કેન્યાનાં ઉમોજા ગામમાં ફક્ત મહિલાઓનો જ વસવાટ

Sunday 04th April 2021 05:26 EDT
 
 

નૈરોબીઃ આફ્રિકન દેશ કેન્યાની વસતી ૫.૪૯ કરોડ છે. તેમાં ૪૯.૦ ટકા પુરુષ અને ૫૦.૧ ટકા મહિલાઓ છે. તેમ છતાં દેશની ૯૮ ટકા જમીન પુરુષોના નામે છે, પણ હવે જમીન પર મહિલાઓનો પણ અધિકાર રહેશે અને આ સંભવ થયું છે ઉમોજા ગામને કારણે. ૩૦ વર્ષ પહેલાં બનેલા ગામમાં ૫૩ મહિલાઓ અને ૨૦૦ બાળકો રહે છે. અહીં પુરુષોના વસવાટ પર પ્રતિબંધ છે. આ ગામની સ્થાપના થવાની કહાણી પીડાદાયક છે. ઉત્તર કેન્યામાં રહેતી જેન નોલમોંગનની સાથે ૩૦ વર્ષ પહેલાં એક બ્રિટિશ સૈનિકે દુષ્કર્મ કર્યું તો તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી. તે આશ્રયની શોધમાં ૮ બાળકો સાથે એક એવા ગામમાં આવી ગઈ જ્યાં કોઈ પુરુષ નહોતો.
૧૯૯૦માં સાંબરુ મહિલાઓના આશ્રયસ્થાન તરીકે વસેલા ઉમોજા ગામમાં દુષ્કર્મ પીડિતાઓથી લઇને ઘરેથી કાઢી મુકાયેલી, બાળલગ્ન કે ખતનાથી ખુદને બચાવીને નાસી જનાર મહિલાઓ આશ્રય મેળવે છે. આવી જ ૧૫ મહિલાઓએ આ ગામની સ્થાપના કરી હતી. પછી આજીવિકા અને બાળકોનો ઉછેર કરવા માટે તેમણે ખેતી શરૂ કરી. ત્રણ દાયકાથી ખેતી કરી રહેલી બાવન વર્ષીય જેન કહે છે કે આ ગામ જ અમારો સહારો છે.
વહીવટી એકમના વડા હેનરી લેનાયાસા આ મહિલાઓમાં જમીનનો અધિકાર પ્રાપ્ત કરવાની પહેલને જાગૃતતાનું એક ઉદાહરણ ગણાવે છે. તેઓ કહે છે કે કેન્યાનો કાયદો પહેલાથી જ દરેક નાગરિકને સંપત્તિનો સમાન અધિકાર આપે છે, પણ પરંપરાગત રીતે તે ફક્ત દીકરાઓના નામે અપાય છે. જોકે ઉમોજાની મહિલાઓ એ જમીન પર કાનૂની રૂપે અધિકાર મેળવી શકશે જેને તેમણે પોતાના અનેક વર્ષોની પોતાની બચત અને લોકોથી મળેલી દાનની રકમથી ખરીદી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter