ક્રાફટનો શોખ કમાણીનું સાધન

Saturday 23rd January 2021 07:59 EST
 
 

કેરળમાં યુનિવર્સિટી ઓફ કેરલા કરિયાવેટ્ટમ કેમ્પસમાં એમએસસી માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્મૃતિ વી રાજેએ અભ્યાસની સાથે સાથે પોતાની કળાને કમાણીનું સાધન બનાવી છે. સ્મૃતિને ક્રાફ્ટ વર્કનો શોખ હતો. કોરોના કાળમાં લોકડાઉનમાં આ કળાને વધુ વિકસાવીને તેમાંથી કમાણી કરવાનું પણ તેણે શરૂ કર્યું અને આજે સ્મૃતિ સોશિયલ મીડિયામાં તેની કળા થકી છવાયેલી રહે છે. સ્મૃતિ આ કમાણીની મદદથી ભણવાનો ખર્ચ ઊઠાવી રહી છે.

સ્મૃતિ પોતાના વેન્ચર અલ્બાટ્રોસ ફ્રાફ્ટસિફાઈથી પોતાનો શોખ જ નહીં પણ તેમાંથી સારી એવી કમાણી પણ કરે છે. આ કામની શરૂઆત સ્મૃતિએ લોકડાઉન સમયે કરી હતી. તેની કમાણીમાંથી જ ઘર ચાલતું અને સોશિયલ મીડિયા પર આ આર્ટ ટ્રેન્ડિંગ રહ્યું.

બાળપણથી ક્રાફ્ટનો શોખ

સ્મૃતિને બાળપણથી ક્રાફ્ટનો શોખ હતો, પરંતુ એક વર્ષ પહેલાં જયારે તેણે ડ્રીમકેચર્સ બનાવવાનું શરૂ કર્યું ત્યારે જીવનમાં નવો વળાંક આવ્યો. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે પોતાના ક્રાફ્ટ વર્કથી પોતાનો ખર્ચો જાતે ઊઠાવી શકશે. તેણે ડ્રીમકેચર્સ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. થોડા જ સમયમાં ઘણા લોકોએ ખરીદી લીધા.

સ્મૃતિને વિચાર આવ્યો કે તે પોતાની હોબીથી કેવી રીતે કમાણી કરી શકે છે. તેણે ઈસ્ટાગ્રામ અકાઉન્ટ પેજ ‘અલ્બાટ્રોસ ક્રાફ્ટસિફાઈ’ની શરૂઆત કરી. સૌપ્રથમ ડ્રીમકેચર્સ બનાવીને તેને રૂ. ૧૨૦ મળ્યા. તેણે આ રૂપિયામાંથી રો મટીરિયલ ખરીદ્યું અને નવા ડ્રીમકેચર્સ બનાવ્યા. એ પછી તેણે ગિફ્ટ હેમ્પર્સ, થ્રેડ વર્ક અને એમ્બ્રોઇડરી કરીને પણ કમાણી કરી. હાલ તે દર મહિને રૂ. ૨૦ હજારની કમાણી કરી રહી છે. તે આ રૂપિયામાંથી કોલેજ અને હોસ્ટેલની ફી ચૂક્વે છે. સ્મૃતિને માઈક્રોબાયોલોજીમાં વધુ અભ્યાસ માટે વિદેશ જવું છે અને તેના માટે રૂપિયા પોતાની હોબીથી ભેગા કરવા મહેનત કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter