કોરોના સામેના જંગમાં ઉતર્યા છે ‘હૂ’નાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથન્

Wednesday 23rd June 2021 04:16 EDT
 
 

સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્ અને ભારતીય શિક્ષણશાસ્ત્રી મીના સ્વામિનાથનનાં પુત્રી છે. સૌમ્યાની બહેનો મધુરા સ્વામિનાથન્ અને નિત્યા સ્વામિનાથનિ પણ પોતાનાં ક્ષેત્રમાં એક્સપર્ટ છે. મધુરા સ્વામિનાથન્ ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક છે તો નિત્યા સ્વામિનાથન્ યુનિવર્સિટીમાં લૈંગિક વિશ્લેષણનાં લેક્ચરર છે.
સૌમ્યાના લગ્ન ઓર્થોપેડિક સર્જન અજિત યાદવ સાથે થયા છે અને તેઓ પોતાના ક્ષેત્રમાં સિદ્ધિનાં સોપાન સર કરી રહ્યા છે. હાલમાં સૌમ્યા સ્વામિનાથન્ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં ચીફ સાયન્ટિસ્ટ છે. તેમના યુકે લીડ પેન્ડેમિક પ્રિપ્રેર્ડનેસ પાર્ટનરશિપ (PPP)ના ૨૦ એક્સપર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ લોકોને નવી બીમારીઓથી લોકોને માહિતગાર કરશે અને તેમને આ બીમારીઓથી બચાવવામાં મદદગાર થશે. તેમણે ટીબી અને HIV પર પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેઓ માર્ચ ૨૦૧૯થી તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ચીફ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ અગાઉ WHOમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ પ્રોગ્રામની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.
સૌમ્યા સ્વામિનાથને પૂણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી એમડીની ડિગ્રી મેળવી છે. સૌમ્યા અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતાં. એમડીના અભ્યાસ પછી તેમણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી પીડિયાટ્રિક પલ્મોનોલોજીમાં પોસ્ટ ડોક્ટરલ મેડિકલ ફેલોશિપ મેળવી હતી. તેજસ્વી કરિયર સૌમ્યા સ્વામિનાથનની કરિયર અત્યંત તેજસ્વી રહી છે.
તેમણે ૧૯૮૯થી ૧૯૯૦ સુધી બ્રિટનની યુનિવર્સિટી ઓફ લેસ્ટરનાં ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક રેસ્પિરેટરી ડિસીઝમાં રિસર્ચ ફેલોની જવાબદારી નિભાવી હતી. આ પછી તેમણે ન્યૂ જર્સીની ટફ્સ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ફેમિલી મેડિસિનમાં એસોસિયેટ ક્લિનિકલ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું.
૧૯૯૨માં સૌમ્યાએ ચેન્નઇની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન ટ્યૂબરક્યુલોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને પછી ક્રમશ: તેઓ આ સંસ્થાના ડિરેક્ટર બન્યાં હતાં. ૨૦૧૭ના ઓક્ટોબર મહિનાથી ૨૦૧૯ના માર્ચ મહિના સુધી તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનનાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ હતા અને તેમણે ૨૦૧૯ના માર્ચ મહિનાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટની જવાબદારી સંભાળી છે.

સૌમ્યાને મળેલાં મહત્ત્વના અવોર્ડ
​• ૧૯૯૯: નેશનલ પીડિયાટ્રિક પલ્મોનરી કોન્ફરન્સમાં બેસ્ટ પેપર માટે ગોલ્ડ મેડલ
• ૨૦૦૮: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અવોર્ડ
• ૨૦૧૧: ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વાર ફેલોની પદવી
• ૨૦૧૧: ઇન્ડિયન એસોશિયેશન ઓફ એપ્લાઇડ માઇક્રોબાયોલોજિસ્ટ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ડ અવોર્ડ
• ૨૦૧૨: તામિલનાડુ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવોર્ડ
• ૨૦૧૨: નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા ફેલોની પદવી
• ૨૦૧૩: ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સિઝ દ્વારા ફેલોની પદવી ૨૦૧૬: NIPER,
 ASTRAZENECA રિસર્ચ એન્ડાઉમન્ટ અવોર્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter