ઉનાળામાં અપનાવો કલરફૂલ કોટન

Wednesday 19th August 2026 07:59 EDT
 
 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે તાપમાનનો પાર ઊંચે ચઢવા લાગે છે, ત્યારે દરેક મહિલાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે કંઈક એવું પહેરવું જેમાં સ્ટાઈલ પણ જળવાય અને આરામ પણ મળે. આ સમસ્યાનો સૌથી સચોટ ઉકેલ છે ‘કોટન વન પીસ ડ્રેસ’. અત્યારના લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ મુજબ, કોટન વન પીસ હવે માત્ર કેઝ્યુઅલ વેર નથી રહ્યા, પરંતુ તે એક પાવરફુલ ફેશન સ્ટેટમેન્ટ બની ગયા છે. ત્યારે હાલ જે યુવતીઓ ફેશન વિશે જાણી રહી છે, તેમને આ સવાલ થતો જ હશે કે, ઉનાળા માટે કોટન જ કેમ શ્રેષ્ઠ?
કોટન એટલે કુદરતી રીતે જ હવાની અવરજવર થતી રહે તેવું સુતરાઉ કાપડ. તે પરસેવો શોષી લે છે અને શરીરને ઠંડક આપે છે. છેલ્લા થોડા સમયની વાત કરીએ તો, ‘મુલાયમ મલમલ’, ‘ખાદી કોટન’ અને ‘લિનન મિક્સ’ કાપડ વધુ ડિમાન્ડમાં છે.

ટીયર્ડ મેકસી ડ્રેસ

આ વર્ષે ફ્લોઈ અને ઘેરાવદાર ડ્રેસ ખૂબ જ ટ્રેન્ડમાં છે. લેયર્સવાળા આ ડ્રેસ માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ તે હવાની અવરજવર માટે પણ ઉત્તમ છે. ખાસ કરીને પેસ્ટલ કલર્સ જેવા કે પાઉડર બ્લૂ અને સોફ્ટ મિન્ટ ગ્રીન અત્યારે હોટ ફેવરિટ છે.

શર્ટ ડ્રેસ

ઓફિસ વેર કે ફોર્મલ મીટિંગ્સ માટે કોટન શર્ટ ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે. બેલ્ટ સાથેનો આ લુક તમને પ્રોફેશનલ અને સ્ટાઈલિશ બંને બનાવે છે. સફેદ કે બ્લોક પ્રિન્ટમાં આ ડ્રેસ ખૂબ જ આકર્ષક લાગે છે.

અજરક અને બાંધણી પ્રિન્ટ

ગુજરાતી ફેશનની વાત હોય અને પરંપરાગત પ્રિન્ટ ન હોય તેવું તો બને જ નહીં! કોટન વન પીસમાં અજરક, બાંધણી અને બ્લોક પ્રિન્ટનું ફ્યૂઝન ઈન્ડો-વેસ્ટર્ન લુક આપે છે. આ ડ્રેસ તમે ફેમિલી ફંક્શન કે આઉટિંગમાં આરામથી પહેરી શકો છો.

એ-લાઈન અને કફતાન

ડ્રેસ જો તમારે વધુ પડતાં ફિટ કપડાં ન પહેરવાં હોય, તો એ-લાઈન કે લૂઝ ફિટિંગવાળા કફ્તાન ડ્રેસ પસંદ કરી શકો છો. આ સ્ટાઈલ દરેક બોડી ટાઈપ પર સૂટ થાય છે અને અત્યંત કમ્ફર્ટેબલ રહે છે.

કેવી રીતે રેડી થવું?

હવે જો વાત આવે એક્સેસરીઝની, તો કોટન ડ્રેસ સાથે ઓક્સોડાઈઝ્ડ જવેલરી ખૂબ જ સુંદર લાગે છે. ખાસ કરીને સિલ્વર ઇયરિંગ્સ કે ગળાનો હાર તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે. એની સાથે ફૂટવેરમાં આરામદાયક મોજડી અથવા ટ્રેન્ડી કોલ્હાપુરી ચંપલ પહેરવા યોગ્ય રહેશે, જે આ આખાય લુકને કમ્પ્લીટ કરે છે. આવો કૂલ કોટન એથનિક ઈકો-ફ્રેન્ડલી લુક માટે ફૂટ બેગ કે કાપડની એમ્બ્રોઈડરીવાળી બેગ સાથે રાખશો તો ગ્રૂપમાં અલગ તરી આવશો.
ઉનાળો એટલે માત્ર ગરમી નહીં, પણ ફેશન સાથે પ્રયોગ કરવાનો પણ સમય છે. હળવા રંગો, કુદરતી કાપડ અને મિનિમલ મેકઅપ સાથેનો કોટન વન પીસ તમને આ આખી સીઝન ફ્રેશ અને કોન્ફિડન્ટ રાખશે. ત્યારે વધુ એક સવાલ એના રંગને લઈને ઊઠતા હશે. એવામાં લાઇટ કલર્સ પહેરવા ખૂબ ફેશ ફીલ આપશે. જેમ કે, પીળા, વાદળી, સફેદ, પિંક, પીચ, વગેરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter