એકને: ત્વચાને ચમકતી રાખવા માટે કરો હિલિંગ ફેસિયલ

Wednesday 18th November 2026 06:23 EST
 
 

આજના યુગમાં સૌંદર્ય જાળવવું માત્ર ફેશન નથી, પરંતુ આ આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ સાથે પણ સંકળાયેલું છે. ખાસ કરીને એકને અથવા તો મોઢા પર પડતા દાણા જેવો સ્કિન પ્રોબ્લેમ ઘણીવાર યુવાવર્ગથી લઈને વયસ્ક સુધી બધાને પરેશાન કરે છે. અયોગ્ય આહાર, માનસિક તણાવ (મેન્ટલ સ્ટ્રેસ), હોર્મોનલ ચેઇન્જ, ધૂળ-પ્રદૂષણ અને ખોટી સ્કિન કેર હેબિટ્સના કારણે એકને વધી જાય છે.

એકને કઇ રીતે થાય છે?
આપણી સ્કિનમાં નાનાં-નાનાં પોર્સ (છિદ્રો) હોય છે. દરેક પોર્સ સાથે એક તૈલગ્રંથિ જોડાયેલી હોય છે. આ ગ્રંથિમાંથી પ્રાકૃતિક તેલ બહાર આવે છે અને તે સ્કિનને સોફ્ટ અને મોઈશ્ચરાઈઝ રાખે છે. ક્યારેક ડેડ સ્કિન સેલ્સ અને વધારાનું સેબમ (sebum) ભેગું થઈને પોર્સને બંધ કરી દે છે. આ અવરોધને કારણે ત્વચાની અંદર ઓક્સિજન ઓછો પહોંચે છે અને હવાનું સર્ક્યુલેશન ઘટે છે. પરિણામે ક્યુટીબેક્ટેરિયમ એકને નામના બેક્ટેરિયા વધવા લાગે છે. જ્યારે પોર્સ બંધ થઈ જાય છે ત્યારે આ બેક્ટેરિયા ત્વચાની અંદર ઝડપથી વધવા લાગે છે. બેક્ટેરિયા વધતા ઈમ્યુન સિસ્ટમ રિએક્ટ કરે છે. પરિણામે ત્યાં લાલાશ, સોજો અને પીડા થાય છે. અને છેવટે તે દાણા (પિમ્પલ્સ) બની જાય છે.

એકનેના ચાર મુખ્ય પ્રકાર
• બ્લેકહેડ્સઃ ચહેરાની ઉપર પોર્સ ખુલ્લા રહેવાથી તેમાં ધૂળ, તેલ જમા થઈને કાળા રંગના થઈ જાય છે જે બ્લેકહેડ્સ એકને તરીકે ઓળખાય છે.
• વ્હાઈટહેડસઃ પોર્સ બંધ થઇ ગયા બાદ અંદર સફેદ દાણા બને તેને વ્હાઇટહેડ એકને કહે છે.
• પિમ્પલ્સઃ વ્હાઈટહેડ્સમાં વધુ પડતા બેક્ટેરિયા જમા થઈને લાલ અને સોજાવાળા દાણા બને છે જે પિમ્પલ્સ કહેવાય છે.
• સિસ્ટિક એકનેઃ ઊંડા અને પીડાદાયક દાણામાં પસ ભરાઈ જાય અને બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે તેને સિસ્ટિક એકને - ભારે પ્રકારના ખીલ કહેવાય છે.

એકને થવાનાં મુખ્ય કારણ
એકને મુખ્યત્વે હોર્મોનલ ફેરફાર થવાથી થાય છે. જેમ કે, ટીનએજમાં પિરિયડ્સમાં અને ગર્ભાવસ્થામાં આવા ફેરફાર થવાથી તે ચહેરા ઉપર દેખાય છે. જેમની ત્વચા વધારે પડતી ઓઈલી હોય તેમને થાય છે, કારણ કે તેની ત્વચામાં સેબમનું પ્રોડક્શન વધારે થાય છે અને તેના કારણે ધૂળ અને પ્રદૂષણના કણો ત્વચા પર ચોંટીને બ્લેકહેડ્સની પ્રક્રિયા વધારે થાય છે. ધૂળ અને પ્રદૂષણના કારણે ત્વચાના ડેડ સેલ્સ સમય સમયે ત્વચા પરથી દૂર થતાં રહેતા હોય છે. આ ક્રિયા ધીમી પડે છે, જેના પરિણામે ખીલ થવાની સંભાવના વધી જાય છે.

ક્યુટીબેક્ટેરિયમ એકને નામના બેક્ટેરિયાની વૃદ્ધિના કારણે આ સમસ્યા સર્જાય છે. ત્વચાનાં છિદ્રો પ્રદૂષણના કારણે બંધ થઈ જાય છે અને તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ અંદરથી વધવા માંડે છે. તેના કારણે ખીલ બનવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. પ્રદૂષણ સિવાય આ પ્રક્રિયા માટે સ્ટ્રેસ અને ખોરાક ટ્રિગરનું કામ કરે છે અને ખીલ થઈ શકે છે. સ્કિનના પોર્સ બ્લેક થઈ જાય ત્યારે જ દાણા ઉદ્ભવે છે. તેમાં બેક્ટેરિયા થવાથી ખીલ થાય છે. ખોટી સ્કિનકેર પ્રોડક્ટ્સ અને વધારે કેમિકલવાળાં ક્રીમ કે કોસ્મેટિક્સથી પણ એકનેની સમસ્યા સર્જાય છે.

એકને માટે ફેસિયલ ટ્રીટમેન્ટ
આજે એકનેની સ્પેશિયલ ફેસિયલ ટ્રીટમેન્ટ્સ ઉપલબ્ધ છે. આ ટ્રીટમેન્ટ્સ સ્કિનને અંદરથી સાફ કરે છે. બેક્ટેરિયાનું પ્રમાણ ઘટાડે છે અને દાણાથી થતાં ડાઘ દૂર કરવામાં મદદરૂપ બને છે.

• ડીપ ક્લીન્ઝિંગ ફેસિયલ: આ ફેસિયલ ચહેરાની ગંદકી અને વધારાના તેલને દૂર કરવા માટેનું હોય છે. તેને 15 દિવસમાં એકવાર કરવું જોઈએ. તેનાથી વ્હાઈટહેડ્સ અને બ્લેકહેડ્સ દૂર થઈ જાય છે.

• સેલિસિલિક એસિડ ફેસિયલઃ આ ફેસિયલ સ્કિનના પોર્સમાંથી અવરોધ દુર કરવામાં ખાસ અસરકારક છે. આ ફેસિયલમાં બેક્ટેરિયા મટી જાય છે અને ત્વચા ઊંડાણ સુધી સાફ થઈ જાય છે, તેથી ખીલ ઓછા થઈ જાય છે.

• એકને હિલિંગ ફેસિયલ: આ ફેસિયલમાં ડીપ ક્લીન્ઝિંગ થકી પોર્સ ખુલ્લાં તો થાય છે, પણ સાથે સાથે સીરમ માસ્ક કે હર્બલ માસ્ક વડે ઈન્ફેક્શનને ઘટાડવામાં આવે છે, જે ખીલને મૂળમાંથી મટાડે છે.

• એલઈડી (LED) લાઈટ થેરાપી: ફેસિયલની આ પદ્ધતિમાં બ્લૂ લાઈટથી બેક્ટેરિયા નાશ પામે છે અને એકનેમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

• કેમિકલ પીલ્સ: ફેસિયલનો આ પ્રકાર ઝડપથી જૂના ડેડ સેલ્સ દૂર કરી નવી સ્કિન લાવે છે, તેથી આ પ્રક્રિયા ખીલના ઉપચાર માટે વધારે અસરકારક છે. આવા ફેસિયલ પછી નવી સ્કિન આવતી હોવાથી તેની કેર વધારે કરવી પડે છે.

ખાસ ધ્યાન રાખો કે તમારી ત્વચા અને એકનેનો પ્રકાર જોઇને ક્યા પ્રકારનું ફેસિયલ કરાવવું તે નક્કી કરો. જરૂર પડ્યે સ્કિન કેર સ્પેશિયાલિસ્ટ કે બ્યુટિશ્યનની સલાહ લો. સામાન્ય રીતે ચારથી છ અઠવાડિયે એકવાર ફેસિયલ કરાવવું યોગ્ય છે. જો તમારી સ્કિન ડ્રાય કે સેન્સિટિવ હોય તો આઠ અઠવાડિયે એક વાર ફેસિયલ પૂરતું છે.

પરંતુ અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે ફેસિયલ શા માટે કરાવવું જોઈએ? કારણ કે ત્વચાને એકદમ સાફ કરે છે. પ્રદૂષણ અને મેકઅપથી સ્કિનના પોર્સ બ્લોક થઈ જાય છે, તેથી ફેસિયલ તેને ઊડે સુધી સાફ કરે છે. બ્લડ સર્ક્યુલેશન વધે છે જેથી સ્કિન તાજગીભરી લાગે છે. સ્કિનના ડેડ સેલ્સ દૂર થઈને નવા સેલ્સ બનાવવામાં મદદ મળે છે. નિયમિત ફેસિયલથી સ્કિન ગ્લોઈંગ અને યુવાન લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter