ભારતમાં અમુક શહેર એવાં છે જે, આઇટી હબ તરીકે ઓળખાય છે. એમાં બેંગ્લૂરુનો સમાવેશ પણ થાય છે. આ શહેર લાખો યુવાઓનાં સપનાં પૂર્ણ કરે છે અને તેમને નવાં સપનાં પણ આપે છે. બેંગ્લૂરુની શાલિની સરસ્વતીએ પણ સામાન્ય યુવક-યુવતીઓની જેમ જીવનમાં આગળ વધવાનાં સપના જોયાં હતાં. તે પોતે ભરતનાટયમ્ ડાન્સર હતી સાથે કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. તેણે પ્રશાંત સાથે લગ્ન કર્યા હતાં. 2012માં શાલિની પતિ પ્રશાંત સાથે કંબોડિયા મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવા ગઇ હતી. આ દરમિયાન તે પ્રેગ્નન્ટ હતી. લાઇફ સારી ચાલી રહી હતી. જીવનમાં એને જે જોઈતું હતું એ મળી રહ્યું હતું અને હવે માતા બનવાનું સપનું સાકાર થવાનું હતું. શાલિની અને પ્રશાંત બન્ને ખૂબ ખુશ હતા. જોકે દરેક વ્યક્તિની લાઇફ સીધી સરળ રીતે ચાલતી નથી, ઘણી વખત અકલ્પનીય ઘટના બની જતી હોય છે.
કંબોડિયાથી પરત ફર્યાના થોડા દિવસ પછી શાલિની બીમાર પડી ગઈ. તેનો તાવ ઊતરવાનું નામ લેતો નહોતો. અનેક ટેસ્ટના અંતે ખબર પડી કે શાલિનીને ગંભીર બેક્ટેરિયલ ઈન્ફેક્શન થયું છે. આ ઈન્ફેક્શનના કારણે તેના હાથ-પગ સડવા લાગ્યા હતા. આ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન દસ હજારે એકાદ વ્યક્તિને માંડ થતું હોય છે. શાલિની ઘણા દિવસ સુધી આઇસીયુમાં રહી. સારવાર દરમિયાન તેણે પોતાના બાળકને પણ ગુમાવી દીધું, તેની પોતાની બચવાની આશા પણ ફક્ત પાંચ ટકા જ હતી. ડોક્ટરોએ પણ હાર માની લીધી હતી, પરંતુ શાલિનીની જિજીવિષાએ તેને બચાવી લીધી. જોકે ઇન્ફેક્શનને શરીરના અન્ય ભાગમાં ફેલાતું અટકાવવા તેના બન્ને હાથ અને પગ કાપવા પડયા.
કોઇ પણ વ્યક્તિ સામાન્ય જીવન જીવતું હોય અને અચાનક હાથ-પગ વગર જીવવાનું આવે તો કેવો આઘાત લાગે? શાલિનીને પણ આવો જ આઘાત પણ લાગ્યો. જોકે શાલિનીએ અણધાર્યા આવી પડેલા દુઃખને પચાવી પાડી ફરીથી બેઠા થવાનું નક્કી કર્યું. તેણે કૃત્રિમ પગનો ઉપયોગ કર્યો અને ચાલવાની પ્રેક્ટિસ કરવા લાગી.
સામાન્ય પગ સાથે ચાલવું અને કૃત્રિમ પગ સાથે ચાલવામાં બહુ મોટો તફાવત છે. હાથ-પગ વગર આગળનું જીવન કેવી રીતે જીવવું એ તેના માટે યક્ષ પ્રશ્ન હતો. તેમ છતાં નાના બાળકની જેમ તેણે પા પા પગલી માંડવાનું શરૂ કર્યું. શાલિની કહે છે કે, ‘હું કૃત્રિમ પગ સાથે પહેલી વખત બેંગ્લૂરુના કાંતીરવા સ્ટેડિયમમાં ગઇ હતી. ત્યાં કોચ બીપી અય્યપ્પાને મળી. મારું ધ્યેય માત્ર એટલું જ હતું કે હું ફરીથી સામાન્ય રીતે ચાલી શકું. મેં જીવનમાં ક્યારેય એથ્લેટિક ઇવેન્ટમાં ભાગ લેવાનું નહોતું વિચાર્યું. કારણ કે હું ડાન્સર હતી, કલાપ્રેમી જીવ હતી.’
કોચ બી.પી. અયપ્પાએ પહેલાં ક્યારેય કોઈ વિકલાંગને તાલીમ આપી નહોતી. હું સામાન્ય છું એવો અહેસાસ કરાવીને પહેલાં તેમણે ચાલવાનું અને પછી તો દોડવાનું શરૂ કરાવ્યું. હું દોડતા શીખી. 2016 અને 2017માં સતત બે વર્ષ સુધી ટીસીએસ રનમાં ભાગ લીધો. એ પછી અમે રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાનો દૃઢ નિર્ધાર કર્યો. આ માટે પગમાં બ્લેડ પહેરીને દોડવા પર રિસર્ચ કર્યું. એક દોડવીર માટે શરૂઆત બહુ મહત્ત્વપૂર્ણ હોય છે, તેથી પહેલાં પહેલાં તો બહુ સંઘર્ષ કરવો પડ્યો. અમે વિવિધ ટેક્નીક અપનાવી, જેથી મને દોડવામાં સરળતા રહે. આમાં ઘણી ટેક્નીકમાં નિષ્ફળતા પણ મળી.
છેવટે નવ વર્ષની મહેનત બાદ હું એશિયાઇ ગેમ્સમાં ભાગ લઇ શકી. આ દરમિયાન શાલિની 100 મીટર સ્પ્રિન્ટ શ્રેણીમાં નેશનલ પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા બની હતી. એ પછી એમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ઘણા પ્રયત્નોને અંતે શાલિની ભારતની પહેલી મહિલા બ્લેડ રનર બની. જોકે આ પછી તેણે ક્યારેય પાછું ફરીને જોયું નથી.
શાલિનીએ ચીનના હોંજોમાં એશિયાઈ પેરા ગેમ્સ 2023માં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ટી-12 કેટેગરીમાં બ્લેડ પર સૌથી ઝડપથી દોડનાર મહિલાનો એશિયાઈ રેકોર્ડ ધરાવે છે. ઉપરાંત શાલિની રાષ્ટ્રીય સ્તરની એથ્લીટ, મેરેથોન રનર, મોટિવેશનલ સ્પીકર અને એક કંપનીમાં સ્ટ્રેટેજી એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન હેડ પણ છે.
ભારતમાં વિકલાંગ લોકોની સ્થિતિ અંગે જણાવતાં શાલિની સરસ્વતી કહે છે કે, સમાજમાં આજે પણ વિકલાંગોનો સહજ રીતે સ્વીકાર કરાતો નથી. દરેક જગ્યાએ વિકલાંગ લોકોને નજરઅંદાજ કરવામાં આવે છે. જ્યાં સુધી બધાને એક સમાન માનવામાં નહીં આવે ત્યાં સુધી સમાજમાં સાચું પરિવર્તન નહીં આવે. વિકલાંગ વ્યક્તિઓ માટે સરકાર તરફથી અનેક યોજનાઓ બનાવવામાં આવી છે, તેમ છતાં તેનો અમલ હજુ યોગ્ય પ્રમાણમાં થઇ રહ્યો નથી. પરિણામે વિકલાંગ લોકો સમાજ માટે કલંક હોય એ રીતે તેમને ટ્રીટ કરવામાં આવે છે.


