એક્ટિવેટેડ ચાર્કોલ બક્ષે અદભુત સૌંદર્ય

Monday 22nd July 2019 06:58 EDT
 
 

આજકાલ પ્રદૂષણથી બધાં પરેશાન છે. જોકે આપણી ત્વચા કંઈ બોલી શકતી નથી, પણ ત્વચા પર પ્રદુષણની સૌથી માઠી અસર પડે છે. આપણી ત્વચા બહુ જલ્દી ધૂળ, પ્રદૂષણ અને ગંદકી ખેંચી લે છે અને એને કારણે ત્વચા સંબંધી સમસ્યા ઊભી થાય છે. ત્વચામાંથી ગંદકી બહાર કાઢવા તમે એક્ટિવેટેડ ચાર્કોલનો ઉપયોગ કરી શકો છો. નેચરલ વસ્તુઓમાંથી બનાવેલી બ્યૂટી પ્રોડક્ટ્સ આજે ડિમાન્ડમાં છે ત્યારે એક્ટિવેટેડ ચાર્કોલ ચમત્કાર છે. એક્ટિવેટેડ ચાર્કોલે સૌંદર્ય પ્રસાધન તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી છે. કમર્શિયલ એક્ટિવેટેડ ચાર્કોલની ઘણી બ્યૂટી પ્રોડક્ટસ માર્કેટમાં મળે છે. તમે તૈયાર બ્યૂટી પ્રોડક્ટ પણ લઈ શકો અથવા ઘરે પણ તેનો ઉપયોગ કરી શકો. એની કોઈ આડઅસર થતી નથી.

એક્ટિવેટેડ ચાર્કોલની બનાવટ

એક્ટિવેટેડ ચાર્કોલ લાકડાને બાળી મેળવવામાં આવે છે. એ પછી એને ટોક્સિન બાઇન્ડ કરવાની ક્ષમતા વધારવા ટ્રીટ કરવામાં આવે છે. પરિણામે બ્લેક પાઉડર મળે છે. જે પાઉડર, કેપ્સ્યુલ, સાબુ અને ટૂથ પ્રોડક્ટ જેવા અનેક સ્વરૂપે મળે છે.

સ્ક્રબિંગ માટે બેસ્ટ

એક્ટિવેટેડ ચાર્કોલનો ઉપયોગ કરી તમે સ્ક્રબ બનાવવા માગતા હો તો એક બાઉલમાં બે ટેબલસ્પૂન જોજોબા ઓઇલ લઈ તેમાં થોડો એક્ટિવેટેડ ચારકોલ મિક્સ કરો. આ પેસ્ટ ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાંખો.

માસ્ક માટે પરફેક્ટ

એક્ટિવેટેડ ચાર્કોલમાંથી પીલ ઓફ માસ્ક પણ બનાવી શકાય છે. એ ચહેરાની ગંદકી બહાર કાઢવા માટે ઘણો કારગત છે. એક બાઉલમાં ચાર્કોલ પાઉડર લઈ તેમાં થોડો ફેવિકોલ અને પાણી મિક્સ કરો. એને ચહેરા પર લગાડી ૨૦ મિનિટ બાદ કાઢી નાંખો.

દાંતની ચમક

દરરોજ ચા-કોફી પીવાથી દાંત પીળા પડી જાય છે. એની ચમક પાછી મેળવવા તમે એક્ટિવેટેડ ચાર્કોલનો ઉપયોગ કરી શકો. ટૂથપેસ્ટમાં ચારકોલ મિક્સ કરી દાંત પર ઘસો. અઠવાડિયામાં માત્ર બે વાર એનો ઉપયોગ કરવાથી ફરક દેખાવા માંડશે.

ત્વચાની સ્વચ્છતા

ત્વચાની ગંદકી અને ટોક્સિન્સ સાફ કરવામાં એક્ટિવેટેડ ચાર્કોલ ખૂબ ફાયદાકારક છે. એક્ટિવેટેડ ચાર્કોલ લોહચુંબકની જેમ કામ કરી ત્વચાની ગંદકી અને ટોક્સિન્સ ખેંચી લે છે. એક બાઉલમાં બે-ત્રણ કેપ્સ્યુલ એક્ટિવેટેડ ચાર્કોલ અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાડી એ સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ નાંખો.

ઓઇલી સ્કિન

તૈલી ત્વચાને કારણે તમારો ચહેરો વણજોઈતો ચમકી ઊઠે છે? જો હા, તો એક્ટિવેટેડ ચાર્કોલ તમારી નવી બ્યૂટી પ્રોડક્ટ છે. ચાર્કોલના એબ્સોર્બન્ટ ગુણ ત્વચામાંથી વધારાનું તેલ શોષી લે છે અને ત્વચાને બિનજરૂરી શાઇનથી દૂર રાખે છે. બે-ત્રણ કેપ્સ્યુલ એક્ટિવેટેડ ચાર્કોલ, ૧/૨ ટીસ્પૂન મુલતાની માટી, ૧/૨ ટીસ્પૂન કોપરેલ અને એક ટેબલસ્પૂન ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાડો. ત્વચા મુલાયમ બનશે.

