નવી દિલ્હી: ભારતીય નેવીના એક અધિકારીની 18 વર્ષની પુત્રી કામ્યા કાર્તિકેયને સાઉથ પોલ સુધી સ્કિઇંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સિદ્ધિ મેળવનારી તે સૌથી નાની વયની પહેલી ભારતીય અને વિશ્વની બીજી સૌથી નાની વયની મહિલા બની છે. કામ્યાએ 89 ડિગ્રી સાઉથથી શરૂ કરીને પોતાના સમગ્ર એક્સ્પેડિશનનો સામાન લઈ જતી સ્લેજને ખેંચતા સ્કિઇંગ કરતા જિયોગ્રાફિક સાઉથ પોલ સુધી પગપાળા લગભગ 115 કિમીનું અંતર કાપ્યું હતું. કામ્યાએ 27 ડિસેમ્બરે આ મુશ્કેલ અભિયાન સમાપ્ત કર્યું હતું. આ શાનદાર સિદ્ધિ હાંસલ કરવા માટે તેણે એન્ટાર્કટિકાની વિષમ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો, જેમાં તાપમાન માઈનસ 30 ડિગ્રી સુધી ઘટી જવું જવું અને ભારે તોફાની પવન સામેલ હતા. આ પહેલા કામ્યાએ સેવન સમિટ્સ ચેલેન્જ પૂરી કરી હતી અને નેપાળ તરફથી માઉન્ટ એવરેસ્ટ પર ચડનારી સૌથી નાની વયની ભારતીય અને દુનિયાની બીજી સૌથી નાની વયની મહિલા બની હતી. ભારતીય નેવીએ પણ કામ્યાની સિદ્ધિને બિરદાવી છે.


