ચહેરા પરની કોઇ પણ જવેલરી તમારી સુંદરતામાં - તમારું વ્યક્તિત્વ નિખારવામાં મદદ કરે છે. આમ જોવા જઈએ તો માર્કેટમાં ડાયમંડથી માંડીને ગોલ્ડ અને સિલ્વરથી માંડીને ઓક્સોડાઈઝ એમ અલગ અલગ પ્રકારની જવેલરી અવેલેબલ છે. સોનાના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને યંગ જનરેશનમાં ગોલ્ડને બદલે રૂટિનમાં સિલ્વર જવેલરી પહેરવાનો ટ્રેન્ડ વધ્યો છે. એમાંય સૌથી વધારે સિલ્વર એરિંગ્સની ડિમાન્ડ વધી રહી છે. એને ધ્યાનમાં રાખીને બજારમાં સિલ્વર એરિંગ્સની નિતનવી ડિઝાઈન અવેલેબલ છે. પરિણામે યુવતીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે સિલ્વર એરિંગ્સને કેવા પ્રકારનાં આઉટફિટ સાથે કેરી કરવાથી પરફેક્ટ લુક મેળવી શકાય! તો આવો આજે આપણે જાણીએ કે સિલ્વર એરિંગ્સને કેવી રીતે સ્ટાઇલ કરવી જોઇએ.
ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ
ઈન્ડો વેસ્ટર્નથી લઈને દેશી લુક દરેકની સાથે સિલ્વર એરિંગ્સને પેર કરી શકાય છે. ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં સિલ્વર જવેલરી કેરી કરો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કુરતામાં ગોલ્ડન એમ્બ્રોઇડરી ન હોય, નહીંતર આ દેખાવમાં જરાય સારી નહીં લાગે અને સમગ્ર લુક ખરાબ થઈ જશે. લાઈટ શેડના સિલ્ક પેટર્નવાળા કુરતા સાથે આ પ્રકારની જવેલરી મેચ કરી શકાય છે. ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં સિલ્વર ગોટાપટ્ટી અથવા સિલ્વર એમ્બ્રોઇડરી કરી હોય તો તો બેસ્ટ લાગશે.
એથનિક આઉટફિટ
સિલ્વર એરિંગ્સ એથનિક આઉટફિટ માટે પરફેક્ટ છે. એમાં લોંગ એ-લાઇન કુરતી હોય અથવા અનારકલી સાથે પેર કરી શકો છો. લોંગ સિલ્વર એરિંગ્સમાં અત્યારે ડિફરન્ટ ડિઝાઈન અને પેટર્ન અવેલેબલ છે. જેમાં પક્ષીઓથી માંડી પ્રાણી અને વિવિધ દેવતાઓને સરસ રીતે એરિંગ્સમાં નિખારવામાં આવે છે. આ પ્રકારના એરિંગ્સ એથનિક આઉટફિટમાં એલિગન્ટ લુક આપે છે. વ્હાઈટ અને બ્લેક રંગનાં આઉટફિટ સાથે તમારી મનગમતી સ્ટાઇલ કરી શકો છો. એની સાથે સિલ્વર કલરની એક્સેસરીઝ સુંદર લાગે છે.
ટ્રાયબલ એરિંગ્સ
ટ્રાયબલ એરિંગ્સને અનેક ધાતુઓમાં જોઈ શકાય છે. એમાં સિલ્વરનો પણ સમાવેશ થાય છે. આ આદિવાસી અને બંજારાની જવેલરી છે. એના જેવી ડિઝાઈનને સિલ્વર એરિંગ્સમાં બનાવવામાં આવી છે. એમાં એરિંગ્સની અનેક ડિઝાઈન આવે છે. જેમાંથી અમુકમાં મોતી પણ લાગેલાં હોય છે. આ એરિંગ્સને તમે અલગ અલગ અવસર પર પહેરી શકો છો અને અનેક વેસ્ટર્ન કપડાંની સાથે પણ કેરી કરી શકો છો.
ચાંદબાલિયાં
દીપિકા પાદુકોણ, કરીના કપૂર જેવી અનેક એક્ટ્રેસના કાનમાં તમે બાલિ તો જોઈ જ હશે. આ બાલિઓમાં શિલ્પકારીથી બનેલ ડિઝાઈન હોય છે. ચાંદબાલિ પહેરવાથી એથનિક અને ગ્લેમર્સ બંને લુક મળે છે. આને તમે રૂટિનમાં અને કોઈ અવસર ઉપર પણ પહેરી શકો છો અને તમારા વ્યક્તિત્વને નિખારી શકો છો.
ઝૂમકા
ટ્રેડિશનલ ઈન્ડિયન એરિંગ્સમાં ઝૂમકા ટ્રેન્ડમાં છે. જોકે, હવે એમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. ખાસ કરીને એની ડિઝાઈનમાં ભારતનું સુંદર શિલ્પ કૌશલ્ય અને ખાસ રંગને સામેલ કરવામાં આવ્યાં છે. ઝૂમકાને તમે કુરતી અને સાડી સાથે પહેરી કરી શકો.