આધુનિક યુગમાં સુંદરતા અને ત્વચાની સંભાળ માટે વિજ્ઞાનનો આ ઉપયોગ વધ્યો છે. ઓક્સિજન ફેસિયલ એ માત્ર બ્યૂટી ટ્રીટમેન્ટ નથી, પરંતુ એક એવી 'સ્કિન થેરાપી’ છે, જે ત્વચાને કોષોના સ્તર સુધી જઈને પોષણ આપે છે.
ઓક્સિજન ફેસિયલ પાછળનું વિજ્ઞાન જોઇએ તો, આપણી ત્વચાને જીવંત રહેવા અને રિપેર થવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. વધતા પ્રદૂષણને કારણે ત્વચાનાં છિદ્રો બંધ થઈ જાય છે અને ઓક્સિજનનું સ્તર ઘટે છે. પરિણામે ત્વચા ફિક્કી અને નિર્જીવ લાગે છે. ઓક્સિજન ફેસિયલમાં મશીન દ્વારા 90 ટકાથી 95 ટકા શુદ્ધ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ શુદ્ધ ઓક્સિજન દબાણ સાથે ત્વચા પર છોડવામાં આવે છે, ત્યારે તે ત્વચાના અંદરના પડ સુધી પહોંચીને લોહીનું પરિભ્રમણ વધારે છે.
પ્રક્રિયાના મુખ્ય તબક્કાઓ
આ ફેસિયલ સામાન્ય રીતે 30થી 60 મિનિટ ચાલે છે. જેના વિવિધ તબક્કા જોઇએ તો,
• પૂર્વ તૈયારી: સૌ પ્રથમ ચહેરા પરથી મેકઅપ અને તેલ દૂર કરવા માટે માઇલ્ડ ક્લીન્ઝરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્વચાના મૃત કોષો દૂર કરવા માટે હળવું સ્ક્રબિંગ કરવામાં આવે છે.
• સીરમ સિલેક્શન: તમારી ત્વચાની જરૂરિયાત મુજબ સીરમ પસંદ કરવામાં આવે છે. જો ત્વચા ડ્રાય હોય તો હાયલ્યુરોનિક એસિડ, જો ડાઘ-ધબ્બા હોય તો વિટામિન C અને જો ત્વચા પર કરચલીઓ હોય તો એન્ટી-એજિંગ સીરમ વપરાય છે.
• ઓક્સિજન ઇન્ફયુઝન: એક હેન્ડહેલ્ડ મશીન દ્વારા ઠંડા અને શુદ્ધ ઓક્સિજન સીરમને ત્વચા પર સ્પ્રે કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ચહેરા પર ઠંડકનો અનુભવ થાય છે.
• મસાજ અને પેક: અંતમાં, ત્વચામાં રહેલા સીરમને સ્થિર કરવા માટે હળવો મસાજ કરવામાં આવે છે અને મોઇશ્ચરાઈઝિંગ માસ્ક લગાવવામાં આવે છે.
• સેલ ટર્નઓવર (નવા કોષોનું નિર્માણ): આપણી ત્વચા સતત નવા કોષો બનાવે છે. ઓક્સિજન આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જેથી ઈજા પામેલી ત્વચા જલદી સાજી થાય છે.
• ત્વરિત હાઈડ્રેશનઃ જો તમારી ત્વચા વારંવાર ખેંચાતી હોય અથવા સૂકી લાગતી હોય, તો આ ફેસિયલ ત્વચાના ઊંડા સ્તર સુધી ભેજ પહોંચાડે છે. જેનાથી ચહેરો પ્લમ્પ (ભરેલો) અને કોમળ લાગે છે.
ઓક્સિજન ફેસિયલ ટ્રીટમેન્ટના ફાયદા
આ ટ્રીટમેન્ટનું સૌથી મોટું જમા પાસું એ છે કે આની કોઈ આડઅસર નથી. કેમિકલ પીલ્સ કે લેસર ટ્રીટમેન્ટમાં ક્યારેક લાલાશ કે બળતરા થાય છે, પરંતુ ઓક્સિજન ફેસિયલમાં આવી કોઈ સમસ્યા થતી નથી. સંવેદનશીલ ત્વચા માટે આ શ્રેષ્ઠ છે.
વળી, આ ફેસિયલ પછી ત્વચા એટલી સ્મૂધ થઈ જાય છે કે મેકઅપ ખૂબ જ સારી રીતે સેટ થાય છે. એટલે જ લગ્ન પહેલાં છોકરીઓ આ ફેસિયલ કરાવવાનું વધુ પસંદ કરે છે.
અને ત્વચાનું ડિટોક્સિફિકેશન. ઓક્સિજન ત્વચામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે પ્રદૂષણની અસરને નાબૂદ કરે છે. ત્વચાના અંદરના પડ સુધી પહોંચીને લોહીનું પરિભ્રમણ વધારે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
આ ફેસિયલ સુરક્ષિત છે, આમ છતાં સહુ કોઇએ કેટલીક વાતો જાણી લેવી જોઈએ.
• અસરનો સમયગાળો: આ ફેસિયલની અસર સામાન્ય રીતે 6થી 7 દિવસ સુધી રહે છે. લાંબા ગાળાના પરિણામ માટે દર મહિને એક સેશન લેવું જરૂરી છે.
• ઘરેલુ સંભાળ: ફેસિયલ પછી તરત જ આકરા તડકામાં જવાનું ટાળવું જોઈએ અને સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
• એલર્જી: જો તમને કોઈ ચોક્કસ સીરમ કે વિટામિનની એલર્જી હોય, તો બ્યુટીશિયનને અગાઉથી જાણ કરવાનું તમારા હિતમાં છે.
શું ઘરે ઓકિસજન ફેસિયલ કરી શકાય?
બજારમાં ‘ઓક્સિજન કિટ્સ' ઉપલબ્ધ તો છે, પરંતુ પ્રોફેશનલ ક્લિનિકમાં જે પ્રેશર મશીન વપરાય છે તેવી હાઇ ટેક ટ્રીટમેન્ટ ઘરે મળવી મુશ્કેલ છે. મશીન દ્વારા ઓક્સિજન જે ઊંડાઈ સુધી પહોંચે છે તે હાથથી લગાવેલા ક્રીમ દ્વારા શક્ય નથી. જો તમે કોઈ પણ પ્રકારની પીડા કે કેમિકલ વગર ત્વચાને કુદરતી રીતે ચમકતી બનાવવા માંગતા હો તો ઓક્સિજન ફેસિયલ એક ઉત્તમ રોકાણ છે. તે તમારી ત્વચાને શ્વાસ લેવાની તક આપે છે અને તેને અંદરથી પુનર્જીવિત કરે છે.


