દરેક સાથે ક્યારેકને ક્યારેક એવું બન્યું જ હશે કે મનપસંદ કપડાં પર અચાનક દાગ પડી જાય. અને પછી જીવ ઊંચો થઈ જાય કે આ ડાઘ જશે કે નહીં હવે..? જેમને નાના બાળકો હોય તેમને તો આવી સમસ્યાનો સામનો વારંવાર કરવો પડતો હોય છે. આ સિવાય ક્યારેક ચા-કોફીના ટીપાં તો ક્યારેક મહિલાઓને રસોઈ કરતી વખતે કપડાં પર ઊડતો તેલનો છાંટો. આવા હઠીલા ડાઘ દૂર કરવા માટે મોંઘા કેમિકલ્સ ખરીદવાની જરૂર નથી. દર વખતે કપડાં પરના ડાઘ દૂર કરવા ડ્રાય ક્લીનિંગ માટે આપવાનું પણ પોષાય નહીં. તો કરવું શું? સાચી વાત તો એ છે કે આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ છે, જે આ દરેક ડાઘને સહેલાઈથી દૂર કરી શકે છે અને સાથે ફેબ્રિકની ક્વોલિટી પણ જાળવી રાખે છે. આવો, જાણીએ કેટલાક સરળ અને અસરકારક ડાઘ દૂર કરવા માટેના ઉપાયો.
• તેલ કે ઘીનો ડાઘ: ડાઘ પડ્યા પછી તરત તેની ઉપર મકાઈનો લોટ અથવા ટેલકમ પાઉડર છાંટી દો. 15 મિનિટ બાદ સોફ્ટ ટુથબ્રશથી સાફ કરો. ત્યારબાદ હળવા હાથે ડીટર્જન્ટથી ધોઈ નાખો. ડાઘ સરળતાથી દૂર થઈ જશે.
• ચા-કોફીનો ડાઘ: નવશેકા પાણીમાં થોડું સફેદ વિનેગર મિક્સ કરો. ડાઘવાળી જગ્યા પર તેને રેડો અને દસ મિનિટ રહેવા દો. એ પછી સાબુ લગાવી તેને ધોઈ નાખો.
• હળદરનો ડાઘ: લીંબુનો એક નાનો ટુકડો લઈ ડાઘ પર થોડીવાર હળવેથી ઘસો. ડાઘ આછો થવા લાગે એટલે સાબુથી ધોઈ લો. સૂર્યપ્રકાશમાં સૂકાવો તેનાથી હળદરનો ડાઘ દૂર થઈ જશે.
• ઇન્કનો ડાઘ: રૂને સેનિટાઈઝરમાં ભીંજવી ડાઘ ઉપર ઘસો. ડાઘ આછો થવા લાગે એ પછી સાબુ અને પાણીથી ધોઈ નાખો. સાબુ સીધો જ ક્યારેય ન લગાવવો કેમ કે તેનાથી ઈન્ક સ્પ્રેડ થઈ શકે છે.
• લોહીનો ડાઘ: ડાઘ જો તાજો હોય તો ઠંડાં પાણીથી ધોવાથી તરત દૂર થઈ જશે પરંતુ જો જૂનો ડાઘ હોય તો તેની ઉપર બેકિંગ સોડાની પેસ્ટ લગાવી દો. 30 - ૩૫ મિનિટ બાદ ધોઈ નાખો.
• પરસેવાના ડાઘ: બેકિંગ સોડાની પેસ્ટ લગાવી 20 મિનિટ બાદ ધોઈ નાખો. ડાઘ તો નીકળી જ જશે, પરસેવાની ગંધ પણ તેનાથી દૂર થઈ જશે.
આટલું અવશ્ય ધ્યાનમાં રાખો
• શક્ય હોય ત્યાં સુધી ડાઘ પડતાંની સાથે જ તેનો ઉપાય કરો.
• નાજુક ફેબ્રિક પર પહેલા ટેસ્ટ કરો.
• ગરમ પાણી ઘણીવાર ડાઘને વધુ મજબૂત કરી દે છે. આથી શરૂઆતમાં ઠંડું પાણી વાપરો.
• ઘરેલુ ઉપાયો સસ્તા અને સલામત છે. થોડું ધ્યાન રાખશો તો તમારા કપડાં લાંબા સમય સુધી નવા જેવા ચમકતા રહેશે.


