ગરદનની કાળાશ દૂર કરવા કરો આટલું

Tuesday 12th June 2018 07:35 EDT
 
 

સામાન્ય રીતે એવું બને છે કે લોકો પોતાના ચહેરાની સુંદરતાને સાચવી રાખવા પાછળ મહેનત કરતા હોય છે, પણ બોચી કે ગરદન માત્ર નહાતી વખતે જ સાફ કરી નાંખવા પૂરતું ધ્યાન આપતા હોય છે. આપણા શરીરમાં કેટલાક એવા અંગો હોય છે જેની પર આપણું ધ્યાન જતું નથી અને તેની ત્વચા ખરાબ થઇ જાય છે. ગરદન પણ એમાંથી એક છે. તેથી જ કેટલીક મહિલાઓ ગરદનની કાળાશથી પરેશાન રહે છે. ગરદનની કાળાશ પણ દૂર કરવા પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. ચહેરાની સુંદરતામાં ગરદનની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. ગરદનની કાળાશ કેટલીક ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. કેટલીક યુવતીઓ કે મહિલાઓ તડકામાં નીકળતી વખતે ચહેરા પર સનસ્ક્રીન લોશન લગાવે છે, પરંતુ ગરદની કાળજી લેતી નથી તેથી પણ તેની ગરદન પર કાળાશ હોય છે. ગરદન પરની કાળાશ દૂર કરવા માટે અહીં કેટલાક નુસખા આપ્યા છે. તે અજમાવવાથી તુરંત જ ગરદનની કાળાશથી છુટકારો મળશે.

• મુલતાની માટી, ચંદન પાઉડર અને હળદરમાં જરૂર પ્રમાણેનું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદન પર ૧૫ મિનિટ લગાવી રાખો અને તે પછી હળવા ગરમ પાણીથી ધોઇ લો.

• લીંબુનો રસ અને ગુલાબજળને મિક્સ કરીને મિશ્રણ બનાવો. આ મિશ્રણને ગરદનમાં જે જગ્યા પર કાળાશ હોય ત્યાં લગાવી આખી રાત રહેવા દો. સવારે તેને ઠંડા પાણીથી ધોઇને સાફ કરી લો. આમ કરવાથી ત્વચા કોમળ અને સુંદર લાગશે.

• લીંબુ અને મધને બરાબર મિક્સ કરી ગરદન પર લગાવી દો. વીસેક મિનિટ સુધી રહેવા દો અને નવશેકા પાણીથી ધોઇ લો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી ગરદનની કાળાશ દૂર થશે અને ચમક આવશે.

• એક ચપટી હળદરમાં એક લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ગરદન અને તેની આસપાસના ભાગ પર લગાવી લો. વીસેક મિનિટ બાદ આ પેસ્ટને હળવા ગરમ પાણીથી ધોઇ લો. નિયમિત રીતે આ ઉપચાર કરાવથી ગરદન સાફ થઇ જશે.

• ટામેટાંના રસમાં થોડોક લીંબુનો રસ ઉમેરો આ મિશ્રણને ગરદન પર લગાવી રાખો. સુકાઇ જાય તે બાદ બરાબર રગડીને સાફ કરી દો. દિવસમાં ૨-૪ વખત આ પ્રયોગ કરવાથી ગરદનની કાળાશ દૂર થઇ શકે છે.

• ચાર ચમચી ચણાના લોટમાં એક ચમચી દહીં મિક્સ કરો. આ પેસ્ટને વીસેક મિનિટ સુધી તમારી ગરદન પર લગાવી રાખો. સુકાઈ જાય એ પછી તેને બરાબર રગડીને સાફ કરી લો અને નવશેકા પાણીથી ધોઇ લો. આમ સતત કરવાથી ગરદનની કાળાશ દૂર થાય છે અને તમારી ગરદન પણ સુંદર થઇ જશે.

• ચાર ચમચી બાજરીનો લોટ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી હળદર, એક ચમચી મલાઈમાં કાચું દૂધ નાંખીને મિશ્રણ તૈયાર કરો. આ લેપ ગરદન પર લગાવો. લેપ સુકાઈ જાય પછી નવશેકા પાણીથી ગરદન ધોઈ લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter