ્રામથી મહિલાઓમાં રહેતી ટેલેન્ટને બહાર લાવશે. આ મહિલાઓને ક્રિકેટ તથા અન્ય રમતોમાં મહત્વની જવાબદારી ભજવી શકે તે માટે તેયાર કરવામાં આવશે. આઇસીસી આ મહિલાઓ માટે ખાસ પ્લટફોર્મ તૈયાર કરશે અને તેમને અલગ અલગ ફિલ્ડમાં તાલીમબદ્ધ કરશે. આ કાર્યક્રમ છ મહિના સુધી ચાલશે, જેની શરૂઆત નવેમ્બર ૨૦૨૧થી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter