ગર્ભનો સાતમો મહિનો ધરાવતી નર્સ ફરજ બજાવે છે

Tuesday 19th May 2020 15:41 EDT
 
 

મોરબીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આ સમયમાં કેટલોક મેડિકલ સ્ટાફ તેમનાથી બનતી ફરજ અદા કરી રહ્યાં છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સરકારી શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા પૂનમબહેન જોશી સમગ્ર મોરબી જિલ્લાની તમામ નર્સ બહેનો માટે પ્રેરણાદાયી છે. પૂનમબહેનને ૭ માસનો ગર્ભ છે. ગર્ભવતી હોવા છતાં પણ કોરોનાની મહામારીમાં પૂનમબહેન સતત કાર્યરત છે. તેઓએ જણાવ્યું છે કે, ભલે હું અત્યારે સગર્ભા હોઉ અને પેટમાં સાત માસનો ગર્ભ હોયસ પરંતુ આવા કપરા કાળમાં રાષ્ટ્રની સેવા કરવાનો મને અનેરો આનંદ મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પોતાના સીમંત પ્રસંગને પણ મુલતવી રાખીને આરોગ્ય વિભાગની સેવામાં સતત જોડાયેલાં છે.
પૂનમબહેન જોશીની ફરજપરસ્તી જોઇને અહીંના સ્થાનિકો જણાવે છે કે કોરોના સંક્રમણના કપરા સમયે પણ આવી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ અમારા માટે ગર્વ અને રાહતની બાબત છે. પોતાને ૭ માસનો ગર્ભ હોવા છતાં પણ પોતાની ચિંતા કર્યા વગર નર્સ તરીકે મોરબીની વીસીપરામાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા પૂનમબહેન હોસ્પિટલમાં સર્ગભાઓની સમયસર નોંધણી, હોસ્પિટલમાં માતા અને બાળકની સંભાળ, ચિરંજીવી યોજના સહિત બાળકોને રસી આપવાની અને મમતા કાર્ડની નિભાવણી જેવી કામગીરી કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter