ક્લાસી ફેશન રેન્જ ક્રોપ ટોપ

Wednesday 12th October 2016 07:10 EDT
 
 

ફેશનમાં અવનવા પરિવર્તન આવવા એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જે ફેશનમાં આપણે કમ્ફર્ટેબલ હોઈએ તે ફેશન આપણે લાંબો સમય આપનાવવી જોઈએ. કારણ કે ફેશનમાં કમ્ફર્ટનું સ્થાન સૌથી મહત્ત્વનું છે. ચેસ્ટ કે કમર સુધીની લંબાઈ ધરાવતાં ક્રોપ ટોપની ફેશન અત્યારે ક્લોથ માર્કેટમાં ધૂમ મચાવે છે. કારણ કે કોઈ પણ સિઝનમાં ક્રોપ ટોપ કમ્ફર્ટેબલ અને કુલ લાગે છે.

આ ટોપ શોર્ટ હોય છે અને કોટન, સિન્થેટિક, સિલ્ક, હોઝિયરી દરેક મટીરિયલમાં બજારમાં મળી રહે છે અને પહેરતાં ઉઠાવ પણ આપે છે. ક્રોપ ટોપ ફુલ સ્લિવ, સ્લિવ લેસ, સ્પગેટી ટાઇપ, સ્ટ્રીપ્સવાળી થ્રી ફોર્થ સ્લિવમાં અને હાફ સ્લિવમાં એમ બધા પ્રકારની બાંયમાં મહિલાઓને સૂટ થાય છે. વળી, તમે ક્રોપ ટોપ પેન્ટ, શોર્ટ સ્કર્ટ, લોન્ગ સ્કર્ટ, શોર્ટસ, કુલોત્ઝ, પેલેત્ઝો, ટાઇટ સ્કર્ટ, જેગિંગ્સ અને કેપ્રી સાથે પણ પહેરી શકો છો. ખાસ કરીને ટ્રેડિશનલ ક્રોપ ટોપ તમે વારે તહેવારે અને પ્રસંગે ચણિયા ચોળીની જેમ પણ પહેરી શકો છો.

આજકાલ બોલિવૂડ સેલિબ્રિટીઝમાં પણ ક્રોપ ટોપની ફેશન પ્રિય છે. દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, કંગના રાણાવત જેવી અભિનેત્રીઓને તમે ફંક્શન કે ફેશન ઇવેન્ટમાં આ ટોપમાં જોઈ શકો છો. અભિનેત્રીઓ ક્રોપ ટોપ પેલેત્ઝો, સ્કર્ટ, સાડી, ટાઈટસ, શોર્ટસ, પેન્ટસ કે પ્રિન્ટેડ પેન્ટસ સાથે પહેરવાનું વધુ પસંદ કરે છે. સાડી સાથે આ ટોપ પહેરવાની ફેશન બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે શરૂ કરી છે. બ્લાઉઝની જગ્યાએ હેવિ વર્ક ધરાવતાં ક્રોપ ટોપ સાડી સાથે પહેરાતાં સુંદર પણ લાગે છે. તમે કોઈ ફંક્શનમાં સાડી સાથે ક્રોપ ટોપની સ્ટાઈલ અપનાવીને અત્યંત કુલ દેખાઈ શકો છો.

ફેશન એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, ખાસ કરીને યંગ ગર્લ્સ ક્રોપ ટોપ પહેરવાનું હાલમાં સૌથી વધુ પસંદ કરે છે. કોલેજિયનોથી લઈને યંગ લેડી સુધી બધાની પસંદગી ક્રોપ ટોપ બન્યાં છે. તેમાં વ્હાઇટ અને પેસ્ટલ કલર્સ વધુ ચાલે છે. ડેનિમ કે જેગિન્સ સાથે તે સુંદર લાગે છે. ટ્રાન્સપરન્ટ ક્રોપ ટોપ નીચે સ્પગેટી પણ કલાસી લૂક આપે છે. પ્રિન્ટેડ શોર્ટ સ્કર્ટ તથા ની લેન્થના સ્કિન ટાઇટ જિન્સ સાથે પ્લેન ક્રોપ ટોપ પણ સુંદર લાગે છે. ક્રોપ ટોપ તમને કલાસી, ફંકી અને ટ્રેન્ડી લૂક આપે છે.

ક્રોપ ટોપનો ટ્રેન્ડ ખરેખર તો એથલેટને આભારી છે. એંશીથી લઈને નેવુંના દાયકામાં વિશ્વના કેટલાક એથલેટને ધ્યાનમાં રાખીને ક્રોપ ટોપ તૈયાર થતાં હતાં. તેમાં ખભાથી લઈને ચેસ્ટ સુધીની લંબાઈ રાખવામાં આવતી અને તે ટોપ સ્લિવ લેસ જ મળતાં. ચેસ્ટથી નીચેના ભાગેથી આ ટોપમાં નીચે ઇલાસ્ટિક રખાતું અથવા ફિટિંગ કરવામાં આવતું હતું. સમય સાથે તેમાં પણ પરિવર્તનો આવ્યાં.

હવે તો જ્યારે ક્રોપ ટોપ ટ્રેડિશનલ પણ બને છે ત્યારે તેની લંબાઈ બે રીતે રાખવામાં આવે છે. ખાસ કરીને પ્રસંગે પહેરવામાં આવતા ક્રોપ ટોપ ચણિયા, વર્કવાળા કે સિલ્કના સ્કર્ટ સાથે પહેરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ કમર સુધીની કે ચેસ્ટ સુધીની રખાય છે. ફ્રીલ સ્ટાઈલ, બોક્સ સ્ટાઈલ, બટરફલાય જેવી સ્ટાઈલમાં મળતાં ક્રોપ ટોપ પણ યુવતીઓને ઘણા આકર્ષી રહ્યાં છે. વળી એમાં પણ ફેરફાર સાથે ઘણા ક્રોપ ટોપ બજારમાં મળી રહ્યાં છે.

ક્રોપ ટોપની ખાસિયત એ છે કે, તે માત્ર સ્લીમ એન્ડ ટ્રીમ લલનાઓ માટે જ નથી. આ ટોપ કોઈ પણ સાઈઝની સ્ત્રીઓ છોછ વગર પહેરી શકે છે. ફેશન ડિઝાઇનર્સ આ ફેશન રેન્જમાં ફેરફાર સાથે ક્રોપ ટોપ લાંબાં, ઢીલાં અને સોબર પણ બનાવી રહ્યાં છે. જેથી તે કોઈ પણ સાઈઝની સ્ત્રીઓને સૂટ થાય છે. ક્રોપ ટોપની એક ખાસિયત એ પણ છે કે તે પહેરનારાની હાઈટ પણ વધુ દેખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter