નવી દિલ્હીઃ કેનેડાસ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારતીય મહિલાઓ માટે ‘વન સ્ટોપ સેન્ટર ફોર વિમેન’ના પ્રારંભ સાથે 24x7 હેલ્પલાઈન પણ શરૂ કરાઇ છે. સેન્ટર અને હેલ્પલાઈનનો ઉદ્દેશ ભારતીય પાસપોર્ટધારક મહિલાઓને સમયસર સહાય પૂરી પાડવાનો છે. મહિલાઓને ઘરેલુ હિંસા, અપમાન, કૌટુંબિક ઘર્ષણ, તરછોડી દેવાની ઘટના, શોષણ તથા કાનૂની પડકારોમાં સહાય સહિતની તમામ સ્થિતિમાં સમયસર મદદરૂપ બનવાનો છે.
ભારતીય દૂતાવાસે એક્સ પોસ્ટમાં જણાવ્યા મુજબ, વન સ્ટોપ સેન્ટર ફોર વીમેન (OSCW) દ્વારા સંબંધિત સંસ્થા-પક્ષકારો સાથે સંકલનમાં રહીને પીડિત મહિલાઓને સમયસર મદદ મળી રહે તથા તેમને સમસ્યામાંથી બહાર નીકળવાનો યોગ્ય માર્ગ મળી રહે તે માટે સહાય કરવામાં આવશે. આ સહાયમાં તાત્કાલીક કાઉન્સેલિંગ, માનસિક-સામાજિક સહકાર તથા કાનૂની મદદ માટે યોગ્ય સલાહ અને સહકારનો સમાવેશ થાય છે. કેનેડામાં સંબંધિત સમાજ અને સામાજિક સેવાના સ્રોતનો ઉપયોગ કરીને આ કામગીરી હાથ ધરવામાં આવશે.
જરૂરિયાતના સમયે OSCWના હસ્તક્ષેપ દરમિયાન કેનેડાના સ્થાનિક સેન્ટરમાં કામગીરી કરવામાં આવશે. આ નવા સેન્ટરનું સંચાલન મહિલા એડિમિનિસ્ટ્રેટરને સોંપવામાં આવ્યું છે. જેઓ જરૂરતમંદ મહિલાઓ માટે સલામત, ગરિમાયુક્ત અને સચોટ સહાય સુનિશ્ચિત કરશે. પરેશાન મહિલાઓએ હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો રહેશે અને ત્યાંથી આગળની કામગીરી હાથ ધરાશે. આ કામગીરીને વધારે અસરકારક બનાવવા સ્વૈચ્છિક સંસ્થાઓને એમ્પેનલ કરવામાં આવી છે, જેઓ ભાવનાત્મક સમર્થનની સાથે કાઉન્સેલિંગ કરશે. ભારત સરકારના નિયમો મુજબ તમામ આર્થિક સહાય આપવામાં આવશે. ટોરોન્ટો ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા સેન્ટર અને હેલ્પલાઈનનું સંચાલન થશે.
ભારતીય દૂતાવાસની સત્તાવાર વેબસાઈટ પર વિવિધ મૂંઝવણો અને પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ભારતીય પતિ અથવા પત્નીએ દગો કર્યો હોય, છેતરપિંડી કરી હોય કે અત્યાચાર કર્યો હોય તો તેવા કિસ્સામાં કઈ રીતે મદદરૂપ બની શકાય તે અંગેના સવાલથી માંડીને વિવિધ પરિસ્થિતિઓમાં ઉચિત સહાયની વિગતો તેમાં અપાઈ છે.
હોસ્પિટલની બેદરકારીથી પતિ ગુમાવનારી મહિલાએ ન્યાય માગ્યો
કેનેડાના અલબર્ટા પ્રાંતની ગ્રે નન્સ હોસ્પિટલમાં 44 વર્ષીય ભારતીય એકાઉન્ટન્ટ પ્રશાંત શ્રીકુમારનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલે સમયસર સારવાર આપવાના બદલે કલાક સુધી રાહ જોવડાવી હતી અને આખરે સારવાર શરૂ કરી ત્યારે ગણતરીના સમયમાં જ પ્રશાંતનું નિધન થયું હતું, 22 ડિસેમ્બરે બનેલી ઘટનામાં હોસ્પિટલ સ્ટાફની બેદરકારી જવાબદાર હોવાનું જણાવીને મૃતકનાં પત્ની નિહારિકાએ ન્યાયની માગણી કરી છે. આ મામલે હોસ્પિટલ દ્વારા જવાબદાર સ્ટાફની બેદરકારી સામે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


