એવરગ્રીન છે ફ્લોરલ પ્રિન્ટ

Tuesday 23rd June 2026 09:26 EDT
 
 

ફ્લોરલ પ્રિન્ટ એ એક એવી પ્રિન્ટ છે જે તમારા વસ્ત્રોને આગવો દેખાવ આપે છે અને તમારા વ્યક્તિત્વને તાજગીપૂર્ણ નિખાર આપે છે. આ એવરગ્રીન પ્રિન્ટ છે, પણ મોટાભાગની ફેશનપરસ્ત યુવતીઓએ તેને ગરમીની શરૂઆતમાં તેમજ ઉનાળામાં પહેરવાનું પસંદ કરે છે. આ પ્રિન્ટની વિશેષતા એ છે કે તેને કેઝ્યુઅલથી લઈને અને પાર્ટીઓ વગેરેમાં સરળતાથી પહેરી શકાય છે. એટલું જ નહીં, ફ્લોરલ પ્રિન્ટમાં સ્ટાઈલ, કલર અને પેટર્નના વિકલ્પોની પણ કોઈ કમી નથી. તમારે ફક્ત તમારા શરીરના બાંધા અને પ્રસંગને ધ્યાનમાં રાખીને પ્રિન્ટને યોગ્ય રીતે સ્ટાઇલ કરવાની રહે છે. જો તમે તમારા લુકને તાજગીસભર દેખાવ આપવા માગતા હો, તો ફ્લોરલ પ્રિન્ટ પહેરવાનો વિકલ્પ સારો વિચાર બની શકે છે.

ફ્લોરલ પ્રિન્ટ બ્લાઉઝ
જો તમે તમારા લુકમાં ફ્લોરલ પ્રિન્ટને મિનિમલિસ્ટ રીતે સ્ટાઈલ કરવા માગતા હો, તો તમે ફ્લોરલ પ્રિન્ટને એથનિક વેર તરીકે પસંદ કરી શકો છો. દાખલા તરીકે, જો તમે પ્લેન સોલિડ કલરની સાડીને તમારા લુકનો ભાગ બનાવી રહ્યા છો, તો તેની સાથે ફ્લોરલ પ્રિન્ટનું બ્લાઉઝ લઈ શકાય છે. આ રીતે તમારા દેખાવમાં વધારો થશે. આ પ્રકારના બ્લાઉઝમાં, તમારે સ્લીવ્ઝમાં ફ્લોરલ પ્રિન્ટ દેખાય તેવો પ્રયાસ કરવો જોઈએ. તમારા દેખાવને પૂર્ણ કરવા માટે, મેકઅપ અને એસેસરીઝનાં મિનિમલિસ્ટ ઓપ્શન રાખો.

ફ્લોરલ પ્રિન્ટ સાડી
એથનિક વસ્ત્રોમાં તમે માત્ર ફ્લોરલ પ્રિન્ટના બ્લાઉઝ પહેરો તે જરૂરી નથી. તમે ઇચ્છો તો ફ્લોરલ પ્રિન્ટની સાડી પણ સ્ટાઇલ કરી શકો છો. જોકે, જ્યારે તમે ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરો છો, તો ધ્યાનમાં રાખો કે સાડીના રંગો એકદમ ફૂલોના રંગ સાથે મેચ થતા હોય એવા હોવા જોઈએ, જેથી તમારો દેખાવ પણ ભવ્ય લાગે. તમે ઇચ્છો તો મિક્સ એન્ડ મેચ લુકમાં ફ્લોરલ પ્રિન્ટમાં લીફ પેટર્ન પણ કેરી કરી શકો છો. મેચિંગ બ્લાઉઝ કે પ્લેન સોલિડ કલરના બ્લાઉઝ બંને આ પ્રકારની સાડી સાથે સારા લાગે છે.

ફ્લોરલ પ્રિન્ટેડ બ્લેઝર
જો તમે સ્ટાઇલિશ લુક મેળવવા માટે ફ્લોરલ પ્રિન્ટ પહેરવા ઇચ્છતા હો તો ફ્લોરલ પ્રિન્ટનું બ્લેઝર પહેરવાનું વિચારો. આ લુકમાં જીન્સ ટોપ સાથે બ્રાઈટ કલરનું ફ્લોરલ પ્રિન્ટ બ્લેઝર લેયર કરો. આ રીતે તમારા દેખાવમાં તાજગી આવે છે. તમારા દેખાવને પૂર્ણ કરવા માટે તમે ઘડિયાળ અને પેન્ડન્ટને સ્ટાઇલ કરી શકો છો.
 
ફ્લોરલ પ્રિન્ટ દુપટ્ટા
જો તમને એથનિક વસ્ત્રો પહેરવાનું પસંદ હોય તો ફ્લોરલ પ્રિન્ટના દુપટ્ટાને સ્ટાઇલ કરવાનો પ્રયાસ કરો. તમે આવો દુપટ્ટો સાદા સફેદ સલવાર સુટ સાથે પણ પહેરી શકો છો. આ એક એવો લુક છે, જે માત્ર પ્રસંગમાં જ નહીં પરંતુ કોઈપણ ગેટ ટુગેધરમાં પણ સારો લાગે છે. પાર્ટીઓમાં આ લુકમાં બંગડીઓ, ઝુમકા કે ચાંદબાલી પહેરી શકો છો.

ફેશનેબલ ફ્લોરલ
જો માનુનીઓને ડ્રેસ, લહેંગા અથવા તો આધુનિક શૈલીના આઉટફિટ પહેરવાનો શોખ હોય તો પણ એમાં ફ્લોરલ પ્રિન્ટના અલગ અલગ વિકલ્પો મળી આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter