કેન્સર સામે જંગ લડતા પરિવારોને હૂંફ, હિંમત અને માહિતી આપવાનું મિશન

Saturday 04th February 2023 04:48 EST
 
 

ભાવનગર: એ સમય હતો વર્ષ 2011નો હતો. મારા પતિ નીલેશ જાનીને કેન્સરની બીમારીનું નિદાન થયું. ઓપરેશન, દવાઓ, રેડિએશન આ બધાને પહોંચી વળવા માટે લાખો રૂપિયાની જરૂરત ઊભી થઈ. અમારાં પર તો જાણે આભ તૂટી પડ્યું. એ પછી પારાવાર સંઘર્ષ કરીને તેમને કેન્સરમાંથી મુક્ત કર્યા. આ શબ્દો વર્ષાબેન જાનીના છે.
પતિને કેન્સરમુક્ત કરવા માટે પોતે જે સંઘર્ષ કર્યો એવો સંઘર્ષ હજારો પરિવારો પણ કરી રહ્યાં હશે એવું વિચારીને તેમણે આ પરિવારોને સધિયારો આપવા માટે જાતને સમર્પિત કરી દીધી છે. છેલ્લા 12 વર્ષથી તેઓ કેન્સરથી પીડાતા દર્દીઓના પરિવારોને મળીને હૂંફ - હિંમત અને માહિતી આપવાનું કાર્ય કરે છે. તેઓ કહે છે કે કેન્સર થયું હોય એવી વ્યક્તિઓના ઘરે હું પહોંચી જાઉં છું અને સાંત્વના, હૂંફ આપવાની સાથે સાથે ટ્રીટમેન્ટ ક્યાં, કેવી રીતે લઈ શકાય એ અંગેની જાણકારી પણ આપું છું.
વર્ષાબહેન કહે છે કે કેન્સરની સારવાર દરમિયાન અમે જે પીડા, મુશ્કેલી ભોગવી છે એ મુશ્કેલી બીજા દર્દીઓને ન થાય, એવા આશયથી હું બીજાને મદદ કરવાનું કામ માત્ર સેવાકીય હેતુથી કરું છું. આ સેવાની નોંધ અનેક અખબારો અને મેગેઝિનોએ લીધા બાદ ઘણાં મોટા મોટા દાતાઓએ મને મારાં સેવાકાર્ય માટે લાખો રૂપિયા દાન આપવાની તત્પરતા દર્શાવી હતી. જોકે મારી દૃઢ પ્રતિજ્ઞા છે કે સેવા કરવામાં કોઈનો પાઈપૈસો પણ ન લેવો અને શક્ય બને એટલા પરિવારોને મદદરૂપ બનવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter