કડિયાકામ કરનાર પ્રથમ મહિલા : સુનીતા દેવી

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Tuesday 09th April 2024 08:44 EDT
 
 

તમે ઈંટ, ચૂના અને સિમેન્ટથી ઈમારતનું ચણતર કરતાં કે ભવનનું નિર્માણકાર્ય કરતાં પુરુષ કડિયાને જોયા હશે, પણ કોઈ મહિલા કડિયાને જોઈ છે ?
સુનીતા દેવીને મળો.. કડિયાકામ કરનારી ભારતની પ્રથમ મહિલા... ઝારખંડના આદિવાસી સમાજની સુનીતા દેવી પુરુષ પ્રધાન કડિયાકામમાં પગરણ કરનારી પ્રથમ ભારતીય મહિલા છે. ઈંટ પર ઈંટ મૂકીને દીવાલો ઊભી કરીને સુનીતા દેવી ઈમારતનું ચણતર કરે છે. ઝારખંડમાં ચણતરનું કામ કરતા આવા કડિયાને રાજમિસ્ત્રી કહેવામાં આવે છે. સુનીતા દેવી મહિલા હોવાથી રાની મિસ્ત્રી તરીકે જાણીતી થઈ ગઈ છે !
સુનીતા દેવીએ ચણતરની કળા માત્ર પોતાના પૂરતી સીમિત રાખી નથી. એણે પંદરસો જેટલી મહિલાઓને નિર્માણકાર્ય માટે પ્રશિક્ષિત કરી છે. ભારત સરકારે સુનીતા દેવીને વર્ષ ૨૦૧૯માં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરીને પોંખી છે ! સુનીતા દેવી કહે છે, ‘જે રીતે રાજમિસ્ત્રી ઇંટોને જોડે છે, દીવાલ ઊભી કરે છે અને ઈમારત બનાવે છે એ પ્રકારે હું પણ એ જ કામ કરું છું. કારણ કે હું રાની મિસ્ત્રી છું !
આ સુનીતા દેવી ઝારખંડના લાતેહાર સ્થિત બાલૂમાથની નિવાસી. બારમું પાસ કર્યા પછી સુનીતાનાં લગ્ન થઈ ગયાં. અશોક ભગતને પરણીને સુનીતા રાંચીથી ઉદયપુરા ગામે આવી. પતિ બેરોજગાર હતા.. સુનીતા જંગલમાં જઈને લાકડાં કાપીને લાવતી. ભોજન બનાવતી અને ખેતરોમાં કામ કરતી. પછી ભણતી. દરમિયાન બે બાળકોની માતા બનીને રાજનીતિશાસ્ત્રમાં સ્નાતક થઈ. અનુસ્નાતક પણ થઈ. દરમિયાન, સુનીતા દેવી ગ્રામ સંગઠનની અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવી. આ અરસામાં સરકાર તરફથી શૌચાલય બનાવવાની યોજના જાહેર કરવામાં આવી. બાર હજાર રૂપિયા મળવાની જાહેરાત થયેલી. નાણાં સેલ્ફ હેલ્પ ગ્રુપને મળવાનાં હતાં. સુનીતા દેવીએ ગામમાં કેટલાં શૌચાલયની જરૂર છે એ અંગે સર્વેક્ષણ કરાવ્યું. ઘેર ઘેર શૌચાલય બનાવવાનો નિર્ણય લેવાયો. પણ ગામના કડિયાઓ-રાજમિસ્ત્રીએ આ કામ કરવાનો ઇનકાર કરી દીધો.
રાજમિસ્ત્રી કામ કરવા તૈયાર નહોતા, એટલું જ નહીં, ગામવાસીઓએ પણ દલીલ કરી કે, સરકાર તો શૌચાલય બનાવવા માત્ર બાર હજાર રૂપિયા આપવાની છે. એનાથી શું વળશે ? સુનીતા દેવી લોકોને સમજાવતી કે, ‘સરકાર સ્વચ્છતા જાળવવાના હેતુથી લોકોને આ રકમ આપીને શૌચાલય બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પણ એ માટે આપણે ખુદ કામ કરવું પડશે.’ સુનીતા દેવી માત્ર ઉપદેશ કરીને અળગી ન રહી. એણે સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલા કો-ઓર્ડિનેટરને કહ્યું કે, જો રાજમિસ્ત્રી શૌચાલય બનાવવાનો ઇનકાર કરી રહ્યા છે, તો પછી અમે મહિલાઓ શૌચાલય બનાવી શકીએ છીએ. તમે મહિલાઓને એ માટેની કેમ તાલીમ આપતાં નથી ?’ સુનીતા દેવી અને અન્ય છસાત સ્ત્રીઓએ શૌચાલય બનાવવાનું પ્રશિક્ષણ લીધું. તાલીમ બાદ પોતાની સાથે પ્રશિક્ષિત થનાર અન્ય મહિલાઓને સહાયક બનાવીને કામ શરૂ કર્યું.
સુનીતા દેવીએ શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. વર્ષ હતું ૨૦૧૬-’૧૭. સુનીતા દેવી કહે છે, ‘મેં રાની મિસ્ત્રી તરીકે કામ શરૂ કર્યું. જોકે આરંભે ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો. એક શૌચાલય બનાવવામાં છસાત દિવસ થઈ જતા. ક્યારેક દીવાલ ત્રાંસી કે વાંકી બનતી તો ક્યારેક પ્લાસ્ટર ખરાબ થઈ જતું. હાથમાં ઇંટ પકડવી, ગારા-સિમેન્ટના મિશ્રણથી એ ઇંટોને જોડવાનું કામ ઘણું અઘરું લાગતું. પણ ધીરે ધીરે હું મારા કામમાં પાવરધી થવા લાગી. કેટલાક રાજમિસ્ત્રી દીવાલનું માપ કઈ રીતે લેવું એ શીખવતા. ક્યારેક ગરબડ ક્યાં થઈ છે અને એને દૂર કઈ રીતે કરવી એ પણ કહેતા. એમના સલાહસૂચનો પર અમલ કરીને હું સફળ રાની મિસ્ત્રી બની ગઈ. ત્યાર પછી મેં પંદરસોથી વધુ મહિલાઓને પણ કડિયાકામ શીખવીને રાની મિસ્ત્રી બનાવી છે.આ મહિલાઓ માત્ર શૌચાલય નથી બનાવતી, એ લોકો ઘર પણ બનાવી રહી છે !’
ગામને સ્વચ્છ અને સ્ત્રીઓને સશક્ત બનાવનાર સુનીતા એની સફળતાને પગલે જાલિમખુર્દ પંચાયતની મુખિયા બની ગઈ. ભણતરને કારણે જ પોતે સફળ થઈ શકી છે એમ માનતી રાની મિસ્ત્રી સુનીતા દેવી જીવનમાં આગળ વધવા માટે સહુને માત્ર ત્રણ જ શબ્દનો સંદેશ આપે છે : ભણો અને ભણાવો..!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter