ઓળખ જાળવવા માટે મહિલાઓમાં લગ્ન બાદ પણ અટક યથાવત્ રાખવાનો ટ્રેન્ડ

Thursday 12th May 2022 06:49 EDT
 
 

લંડન: મહિલાઓને ખરા અર્થમાં સ્વતંત્ર ક્યારે ગણી શકાય? તેના જવાબમાં લગ્ન બાદ અટક બદલવાની કે ન બદલવાની સ્વતંત્રતાને પણ ગણવામાં આવે છે. વાસ્તવમાં, બ્રિટનમાં લગ્ન બાદ મહિલાઓમાં પતિની અટક અપનાવવાના બદલે પોતાની જ અટક જાળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેથી તેઓની ઓળખ યથાવત્ રહે. રસપ્રદ વાત એ છે કે કોરોના મહામારી દરમિયાન આ પ્રકારની અરજીમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
અરજીમાં મોટા ભાગની મહિલાઓ પોતાની અટકનો મિડલ નેમ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી માંગી રહી છે. જ્યારે, પતિની અટકને તેની પાછળ ઉપયોગમાં લઇ રહી છે. સામાન્યપણે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત સહિત વિશ્વભરમાં પતિની અટકની સાથે પોતાની અટકનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. પેરાલીગલ ફર્મના ડીડ પોલનું માનવું છે કે, ગત વર્ષે આ પ્રકારની અરજીમાં વધુ ઉછાળો આવ્યો છે, જે એક દાયકામાં સૌથી વધુ છે. નિષ્ણાતો મહિલાઓમાં જોવા મળેલા આ ટ્રેન્ડ પાછળ લોકડાઉનને કારણ ગણાવે છે.
તેઓનું કહેવું છે કે લોકડાઉનમાં મહિલાઓને વધુ નવરાશ મળી હતી. આ નવરાશની પળોમાં મહિલાઓએ પોતાના નવા નામ માટે ડોક્યુમેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. મહિલાઓમાં વધતી આત્મનિર્ભરતા તેમજ સમર્પણની સાથે ભાગીદારીની ભાવના પણ એક કારણ છે. સમલૈંગિક યુગલોએ પણ અલગ થવા છતાં મિડલ નેમ જાળવી રાખવા માટે અરજી કરી હતી. અલગ-અલગ શહેરોમાં રહેતા હોવા છતાં, એકબીજાથી જોડાયેલા રહેવા માટે પણ આ ટ્રેન્ડને લોકો અનુસરી રહ્યા છે.
આત્મનિર્ભરતાને કારણે પોતાના નામને પ્રાધાન્ય
મહિલાઓ કામને વધુ પ્રાધાન્ય આપી રહી છે અને અનેક સ્થળે તો પતિ કરતાં વધુ વેતન પણ મેળવી રહી છે. આ વચ્ચે, લગ્ન બાદ પોતાના નામની પાછળ પતિની અટક લગાવવી કે નહીં, તેનો નિર્ણય પણ ખુદ લેવાનું પસંદ કરે છે. નિકોલા પેલત્ઝ તેનું તાજેતરનું દ્રષ્ટાંત છે. નિકોલાએ આ જ મહિનામાં બ્રુકલિન બેકહમ સાથે લગ્ન કર્યા. પોતાની અટક પણ ચાલુ રાખતા તેણે પોતાનું મિડલ નેમ બનાવ્યું. હવે નિકોલા પેલત્ઝ-બેકહમ નામ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter