ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન, દરેક આઉટફિટ સાથે શોભી ઊઠશે ચોકર્સ

Wednesday 15th February 2023 08:18 EST
 
 

ઘરમાં નાનુંમોટું ફંક્શન હોય કે લગ્ન અથવા તો પાર્ટી હોય એમાં આઉટફિટની સાથે સરસ મજાની જ્વેલરી પહેરવી એ દરેક યુવતીઓનું સપનું હોય છે. કોઈ પણ ફંક્શનમાં પરફેક્ટ લુક મેળવવો બહુ જરૂરી છે. આ ઉપરાંત ફેશન ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે એ બાબતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સિત્તેરના દાયકામાં જે ઇન ટ્રેન્ડ હતો એ ચોકર નેકલેસનો ટ્રેન્ડ પરત ફર્યો છે. શાહી મહેલોથી લઇને સામાન્ય લોકોમાં ચોકર હંમેશાંથી સ્ટાઇલ સ્ટેટમેન્ટનો ભાગ રહ્યો છે. તેની ખાસિયત એ છે કે તે ઇન્ડિયન અને વેસ્ટર્ન દરેક પ્રકારનાં પરિધાનો સાથે પહેરી શકાય છે. લગ્ન પ્રસંગોમાં પણ તેની ડિમાન્ડ છે. બોલિવૂડ એક્ટ્રેસ પણ ચોકર પહેરેલી જોવા મળે છે. ચોકરની પસંદગી કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કે તમે ચોકરને કયા અવસર ઉપર પહેરવા ઇચ્છો છો. પ્રસંગ અનુસાર ચોકરની પસંદગી કરો.
• પર્લ ચોકરઃ શાહી અને સુંદર લુક જોઈતો હોય તો પર્લ ચોકરની પસંદગી કરો. પર્લ ચોકરમાં પરફેક્ટ અને રિચ લુક મળે છે. પર્લ ચોકર્સને સાડી, ગાઉન અને ચોલી સાથે પહેરી શકાય છે. મોતી ચોકર્સમાં અનેક સ્ટાઇલ અને પેટર્ન ઉપલબ્ધ છે. એમાંથી તમારા આઉટફિટ સાથે ફિટ બેસે એ પ્રકારના પર્લ ચોકર્સની પસંદગી કરો.
• ડાયમંડ ચોકરઃ પ્રિન્સેસ ડાયનાથી લઇને લેડી ગાગા જેવી હાઇ પ્રોફાઇલ હસ્તીઓને તમે ડાયમંડ ચોકર્સ પહેરતાં જોયા હશે. ચોકર્સમાં ડાયમંડ હોવાથી તે સુંદર લાગવાની સાથે ચમકદાર લાગે છે. એન્ગેજમેન્ટ, લગ્ન, રિસેપ્શન જેવા પ્રસંગોમાં ડાયમંડ ચોકર્સ તમને ફેન્ટાસ્ટિક લુક આપશે. ડાયમંડમાં વ્હાઇટ ઉપરાંત રૂબી રાણી, ગ્રીન વગેરે જેવા કલરના ચોકર્સ ઇન ટ્રેન્ડ છે.
• એથનિક ચોકરઃ કોઇ પણ પ્રસંગ એથનિક જ્વેલરી વગર અધૂરો છે એમ જ્વેલર્સનું છે. એથનિક જ્વેલરીમાં ચોકર ઇન ટ્રેન્ડ છે. ભાગ્યે જ એવી કોઇ સેલિબ્રિટી હશે જેણે એથનિક ચોકર ટ્રાય ન કર્યો હોય. એથનિક ચોકર હટકે લુક આપે છે. તેને ડીપ નેક બ્લાઉઝ સાથે, ચોલી, પેપલમ ટોપ વિથ સ્કર્ટ વગેરે સાથે ટીમઅપ કરી શકાય છે.
• ઓક્સોડાઇઝ ચોકરઃ એક સમયે નવરાત્રિ દરમિયાન જ પહેરવામાં આવતી ઓક્સોડાઇઝ જ્વેલરી હવે ફેશનજગતમાં છવાઇ ગઇ છે. તેને ટ્રેડિશનલ અને કેઝ્યુઅલ એમ દરેક આઉટફિટ સાથે પહેરવામાં આવે છે. હવે તો સાડી સાથે પણ ઓક્સોડાઇઝ જ્વેલરીને કેરી કરાય છે. એમાં ઓક્સોડાઇઝ ચોકરનો સમાવેશ પણ થાય છે.
• ગોથિક ચોકરઃ જો તમે કંઇક હટકે સ્ટાઇલ અપનાવવા માંગો છો તો ગોથિક ચોકર્સ અજમાવો. તમારા લુકને સ્પોર્ટ કરવા માટે તમે કોઇ પણ કેઝ્યુઅલ આઉટફિટની પસંદગી કરી શકો છો.
• બોહેમિયન ચોકરઃ બોહો ચોકર્સ આદિવાસી ઘરેણાંથી પ્રેરિત છે. બોહેમિયન પથ્થર અને ધાતુઓમાંથી બનેલા હોય છે. લુકને પૂર્ણ કરવા માટે તેને કપડાં અથવા લેસની સાથે જોડી શકાય છે. લગ્ન જેવા પ્રસંગોમાં પહેરવાને બદલે આ ચોકરને કેઝ્યુઅલ આઉટફિટ સાથે કેરી કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter