કોરોનામુક્ત થયેલા દર્દીને ૧૦૦ કિમી દૂર ઘરે પહોંચાડ્યોઃ મહિલા રિક્ષા ડ્રાઈવરને ઈનામ

Thursday 18th June 2020 07:18 EDT
 
 

ઇમ્ફાલઃ મણિપુરમાં એક મહિલા રિક્ષા ડ્રાઈવરે કોરોનામાંથી સાજા થયેલ દર્દીને તેના ઘરે પહોંચાડવા માટે ૧૦૦ કિમીનું અંતર કાપ્યું હતું. તેના આ કામ બદલ મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે રૂ. ૧.૧૦ લાખનું ઈનામ આપીને સન્માન કર્યું હતું. કામજોંગ શહેરમાં રહેનાર દર્દીની કોરોનાની સારવાર ઈમ્ફાલમાં ચાલતી હતી. આ બંને જગ્યાઓ વચ્ચેનું અંતર ૧૦૦ કિમી છે. કોરોના વાઈરસને હરાવીને આ દર્દીને પોતાના ઘરે જવું હતું, પણ હોસ્પિટલની એમ્બ્યુલન્સે અન્ય શહેરમાં જવાની ના પાડી. આ સમયે લેઈબી ઓઈનમ નામની મહિલાએ આ દર્દીને રિક્ષામાં ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી. તેણે ૧૦૦ કિમીનું અંતર રાતે થાક ખાતાં-ખાતાં ૮ કલાકમાં પૂરું કર્યું અને દર્દીને સુરક્ષિત ઘર સુધી પહોંચાડી દીધી. રાજ્યના મુખ્ય પ્રધાન સુધી આ સમાચાર પહોચ્યાં તો તેમણે લેઈબીના વખાણ કરીને તેને રૂ. ૧.૧૦ લાખનું ઇનામ આપ્યું હતું. બે દીકરાઓની માતા લેઈબી તેના ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેના આ સદકાર્યની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter