પશ્ચિમી અને ભારતીય વસ્ત્રોનું સંયોજન એટલે કે ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ આજે ખાસ ટ્રેન્ડમાં છે. આ સ્ટાઈલ મહિલાઓને આધુનિક દેખાવ આપતી હોવા સાથે ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલી રહે છે. રક્ષાબંધન હોય કે દિવાળી કે ભાઇબીજ, દરેક પ્રસંગમાં ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટ ટ્રાય કરવામાં આવે છે.
ઇન્ડો વેસ્ટર્ન શું છે?
ઈન્ડો વેસ્ટર્ન એ ફેશનની એવી શૈલી છે જેમાં ભારતીય કપડાં અને પશ્ચિમી વસ્ત્રોની ડિઝાઈન, ફેબ્રિક અને કટ્સનું મિશ્રણ કરવામાં આવે છે. જેમ કે, કુરતી સાથે જિન્સ, લોન્ગ સ્કર્ટ સાથે ક્રોપ ટોપ, ક્રોપ ટોપ સાથે પ્લાઝો કે સ્કર્ટ... આ સ્ટાઈલ યુવતીઓ અને મહિલાઓ બન્નેમાં લોકપ્રિય બની ગઈ છે. કારણ કે તે કમ્ફર્ટ સાથે ટ્રેન્ડી પણ લાગે છે.
ક્રોપ ટોપ અને લહેંગા સ્કર્ટ
પરંપરાગત લહેંગા સ્કર્ટને ક્રોપ ટોપ કે શર્ટ સાથે પહેરવાથી આઉટફિટ સ્ટાઇલિશ લાગે છે. સ્કર્ટ જો પ્લેન હોય તો ક્રોપ ટોપ પ્રિન્ટેડ સિલેક્ટ કરવું એનાથી આકર્ષક લુક મળશે.
ધોતી પેન્ટ અને શોર્ટ કુરતી
આ ફ્યુઝન લુક આજે ઘણી પાર્ટી કે ઇવેન્ટમાં જોવા મળે છે. કોલેજગોઇંગ યુવતીઓથી માંડીને વર્કિંગ વુમન આ પ્રકારનાં આઉટફિટ ટ્રાય કરી શકે છે. ધોતી પેન્ટમાં અત્યારે સૌથી વધારે રેયોન મટીરિયલ ટ્રેન્ડમાં છે.
ગાઉન સ્ટાઈલ અનારકલી
કુરતી અનારકલી ઓલ ટાઈમ હોટ ફેવરિટ છે. એ પછી લોન્ગ હોય કે શોર્ટ, એમાંય હવે ગાઉન સ્ટાઈલ અનારકલી ટ્રેન્ડમાં છે. આ પ્રકારના ગાઉન સાથે એમ્બ્રોઈડરી, મિરર વર્ક વગેરે જેવા વર્ક કરીને ભારતીય ટચ આપવામાં આવે છે.
શરારા પેન્ટ સાથે પેપલમ ટોપ
પેપલમ ટોપ યુવતીઓમાં પ્રિય છે. આ ટોપની સાથે શરારા પેન્ટ ટ્રાય કરવામાં આવે છે. કોઇપણ પ્રસંગે આ પ્રકારનાં આઉટફિટ ડિફરન્ટ લુક આપવામાં મદદ કરશે. પ્લેન શરારા પેન્ટ સાથે પ્રિન્ટેડ પેપલમ ટોપ ટ્રાય કરો. પેન્ટ સાથે મેચ થાય એવું પેપલમ ટોપ પહેરવાને બદલે કોન્ટ્રાસ કલરની પસંદગી કરવામાં આવે તો વધુ આકર્ષક લાગે છે.
જિન્સ અને કુરતી
લાંબી કુરતી સાથે જિન્સ એ રોજિંદા વપરાશ માટે બેસ્ટ છે. પ્રસંગોમાં લાંબી કુરતી સાથે જિન્સ પહેરવાને બદલે તેની સાથે મેચ થાય એવી લેગિંગ્સ ટ્રાય કરી શકો છો, જે એલિગન્ટ લુક આ લુક આપશે. તહેવારોમાં સામાન્ય રીતે બ્રાઈટ કલર્સ અને વર્કવાળાં આઉટફિટ ઇન ટ્રેન્ડ છે. કફતાન ટ્યુનિક્સ, ફ્રન્ટ ઓપન કુરતા અને અસિમેટ્રિકલ હેમલાઈનવાળા ડ્રેસીસ પણ ફેમસ છે. ફેબ્રિકમાં ચંદેરી, કોટન, જ્યોર્જેટ, મલમલ જેવાં મટીરિયલ અત્યારે વધુ ટ્રેન્ડમાં છે.


