જયપુરઃ કેરળની 19વર્ષની કઝિયા લિઝ મેજોએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026નો ખિતાબ જીત્યો છે. જયપુરમાં રવિવારે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં કઝિયાને વિજેતા જાહેર કરવામાં આવી. હવે તે નવેમ્બરમાં પ્યુર્ટો રિકોમાં યોજાનારી 75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
કઝિયા મૂળ કેરળના માવેલિક્કારાની વતની છે અને તેનો ઉછેર અબુધાબીમાં થયો છે. હાલમાં તે બેંગલૂરુમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે અને સાથે સાથે જ મોડલિંગમાં સક્રિય છે. કઝિયાની પેજન્ટ સફર નાની ઉંમરે શરૂ થઈ હતી. તેણે 2024માં મિસ ટીન દીવાનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2025માં મિસ ટીન ઈન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ફર્સ્ટ રનર-અપ રહી. આ વર્ષે તેણે મિસ યુનિવર્સ કેરળનો ખિતાબ પણ જીત્યો.
કઝિયા ક્લાસિકલ ડાન્સમાં માહિર છે અને મ્યુઝિકમાં ખાસ રસ ધરાવે છે. તેણે સિંગિંગ ઉપરાંત ડ્રમ્સ અને વાયોલિન વગાડવામાં નિપુણતા ધરાવે છે. તેણે મલયાલમ ફિલ્મ ‘શાયલોક’માં એક્ટિંગ પણ કરી છે. સુસ્મિતા સેન, ઐશ્વર્યા રાય, લારા દત્તા, પ્રિયંકા ચોપરા બાદ હવે કઝિયા પાસે ભારતને ટાઈટલની આશા છે.
મિસ યુનિવર્સ ઇન્ડિયા 2029માં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ ફર્સ્ટ રનર-અપ રહી. ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનર-અપ રહી હતી. ફિનાલેની જ્યુરીમાં પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ઉપરાંત ઉર્વશી રૌતેલા, સેલિના જેટલી અને અન્ય જાણીતા નામો સામેલ હતા. તેઓ કઝિયાના ગ્રેસથી મંત્રમુગ્ધ થયા હતા.