બ્લેકહેડ્સ દૂર થશે

પાર્લરમાં બ્લેકહેડ્સ કઢાવતી વખતે ઘણો દુઃખાવો થાય છે. પીલ ઓફ માસ્કથી એક્ટિવેટેડ ચાર્કોલ આ પ્રોસેસને સરળ બનાવે છે. એ માત્ર બ્લેક હેડ્સ જ નથી કાઢતું પરંતુ ત્વચામાં જામેલી ધૂળ અને પ્રદૂષકોને પણ દૂર કરે છે. એક નાના બાઉલમાં એક ટેબલસ્પૂન જીલેટિન પાઉડર અને બે ટેબલસ્પૂન પાણી મિક્સ કરો. આ બાઉલને ગરમ પાણીના કન્ટેનરમાં મૂકો. જીલેટિન જાડું થાય ત્યાં સુધી હલાવો તરત જ એક્ટિવેટેડ ચાર્કોલ પાઉડર, ટી ટ્રી ઓઇલ અને થોડું મધ જીલેટિનમાં મિક્સ કરો. આ પીલ ઓફ માસ્ક ચહેરા પર લગાડો. એ સુકાઈ જાય એટલે ચહેરો ધોઈ મોઇશ્ચરાઇઝર લગાડો. બ્લેકહેડ્સ દૂર કરવા તમે એક્ટિવેટેડ ચાર્કોલ પાઉડર અને મધ મિક્સ કરી પણ લગાડી શકો.

ચહેરાના ડાઘ દૂર કરો

ચહેરા પરથી ડાઘ અને એકને સ્કાર્સ દૂર કરવા માટે પણ એક્ટિવેટેડ ચાર્કોલ ઉપયોગી છે. એકને સ્કાર્સ પરના મૃતકોષો દૂર કરી એ ત્વચાને ચમક આપે છે. એક બાઉલમાં એક્ટિવેટેડ ચાર્કોલ પાઉડર, એક ટેબલસ્પૂન મુલતાની માટી અને થોડું પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. તેમાં ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટ ચહેરા પર પાંચ મિનિટ ઘસી થોડી વાર રહેવા દો. હૂંફાળા પાણીથી ચહેરો દોઈ મોઇશ્ચરાઇઝર લગાડો.

એક્ટિવેટેડ ચાર્કોલ એકને યુક્ત ત્વચા માટે અકસીર ઉપાય છે. એ ત્વચાને ગંદકી, ફોલ્લીઓ થતાં જર્મ્સથી સાફ કરે છે અને એકનેને કારણે આવતાં સોજાને પણ ઘટાડે છે. એક નાના બાઉલમાં એક કેપ્સ્યુલ એક્ટિવેટેડ ચાર્કોલ, એક ટેબલસ્પૂન એલોવેરા જેલ અને એક ટીપું ટી ટ્રી ઓઇલ મિક્સ કરો. આ પેસ્ટ ચહેરા પર લગાડી પાંચ મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરો.

ત્વચાનાં છિદ્રો દૂર કરે

ખુલ્લાં છિદ્રોને કારણે એકને અને બ્લેકહેડ્સ થવાની શક્યતા વધી જાય છે. એને કારણે ત્વચા ડલ અને વૃદ્ધ લાગે છે. એક્ટિવેટેડ ચાર્કોલથી પહોળાં થયેલા છિદ્રો સંકોચાય છે. એક્ટિવેટેડ ચાર્કોલ, મુલતાની માટી, બેકિંગ સોડા, કોપરેલ ૧/૨-૧/૨ ટીસ્પૂન લઈ પાણી નાંખી પેસ્ટ બનાવો. આ માસ્ક ચહેરા પર લગાડી બરાબર ઘસો. પાંચ મિનિટ બાદ ચહેરો ધોઈ મોઇશ્ચરાઇઝર લગાડો.

અન્ડર આર્મ્સ

ડાર્ક અન્ડર આર્મ્સને કારણે તમે સ્લીવલેસ આઉટફિટ્સ પહેરતાં નથી? તો હવે ચિંતા ન કરો. એક્ટિવેટેડ ચાર્કોલ સારો ઘરેલું ઉપચાર છે. એક બાઉલમાં એક ટેબલસ્પૂન એક્ટિવેટેડ ચાર્કોલ, બે ટેબલસ્પૂન મધ દસ મિનિટ રહેવા દો. ત્યાર બાદ ધોઈ નાંખો. અઠવાડિયે એક વાર આ પ્રયોગ કરો.

આઇ મેકઅપ

કેમિકલયુક્ત આઇલાઇનર કે મસ્કરાને થોડી વાર અલવિદા કહો. એને બદલે ખૂબસુરત આંખ માટે એક્ટિવેટેડ ચાર્કોલમાંથી ઘરે જ આઇ પ્રોડક્ટ બનાવો. એક બાઉલમાં એક-બે ટેબલસ્પૂન એક્ટિવેટેડ ચાર્કોલ પાઉડર, બે ટેબલસ્પૂન કોપરેલ અને ચાર ટેબલસ્પૂન એલોવેરા જેલ મિક્સ કરો. મારકણી આંખોનું રહસ્ય તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter