ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ : આરતી સાહા ગુપ્તા

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 03rd January 2024 06:19 EST
 
 

ઈંગ્લિશ ચેનલનું નામ સાંભળ્યું છે ?
દક્ષિણી ઇંગ્લેન્ડને ઉત્તરીય ફ્રાંસથી જુદી પાડતી અને ઉત્તરી સાગરને એટલાંટિક સાથે જોડતી એટલાંટિક મહાસાગરની એક શાખા એટલે ઈંગ્લિશ ચેનલ. બીજા શબ્દોમાં બ્રિટન અને ફ્રાન્સને જુદી પાડતી જળસીમારેખા. ૫૬૦ કિલોમીટર લાંબી અને ૨૪૦ કિલોમીટર પહોળી. ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરવાની હોય તો સીધી રેખામાં ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપવાનું થાય. આ અંતર કાપતાં સોળેક કલાક થાય. પણ સંજોગો સાનુકૂળ ન હોય તો કિલોમીટરનું અંતર પણ વધી જાય અને તરવાના કલાકો પણ. પરંતુ, સામે પ્રવાહે તરવાનું સાહસ કરનારાઓનો તોટો નથી. સિદ્ધિને વરેલી આવી એક સાહસિક સ્ત્રી એટલે આરતી સાહા ગુપ્તા... આરતીએ ૧૯ વર્ષની ઉંમરે ૨૯ સપ્ટેમ્બર ૧૯૫૯ના રોજ બેતાળીસ માઈલનું અંતર સોળ કલાક અને વીસ મિનિટમાં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કર્યું. આ રીતે ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય જ નહીં, પ્રથમ એશિયાઈ મહિલા પણ બની !
આરતી મૂળ પશ્ચિમ બંગાળની. કોલકાતાના મધ્યમવર્ગીય બંગાળી હિંદુ પરિવારમાં એનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૯૪૦ ના થયો. એ ચાર વર્ષની હતી ત્યારે પોતાના કાકા સાથે ચંપતાલાના ઘાટ પર નહાવા જતી. પિતા પંચગોપાલે દીકરીની તરવામાં રુચિ જાણીને એના યોગ્ય પ્રશિક્ષણ માટે હાટખોલા સ્વિમિંગ ક્લબમાં દાખલ કરી. ત્યાં એશિયાઈ ખેલોના સુવર્ણચંદ્રક વિજેતા સચિન નાગે આરતીની પ્રતિભા પારખી. નાગના માર્ગદર્શનમાં આરતીનું પ્રશિક્ષણ શરૂ થયું. સચિન નાગના માર્ગદર્શનમાં આરતી કુશળ તરવૈયો બની. માત્ર પાંચ વર્ષની ઉંમરે ૧૯૪૬માં આરતીએ શૈલેન્દ્ર મેમોરિયલ સ્વિમિંગ કોમ્પીટીશનમાં ૧૧૦ ગજ ફ્રી સ્ટાઈલમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૪૫ અને ૧૯૫૧ વચ્ચે એણે પશ્ચિમ બંગાળમાં બાવીસ રાજ્યસ્તરીય તરણ પ્રતિયોગિતાઓમાં જીત મેળવેલી.
આરતીને તરીને લાંબું અંતર કાપવું ગમતું. ગંગા નદીમાં લાંબા અંતરની તરણસ્પર્ધાઓમાં નિયમિતપણે ભાગ લેતી. દરમિયાન બંગાળી તરવૈયા બ્રોજેન દાસે ૧૯૫૮માં ઇંગ્લેન્ડમાં યોજાયેલી બટલિન ઇન્ટરનેશનલ ક્રોસ ચેનલ સ્વિમિંગ રેસમાં ૧૮ ઓગસ્ટ ૧૯૫૮ના રોજ ઇંગ્લિશ ચેનલ પાર કરી. આ સફળતા મેળવનાર એ પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાઈ પુરુષ હતા. આરતીએ બ્રોજેન દાસને વધામણીનો સંદેશ પાઠવ્યો. બ્રોજેને વળતા જવાબમાં કહ્યું કે, તમે પણ આ સફળતા મેળવી શકો છો..
બ્રોજેન દાસની પ્રેરણાથી આરતીએ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા અંગે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. એને પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે એને આમંત્રણ મળ્યું. ત્રણેક મહિના પછી આરતી ઇંગ્લેન્ડ જવા રવાના થઈ. ૧૩ ઓગસ્ટ ૧૯૫૯થી આરતીએ ઇંગ્લિશ ચેનલમાં પોતાનો અંતિમ અભ્યાસ શરૂ કર્યો. તરણસ્પર્ધા ૨૭ ઓગસ્ટ ૧૯૫૯ના સ્થાનિક સમય અનુસાર એક વાગ્યે નિર્ધારિત કરાયેલી. જોકે આરતી માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. એની પાયલટ નાવ સમયસર ન પહોંચવાને કારણે આરતીને સ્પર્ધામાં ભાગ લેવામાં ચાળીસ મિનિટ મોડું થયું. એણે વિપરીત દિશામાંથી ઊઠેલી ભયાનક લહેરોનો સામનો કરવો પડ્યો. આરતી આગળ વધવા કૃતસંકલ્પ હતી, પણ પાયલટના દબાણને કારણે એણે થંભી જવું પડ્યું.
આરંભની નિષ્ફળતાથી આરતી નિરાશ ન થઈ. ૨૯ સપ્ટેમ્બર ૧૯૫૯ના એણે બીજો પ્રયાસ કર્યો. ફ્રાન્સના કેપ ગ્રિસ નેજથી શરૂ કર્યું. સોળ કલાક અને વીસ મિનિટમાં બેતાળીસ માઈલનું અંતર કાપીને સૈંડગેટ, ઇંગ્લેન્ડ પહોંચીને એણે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એ સાથે આરતી ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનારી પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાઈ મહિલા બની. બીજે વર્ષે ૧૯૬૦માં, આરતીની માત્ર વીસ વર્ષની ઉંમરે એને ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરાઈ. ઝળહળતી સફળતા માણ્યા પછી આરતી જાહેર જીવનની ઝગમગથી દૂર થઈ ગઈ. ૧૯૫૯માં પોતાના પ્રબંધક ડૉ. અરુણકુમાર સાથે લગ્ન કર્યાં. સાડા ત્રણ દાયકા પછી, કમળાની બીમારીમાં સપડાઈને ૨૩ ઓગસ્ટ ૧૯૯૪ના આરતી સાહાએ કાયમ અંતે આંખો મીંચી દીધી. પાંચ વર્ષ બાદ, એણે જે દિવસે વિક્રમ સર્જ્યો હતો એ જ દિવસ એટલે કે ૨૯ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ ત્રણ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી.... આ ટપાલ ટિકિટ આરતીના જીવનમંત્રનું સતત સ્મરણ કરાવે છે : નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter