ઓલ ઈન્ડિયા રેડિયોની પ્રથમ ઉદઘોષિકા : સઈદા બાનો

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Monday 06th November 2023 07:09 EST
 
 

નમસ્કાર.. આકાશવાણીના કેન્દ્ર પર આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રકારે છે.... ઓલ ઇન્ડિયા રેડિયો પરથી આ પ્રકારે પ્રસારિત કરાતા સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ પહેલી વાર આકાશવાણી પર સમાચાર વાંચનાર મહિલાને જાણો છો ?
એનું નામ સઈદા બાનો... ઓલ ઈન્ડિયા રેડિયોની પ્રથમ ઉદઘોષિકા. ૧૩ ઓગસ્ટ ૧૯૪૭ના સવારે આઠ વાગ્યે રેડિયો પરથી પ્રસારણ થયું ત્યારે સઈદા બાનોએ ઓલ ઇન્ડિયા રેડિયોના ઉર્દૂ ન્યૂઝ બુલેટિનની પહેલી મહિલા સમાચારવાચક તરીકે શ્રોતાઓને આશ્ચર્યચકિત કરી દીધેલાં. કારણ કે, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ એજન્સી-બીબીસીએ પણ ક્યારેય કોઈ મહિલાને ન્યૂઝરીડર તરીકે નિયુક્ત કરી નહોતી. ઓલ ઇન્ડિયા રેડિયોની પ્રથમ સમાચારવાચક બનીને એણે ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપી દીધો. ઉર્દૂ પ્રસારણ જગતમાં આજે પણ
સઈદા બાનોનું નામ ‘બીબી’ તરીકે આદરથી લેવાય છે !
સઈદા બાનોનો જન્મ ૧૯૨૦માં ભોપાલમાં થયેલો. એનું જીવન ભોપાલ અને લખનઉમાં વીત્યું. એ પાંચ વર્ષની થઈ ત્યારે, ૧૯૨૫માં પિતાએ લખનઉની કરામત હુસૈન મુસ્લિમ ગર્લ્સ હાઈસ્કૂલમાં એને ભણવા બેસાડી. શાળાકીય શિક્ષણ પૂરું થયા પછી સઈદા લખનઉની પ્રતિષ્ઠિત ઈસાબેલા થોબર્ન કોલેજમાંથી સ્નાતક થઈ. સઈદા બાનો આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ પિતાએ લખનઉના અબ્બાસ રઝા સાથે એનાં નિકાહ નક્કી કરી દીધા. સઈદાને નિકાહ કરવામાં દિલચસ્પી નહોતી. આત્મકથા ‘ડગર સે હટકર’ મુજબ અબ્બાસ રઝાના પ્રેમપત્રોના જવાબમાં સઈદા એ ઉપન્યાસોના નામ મોકલતી જે એ વાંચતી હોય. આ પ્રકારના વર્તન દ્વારા એ અબ્બાસને સંકેત આપતી હતી કે પોતાને નિકાહ પઢવામાં નથી રસ ને નથી રુચિ.
સઈદાએ લગ્ન ન કરવા માટે પોતાના પિતાને પણ ચાર પાના ભરીને લાંબો પત્ર લખેલો. પથ્થર પર પાણી. સઈદા અને અબ્બાસનાં ૧૪ નવેમ્બર ૧૯૩૨ના નિકાહ થયા. અબ્બાસ રઝા ન્યાયાધીશ હતા. જોકે ન્યાયાધીશ હોવા છતાં અબ્બાસ સઈદા સાથે ન્યાય ન કરી શક્યા. સઈદાના શબ્દોમાં કહીએ તો, હૈયું રડતું હોય ને હોઠ હસતા હોય.....
મશહૂર ગાયિકા બેગમ અખ્તર સાથે સઈદાની ગાઢ મૈત્રી હતી. લખનઉના કુલીન પરિવારના બેરિસ્ટર ઈશ્તિયાક અબ્બાસી સાથે બેગમ અખ્તરના લગ્ન કરાવવામાં સઈદાનું મહત્વપૂર્ણ યોગદાન હતું. સઈદાએ બેગમ અખ્તરનાં લગ્ન તો કરાવ્યાં, પણ એનું પોતાનું દાંપત્ય ખોરંભે ચડ્યું. સઈદા બાનો પોતાને પરંપરાગત માળખામાં બાંધી શકતી નહોતી. ભોપાલની તુલનામાં લખનઉ પુરુષ પ્રધાન નવાબોનું શહેર હતું. એવા સામાજિક પરિવેશમાં સઈદા સહજ નહોતી. આખરે લગ્નની નાવ ડૂબી ગઈ. ૧૯૪૭માં સઈદા અને અબ્બાસ છૂટાં થયાં. પોતાનું ગુજરાન ચલાવવા અને બે દીકરાનું સારી રીતે પાલનપોષણ કરવાના હેતુથી સઈદા ૧૦ ઓગસ્ટ ૧૯૪૭ના લખનઉથી દિલ્હી આવી.
સઈદાએ કામની શોધ આરંભી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઉર્દૂ સમાચારવાચક તરીકેની નોકરી માટે અરજી કરી. પંડિત જવાહરલાલ નેહરુની બહેન વિજયલક્ષ્મી પંડિતને પત્ર લખીને પોતાની અરજી અંગે જણાવ્યું. વિજયલક્ષ્મી સાથે સઈદાનાં બહેનપણાં હતાં. એણે વિજયલક્ષ્મીને નોકરી માટે કરેલી અરજી અંગે જણાવ્યું. પ્રતિભાશાળી સઈદાને આકાશવાણીના દિલ્હી કાર્યાલયમાં નોકરી મળી ગઈ. ૧૩ ઓગસ્ટ ૧૯૪૭ના સઈદાએ પોતાનું પહેલું ન્યૂઝ બુલેટીન વાંચવાનું હતું. એ માટે સવારે છ વાગ્યે એણે આકાશવાણી પહોંચવાનું હતું. અને આઠ વાગ્યે ઉર્દૂમાં બુલેટિન વાંચવાનું હતું. બરાબર આઠ વાગ્યે સઈદાએ બુલેટિન વાંચ્યું અને એ સાથે ઓલ ઇન્ડિયા રેડિયોની પહેલી ઉદઘોષિકા બની ગઈ. સઈદાના સૂરીલા કંઠની તારીફ થઈ.
જાતજાતના અનુભવો વચ્ચે સઈદા બાનોએ આકાશવાણીમાં કામ કર્યું. ૧૯૬૫માં સમાચારવાચક તરીકે સઈદા સેવાનિવૃત્ત થઈ. પછી આકાશવાણીમાં ઉર્દૂ સેવાના નિર્માતા તરીકે એની નિયુક્તિ કરાઈ. ૧૯૭૦માં આકાશવાણીમાંથી સઈદા સેવાનિવૃત્ત થઈ. ૧૯૯૪માં સઈદાએ ઉર્દૂમાં ‘ડગર સે હટકર’ નામે સંસ્મરણો લખ્યાં.
૨૦૦૧માં સઈદા મૃત્યુ પામી. સઈદાની પૌત્રી શહાના રઝાએ દાદીના જીવનનો સાર એક જ વાક્યમાં વર્ણવતાં કહેલું કે, ‘એ પોતાનું જીવન જીવતી હતી, પોતાનું ખાણું ખાતી હતી, વાહન ચલાવી શકી ત્યાં સુધી ગાડી ચલાવતી હતી, એકલી રહેતી હતી અને એક રાણીની જેમ આનંદ કરતી હતી !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter