કોવિડ વેક્સિન લેનારી ૪,૦૦૦ મહિલાને પીરીયડની સમસ્યા

Wednesday 07th July 2021 05:39 EDT
 
 

લંડનઃ કોવિડની વેક્સિન લીધા પછી ૩,૯૫૭ મહિલાઓને માસિક પીરીયડ્સની અનિયમિતતા, અચાનક રક્તસ્રાવ સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે તેમ સન્ડે ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે. જોકે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા ફેરફારો હળવાં છે અને તેનાથી લોકોએ વેક્સિન લેતા અટકવું ન જોઈએ. આ રિપોર્ટ્સનો અર્થ એવો નથી કે કોવિડ-૧૯ વેક્સિન માસિક ચક્રમાં ફેરફાર લાવી દે છે. વેકસિન વોચડોગના જણાવ્યા મુજબ અત્યાર સુધી મળેલા પુરાવા જોખમ વધારે હોવાનું સૂચવતા નથી.

યુકેની મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ને એસ્ટ્રાઝેનેકાથી ૨,૭૩૪, ફાઈઝર- બાયોએનટેકથી ૧,૧૫૮ અને મોડેર્ના વેક્સિનથી ૬૬ મહિલાને આડઅસર થઇ હોવાના ૧૭મે સુધીના અહેવાલો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે બીજી મે સુધીમાં યુકેની મહિલાઓને ૨૨ મિલિયન ડોઝ આપી દેવાયા હતા. વેક્સિન વોચડોગ દ્વારા આશરે ૪,૦૦૦ સ્ત્રીના અહેવાલોનો કાળજીપૂર્વક અભ્યાસ કરાઈ રહ્યો છે. મોટાભાગે ૩૦- ૪૯ વયજૂથની સ્ત્રીઓમાં વેક્સિનના કારણે ‘સામાન્ય કરતા વધુ ભારે’ રક્તસ્રાવ થયો હોવાનું પણ નોંધાયું છે. સન્ડે ટાઈમ્સના આંકડા MHRAની યલો કાર્ડ સિસ્ટમ આધારિત છે જ્યાં લોકો વેક્સિન ડોઝ લીધા પછી અવળી અસરનો રિપોર્ટ કરતા હોય છે.

સામાન્ય રીતે વેક્સિન લીધા પછી હાથ પર સોજો આવવો, કંટાળો આવવો, સ્નાયુની નબળાઈ, માંદગી, તાવ કે માથાનો દુખાવો થવો જેવી સંભવિત આડઅસરો થઇ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે વેક્સિનની સંભવિત આડઅસરોની યાદીમાં પીરીયડ્સમાં તકલીફ થઇ શકે છે તે બાબતનો કોઇ ઉલ્લેખ જ નથી.

ઇમ્પિરિયલ કોલેજ લંડનના રીપ્રોડક્ટિવ ઇમ્યુનોલોજિસ્ટ વિક્ટોરિયા માલેએ જણાવ્યાં મુજબ ‘દરેક વ્યક્તિ MHRAને શંકાસ્પદ આડઅસરની જાણ કરતી ન હોવાથી વાસ્તવમાં આ સંખ્યા કરતા વધુ મહિલાઓને અસર થઈ હોવાની સંભાવના છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ફ્લુ વેક્સિન અને હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (HPV) જેવી અન્ય વેક્સિન્સથી પણ માસિક ચક્રમાં કામચલાઉ ફેરફાર આવતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter