કુલ અને કમ્ફર્ટેબલ કુર્તી

Wednesday 29th July 2026 09:22 EDT
 
 

કોલેજિયન અને નોકરિયાત યુવતીઓની ‘ઓલટાઇમ ફેવરિટ’ કુર્તી ફરી એક વખત માર્કેટમાં આવી પહોંચી છે, પરંતુ આ વરસે ડિઝાઇનરોએ તેને તદ્દન નવા રૂપ-રંગ આપ્યા છે. સામાન્ય રીતે કુર્તી એક ઢીલો અને સેમી-ફિટ, વધુ લાંબો નહિ, પણ નિતંબને આવરી લેતો પોશાક છે, પરંતુ તેનો નવો અવતાર જરા જુદો છે. હાલમાં બજારમાં મળતી કુર્તીઓ થોડી વધુ લાંબી અને બેલ્ટવાળી છે જે સ્કિન ટાઇટ જિન્સ, સ્કર્ટ અથવા ચુડી પેન્ટ સાથે પહેરી શકાય એવી છે. જિન્સ, કેપ્રીઝ અને સ્કર્ટ સાથે પહેરવા માટે કુર્તી ટી-શર્ટના પર્યાય તરીકે વપરાય છે.

પૂર્વીય દેશોની સંસ્કૃતિને ધ્યાનમાં રાખી જાણીતા ડિઝાઇનરોએ તેમના વિશાળ ક્લેક્શનમાં કફતાન સ્ટાઇલની કુર્તીનો ઉમેરો કર્યો છે. આ પ્રકારની કુર્તીઓ ઢીલી અને દોરીવાળી હોય છે જે મોટે ભાગે હળવા રંગોમાં મળે છે. તેના પર થ્રેડ એમ્બ્રોઇડરી, ગોટા વર્ક અને ગોલ્ડ એમ્બ્રોઇડરી કરેલી હોવાથી આવી કુર્તીઓ ગ્લેમરસ લુક આપે છે. બ્લેક ડેનિમ અથવા લિનન કે કોટનના ચુડી પેન્ટ સાથે એ ખૂબ જ સુંદર દેખાય છે.

ઉનાળો શરૂ થતાં જ માનુનીઓ કુર્તીઓ પહેરવાનું વધુ પસંદ કરે છે. દરેક ઉંમરની મહિલાઓને આ પોશાક ગમે છે, કારણ કે એ પહેરવામાં સરળ અને ભારતીય મહિલાઓના ફિગરને અનુકૂળ છે. આ સીઝનમાં કુર્તીઓમાં ઘણી વિવિધતા જોવા મળી શકે છે. જેમ કે, યૂ કટ અને રાઉન્ડ શેપ. ડિઝાઇનરોએ આવી કુર્તીઓમાં પેચવર્ક અને ચિકનકારીના કોમ્બિનેશન દ્વારા એક નવો પ્રયોગ કર્યો છે.
આ ઉપરાંત કિમોનો કુર્તીની ફેશન પણ માનુનીઓને બહુ પસંદ પડી રહી છે. ટાઇટ્સ અને કેપ્રીઝ સાથે આવી કુર્તી આકર્ષક લાગે છે. જુદી જુદી ભૌમિતિક રચનાઓવાળી, ફુલવાળી તેમજ પરંપરાગત ડિઝાઇનોની પ્રિન્ટવાળી જેમાં થોડો મોડર્ન ટચ હોય એવી કુર્તીઓ લોકપ્રિય બનતી જાય છે. કોટન અને લિનનમાં બનતી આ કુર્તીઓ આછા પીળા રંગમાં, આછા ગુલાબી અને ભૂરા રંગમાં મળે છે.

કેટલાક ડિઝાઇનરોએ કુર્તીને ટૂંકા લશ્કરી જાકીટ જેવી બનાવવાનો પ્રયોગ પણ કર્યો છે. શર્ટ જેવી દેખાતી આવી કુર્તી ‘બોક્સી લુક’ ધરાવે છે. સફેદ, ગુલાબી અને બીજા હળવા રંગોમાં મળતી આ કુર્તી પર બેલ્ટ ખૂબ જ શોભે છે. એમાં વધુ ગ્લેમર લાવવા માટે લેયર્સ બનાવવામાં આવે છે. ઊંચી એડીનાં સેન્ડલ, સુંદર પર્સ અને બેલ્ટ સાથે કુર્તીઓમાં સજ્જ પાતળી પરમારોને જોતાં યુવાન હૈયાં એક ક્ષણ માટે ધડકવાનું ચૂકી જાય છે.

જો તમને આવી કુર્તીઓ પસંદ ન આવી હોય તો ડિઝાઇનરો પાસે હજુ પણ અનેક વેરાયટીઓ છે. કોટન અને જ્યોર્જેટના ફેબ્રિકમાંથી બનતી આછો ગુલાબી, ભૂરા, પીળા અને પોપટી રંગની પ્રિન્ટેડ કુર્તીઓ પણ તમારી સુંદરતા વધારી શકે છે. આ કુર્તીઓમાં ગળાનો ભાગ જુદા જુદા સિક્વન્સ અને ભરતકામથી શણગારવામાં આવે છે. તેથી તેનો લુક બીજી કુર્તીઓ કરતાં જુદો પડે છે. જોકે, આજકાલ કુર્તીઓમાં બેલ્ટના ભાગ પર એમ્બ્રોઇડરી કરાવવામાં આવતી હોવાથી ડિઝાઇનરો નિતંબ અને કમરના ભાગને પ્લેન રાખે છે. આને લીધે કુર્તી સાથે વર્કવાળો બેલ્ટ પહેર્યો હોય એવું લાગે છે.

જ્યોર્જેટ અને શિફોનનું મટિરિયલ વાપરીને અને ઐતિહાસિક ઇમારતો પરથી પ્રેરણા લઈ બનાવેલી કુર્તીઓ પર હાથેથી પેઇન્ટિંગ કરી ભારતીય શિલ્પો, પ્રાણીઓ, પશુ-પક્ષીઓ, સમુદ્ર વગેરેનાં ચિત્રો દોરવામાં આવે છે, જોકે આવી કુર્તીઓની કિંમત પણ સૌથી વધુ હોય છે.
આ લેખ વાંચ્યા પછી આપ સહુને એટલું તો સમજાઇ જ ગયું હશે કે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ તરીકે જાણીતી, પહેરવામાં સરળ અને સગવડરૂપ એવી કુર્તીઓનું આકર્ષણ ક્યારેય ઓછું નહિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter