આખો પરિવાર કોરોના પોઝિટિવ, પતિના મૃત્યુ છતાં દર્દીઓની સેવા કરવા પ્રતિબદ્ધ નર્સ

Friday 05th June 2020 08:20 EDT
 

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં ઉર્મિલાબહેન પંચાલ (ઉં ૫૮) છે. ઉર્મિલાબહેનનાં સંતાનોમાં પુત્ર અને પુત્રવધૂ બંને મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા છે. ઉર્મિલાબહેનના પતિ નિવૃત્ત હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબહેનને કહેતા રહેતા હતા કે, આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે? સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે. એક વખત તો ઉર્મિલાબહેનને પણ વિચાર આવ્યો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે, પણ એવા સમયે જ ‘કોરોના’ની એન્ટ્રી થઈ. ઉર્મિલાબહેને ખૂબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધું કે, આ કોરોનાને જવા દો. અત્યારે સેવા કરવાનો સમય છે. મારું મન કહે છે કે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ અને ઉર્મિલાબહેને નોકરી ચાલુ રાખી.

હકારાત્મક અભિગમ

ઉર્મિલાબહેનની તબિયત બગડતાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પોઝિટિવ આવ્યો જ્યાં દર્દીઓની સેવા કરતાં હતાં ત્યાં જ દાખલ થવાનો વારો આવ્યો. થોડા દિવસ પછી પતિ સુરેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા. તે પણ તે જ વોર્ડમાં દાખલ થયા. પુત્ર અને પુત્રવધૂ બંને પણ કોરોના પોઝિટિવ જણાતાં હોમ ક્વોરેન્ટાઈન થયાં. ક્રમશ: આખો પરિવાર કોરોના પોઝિટિવ થયો, પણ એમણે હકારાત્મકતા ન છોડી.

પતિનું મૃત્યુ થયું

ઉર્મિલાબહેનના પતિ સુરેશભાઈનું એવામાં અવસાન થયું. અંતિમ સંસ્કાર કોણ કરે? આખું ઘર કોરોનાપીડિત હતું. ઉર્મિલાબહેને હોસ્પિટલના એસઆઈ જૈમિનભાઈને વાત કરી કે તમે મારા પતિના અંતિમ સંસ્કાર કરો, પણ મારી ઈચ્છા છે કે આખી અંતિમવિધિ જોવું. જૈમિનભાઈ અને અન્ય પાંચ સેવાનિષ્ઠ મિત્રોએ આખી વાત ઉપાડી લીધી અને સુરેશભાઈના અંતિમ સંસ્કાર થયા.

મેદાન છોડી કેમ ભગાય?

ઉર્મિલાબહેન કહે છે કે, મારા પતિની બહુ ઈચ્છા હતી કે હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લઉં, પણ મારું મન ના માન્યું. મને સતત થયા કરતું કે આખી જિંદગી દર્દીઓની સેવામાં કાઢી છે અને અણીના સમયે મેદાન છોડીને ભાગું એ સારું ન કહેવાય. મારા પતિની સ્વૈચ્છિક નિવૃત્તિની ઈચ્છા હું તેમના જીવતેજીવત ન પૂરી કરી શકી તેનું દુ:ખ ચોક્કસ છે, પરંતુ અફસોસ નથી કેમ કે, મેં છેક સુધી દર્દીઓની સેવા કરી છે અને આગામી દિવસોમાં પણ દર્દીઓની સેવા કરતી રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter